બહુત નાહ્યો ગંગારામ

એક્ચ્યુલી.. ! લગન માટે મારી કુંડળી જ્યારે જાગૃત થયેલી, ત્યારે સાલી, ( સાલી.. તો નહિ કહેવાય, વાઈફ જ કહેવાય!) ‘કન્યા’ આઈ મીન વાઈફ… શોધવામાં કોલંબસ કરતાં પણ અઘરી તકલીફ પડેલી. એનાથી વધારે લેખનો વિષય શોધવામાં પડી! લેખ લખવા માટે નાળિયેર ફોડું, ને વિચારના જંતુઓ તીર્થયાત્રા કરવા નીકળે. મામૂ..રોજે રોજનો નવો વિષય લાવીએ પણ ક્યાંથી? ઓક્સિજનનો બાટલો થોડો છે કે, ચઢાવી દેવાય? આજકાલ તો એનાં પણ ફાંફા..! વિષય શોધવામાં, ભૂલમાં પાંચ-છ વખત દાઢી થઇ જાય,(પોતાની) તો પણ હલકટ ઓન લાઈન નહિ આવે! એમાં જો મગજફાડ મજૂરી કર્યા પછી, લેખ છપાય નહિ ત્યારે તો, શાહીસ્નાન કરવાને બદલે અગ્નિસ્નાન કરવાની ‘જેહાદી’ થઇ આવે. એ વખતે થોબડું જોવા જેવું થાય હંઅઅઅકે..?

બાસુદી ખાવાનો મૂડ હોય ને કોઈએ કાઢો પીવા કાઢ્યો હોય, એમ મોંઢું દેવાનંદમાંથી એ. કે. હંગલ જેવું થઇ જાય! જાતકને વધારે ઉબકા તો ત્યારે આવે કે, લેખ વાંચ્યા પછી સામેવાળો હસવા માટે હલે સુદ્ધાં નહિ! સમજાય નહિ કે શું કામ લોહી પીતાં હશે ? ત્યારે તો ગૌહત્યાનું પાપ કર્યું હોય, એટલું અંતર બળે! યાર..લેખ વાંચ્યા પછી પણ અમુકના હોઠ, ઊંટના હોઠની માફક લબડતા હોય! અમુક તો લેખ વાંચીને એવાં અંગારા કાઢે કે, શિઈઈઈઇટ..! લેખ વાંચવા કરતાં તો, ગરુડ પુરાણ વાંચ્યું હોત તો ફાયદો થાત! ને અમુકના ચહેરા ઉપર તો પ્લાસ્ટિક સર્જરી કરીને હોઠ વળગાવેલા હોય એમ, ફફડે પણ નહિ, મરકે પણ નહિ ને મલકે પણ નહિ! એવા નિષ્ઠુર હોઠને મલકાવવા એટલે, વગર બંદૂકે સિંહનો શિકાર કરવા જેટલું અઘરું.

હજાર વાતની એક વાત, જાસાચિઠ્ઠી લખવી સહેલી, પણ હાસ્યલેખ માટે વિષય શોધવો, એટલે રેતીમાંથી રાઈ શોધવા બરાબર! ‘ડીપાણ’ થી કહું તો, (આ ‘ડીપાણ’ શબ્દ એટલે ઠાલવ્યો કે, વાચકને ખાતરી થાય કે, લેખક ભણેલો આસામી છે! બાકી આમ તો ‘ઊંડાણથી’ સમજવું! ચોખવટ સમાપ્ત!) ભલું થાજો બાથરૂમનું કે, ન્હાવા ગયો ને વિષય જડી ગયો. ‘શૌચાલય’ ને ભલે વિચારો આપવાની ફેક્ટરી કહેતા હોય, પણ એવી અંધશ્રધ્ધામાં રાચવું નહિ. વિષય શોધવા શૌચાલયના પ્રવાસ છાશવારે કરેલા. પછી તો ઘરવાળા ગભરાઈ ગયેલા કે, મને પેટના પાયે કોરોના તો નથી બેઠો ને? અનેક મથામણ પછી, સિતારવાદકને શોધેલો, તાર ઝલાઈ જાય, એમ, શાવરમાંથી ટપકતાં પાણીએ તાળવે ઉતરીને ફૂંક મારી કે, ‘વિષય શોધવામાં ફાંફા ના માર બૂચા..! લખવું જ હોય તો ન્હાવા અને નવડાવવા’ ઉપર લખ!’ મને પહેલી વાર બાથરૂમ માટે માન ઉપજ્યું દાદૂ..! ભલે બાથરૂમની દાનત ‘નવડાવવાની’ હોય, પણ શૌચાલય જેવી મેલવણ તો નહિ! શૌચાલયમાં જ ‘શૌચ’ (વિચાર) નું ઉત્પાદન થાય છે, એ વાતનો બાથરુમે ભરમ ભાંગી નાંખ્યો! સરકારે ઘર-ઘર શૌચાલય બનાવ્યાં, એમ ઘર-ઘર બાથરૂમ બનાવવા પણ જરૂરી હતા, એવું લાગ્યું!

મિત્રોઓઓઓ..! (કોઈની યાદ આવી ગઈ કે શું? કેમ ડઘાઈ ગયાં?) હિંદુ ધર્મમાં સ્નાનનું ખૂબ મહત્ત્વ છે! છતાં ન્હાવા માટેના કોઈ તાલીમ કેન્દ્રો નથી. દિવસમાં કેટલી વાર ન્હાવું, નહાવાની શરૂઆત શરીરના કયા અંગભાગથી કરવી, શાવરથી ન્હાવું કે નહાવા માટે ડબલાં ઉલાળવા એવી કોઈ ચોખવટ કોઈએ કરી નથી. ન્હાવા માટેના ડિપ્લોમા કોર્ષ કાઢ્યા હોય તો ખબર પડે ને? જેને જેમ ફાવ્યું તેમ શરીર નવડાવ્યું. ઋષિભાવ તો એવું કહે કે, સૂરજ ઊગે તે પહેલાં ન્હાય લેવાનું. જે લોકો સવારના ભૂલેલા બપોરે, બપોરના ભૂલેલા સાંજે, ને સાંજના ભૂલેલા રાતે નહાવાનો અપરાધ કરે છે, એ શાસ્ત્રોક્ત સ્નાન નથી. શાસ્ત્રમાં ચાર પ્રકારનાં સ્નાન મહત્ત્વનાં. દેવસ્નાન, બ્રહ્મસ્નાન, ઋષિસ્નાન ને દાનવસ્નાન.

શરૂઆતના ત્રણ સ્નાન સૂર્યોદય પહેલાંના ને દાનવસ્નાન સૂર્યોદય પછીનું! એમાં પાંચમું સ્નાન એટલે ગંગારામ સ્નાન. ન્હાયા તો નહાયા, નહિ તો હરિ-હરિ..! નહાવાના મામલે ગંગારામ ભારે વંઠેલ! ન્હાવા કરતાં કોઈને નવડાવવામાં જ ભારે રસ! લોકોના એવા-એવા બુચ મારેલા કે, શાહીસ્નાનને બદલે, બાદશાહી સ્નાન કરે તો પણ પુણ્ય એની બાજુ નહિ ફરકે. એના પાપોને ધોવા કુંભમેળામાં જઈને શાહી સ્નાન કરી આવવાની કોઈએ સલાહ આપી તો, સલાહ માની ખરી પણ, કુંભમેળામાં જવાને બદલે બાથરૂમમાં જઈને ઘડા(કુંભ) ઉપર બેસીને ધરાયસુધ સ્નાન કર્યું. મને કહે, થઇ ગયું શાહી સ્નાન..! એના કપાળમાં કાંદા ફોડું, તિરુપતિની બાધા લીધેલી, તો તિરુપતિ જવાને બદલે ‘તિરુપતિ’ તેલના ડબ્બા ઉપર બેસીને બાધા ચઢાવેલી બોલ્લો..! જ્યાં ના પહોંચે રામ, ત્યાં પહોંચે ગંગારામ! નામ ગંગારામ પણ, નામ જેવા એકેય લખ્ખણ નહિ. છતાં ગામની પ્રતિષ્ઠિત યાદીમાં નામ મોખરે આવે. વડવાઓ અમસ્તા ફૂંક મારી ગયેલા કે, પાંચશેરી તો ભારી જ હોય ! શેક્સપિયર ભલે એમ કહી ગયેલા કે, ‘વ્હોટ ઈઝ ધેર ઇન એ નેઈમ..!’

પણ ગંગારામે ‘રામ તેરી ગંગા મેલી’ ફિલ્લમ ૪૭ વખત જોયેલી. એટલા માટે કે, એમાં ‘ગંગા અને રામ’ બંને શબ્દો આવે..! મંદાકિનીને આ વાતની ખબર નહિ કે, ગંગારામ મારો આશિક છે, નહિ તો મંદાકિનીનું ભવિષ્ય કંઈ જુદું જ હોત! (ગંગારામનું શું થાત, એ બધું મને શું કામ પૂછો છો ભાઈ? ) આ ગંગારામમાં ખામીઓ કરતાં ખૂબીઓ વધારે. અડધો ડઝન છોકરાંઓનો આસામી હોવા છતાં, બધાં જ છોકરાં નનામા..! એકેયનું નામ નહિ પાડેલું, માત્ર નંબરથી જ ‘વ્યવહાર’ ચાલે.

ઓળખાણ આપવાનો અવસર આવે તો કહે કે, આ મારો એક નંબરનો. ને, બાજુમાં ઊભેલો તે બે નંબરનો! બાકીના નંબરો રેમડીસીવરની લાઈનમાં છે! અમારા ભોગ લાગેલા તે, આ કાનખજૂરાને અમે જ પ્રેમથી અમારા કાનમાં ઉતારેલો. એને ઓળખવામાં જેમ એની વાઈફ થાપ ખાઈ ગયેલી, તેમ અમે ખાઈ ગયેલા! ભેરવાઈ ગયેલા ભાઈ! મહોલ્લાના કૂતરાઓ સાથે પણ એના સંબંધો મીઠા નહિ. કૂતરા સાથેના પરચા પણ જાણવા જેવા! કહેવું તો ના જોઈએ, પણ સામાન્ય રીતે બચકાં ભરવાનો અધિકાર કૂતરાનો, ત્યારે કૂતરા કરતાં આ બંદાએ કૂતરાને બચકાં વધારે ભરેલાં! આજે પણ ૧૦૦ ફૂટ છેડેથી ગંગારામને આવતો જોઈને કૂતરાઓ છડી પોકારવા માંડે કે, (હૂઈઈઈઈઈઈઈ… હૂઈઈઈઈઈઈ) અર્થાત્ ,‘બા અદબ બા મુલાયજા હોંશિયાર..! ગંગારામ પધાર રહે હૈ..!’ આટલું સાંભળે એટલે આખો ‘કૂતરા-સ્ટાફ’ પાછલા પગે ઊભા થઇને સલામી આપતો થઇ જાય! ડોકટરે ઉનાળામાં બે વાર નહાવાની સલાહ આપી તો, ગંગારામ બે વાર તો ન્હાયો, પણ એક વાર ઉનાળો બેઠો ત્યારે, ને બીજી વાર ઉનાળો ઊતર્યો ત્યારે નહાયો! જય માતાજી!
લાસ્ટ ધ બોલ
કુંભમેળામાં સ્નાન કરવા ગયા ત્યાં બધાં ન્હાતા-ન્હાતા બોલતાં હતાં કે, “ગંગામાં ન્હાયા, ગોદાવરીમાં ન્હાયા, તાપીમાં ન્હાયા, નર્મદામાં ન્હાયા, સરસ્વતીમાં ન્હાયા, યમુનામાં ન્હાયા, અંબિકામાં ન્હાયા, કાવેરીમાં ન્હાયા.” એમ નદીઓનાં નામ બોલીને પુણ્ય કમાતા હતા. ગંગારામની ભૂગોળ કાચી, નદીનાં નામ આવડે નહિ. એટલે એમણે આ પ્રમાણે ચલાવ્યું,’લક્ષ્મીચંદ ભગાજીમાં ન્હાયા, કિસાન વિકાસપત્રમાં ન્હાયા, દિવ્ય વસુંધરામાં ન્હાયા, ચીટફંડમાં ન્હાયા, ૫૦૦-૧૦૦૦ ની નોટમાં ન્હાયા ને બાકી રહ્યા તે કોરોનામાં ન્હાયા! એના કપાળમાં કાંદા ફોડું!

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts