NEWSFLASH

ઈરાનમાં સત્તા પરિવર્તનના સંકેત?

IRGCનો વધતો પ્રભાવ, રાષ્ટ્રપતિ બાજુએ, મોજતબા આસપાસ કડક સુરક્ષા ઘેરો

મિડલ ઈસ્ટમાં ચાલુ તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ઈરાનની આંતરિક રાજનીતિમાં મોટા બદલાવના સંકેતો સામે આવી રહ્યા છે. તાજેતરની રિપોર્ટ્સ મુજબ ઈરાનમાં સૈન્ય શક્તિ ગણાતી Islamic Revolutionary Guard Corps (IRGC) હવે સરકારના મહત્વના નિર્ણયો પર વધુ નિયંત્રણ સ્થાપિત કરી રહી છે, જેના કારણે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન રાજકીય રીતે બાજુએ પડી ગયા હોવાની ચર્ચા તેજ બની છે.

માહિતી મુજબ IRGC દ્વારા સરકારના કેટલાક મહત્વના નિયુક્તિ સંબંધિત નિર્ણયો અટકાવવામાં આવ્યા છે. ખાસ કરીને ઇન્ટેલિજન્સ મંત્રીની નિમણૂક જેવા મુદ્દાઓ પર પણ IRGCએ હસ્તક્ષેપ કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે સરકારની કાર્યક્ષમતા પર અસર પડી છે અને દેશમાં રાજકીય ડેડલોક જેવી સ્થિતિ ઊભી થઈ છે. આ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈની આસપાસ કડક સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર સરકાર તરફથી મોકલાતી કેટલીક માહિતી અને રિપોર્ટ્સ પણ તેમની સુધી પહોંચી શકતી નથી.રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને અનેક વખત મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેઓ સફળ થયા નથી.

વિશેષજ્ઞોનું માનવું છે કે હાલ ઈરાનમાં એક પ્રકારની “મિલિટરી કાઉન્સિલ” જેવી વ્યવસ્થા કાર્યરત બની રહી છે, જેમાં IRGCના વરિષ્ઠ અધિકારીઓ મહત્વના નિર્ણય લઈ રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે દેશમાં નાગરિક સરકાર અને સૈન્ય તંત્ર વચ્ચે સત્તાનો સંતુલન બદલાઈ રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત મોજતબા ખામેનેઈના નજીકના વર્તુળમાં પણ આંતરિક મતભેદો વધી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. કેટલાક વરિષ્ઠ અધિકારીઓ તેમના નેતૃત્વને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, જેના કારણે રાજકીય અનિશ્ચિતતા વધુ વધી રહી છે.

આ સમગ્ર પરિસ્થિતિને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ઈરાનમાં સત્તાનું કેન્દ્ર ધીમે ધીમે નાગરિક સરકારમાંથી સૈન્ય તંત્ર તરફ ખસી રહ્યું છે. જો આવું બનશે તો મિડલ ઈસ્ટની રાજનીતિ અને વૈશ્વિક કૂટનીતિ પર તેની મોટી અસર પડી શકે છે.

Most Popular

To Top