આપણા સમાજમાં અછૂત કોણ ??

એક દિવસ એક સંતનું પ્રવચન સભા ચાલી રહી હતી અને સભામાં બેસવાની બિલકુલ જગ્યા ન હતી.આજુબાજુ શ્રોતાજનો ઉભા હતા.અને હજી શ્રોતાજનો આવતા જ જતા હતા હવે સ્વયંસેવકોને શ્રોતાજનોની ગરદી સંભાળવી અઘરી પડી રહી હતી તેઓ બધાને હાથ જોડી જોડીને બેસવાનું અથવા બીજાને વચ્ચે ન આવે તે રીતે બાજુ પર ઉભા રહેવાનું કહી રહ્યા હતા.સંત બહુ સુંદર રીતે સમજાવી રહ્યા હતા કે ‘બધા જ મનુષ્ય એક સમાન છે.બધા જ ઈશ્વરના સંતાન છે એટલે તેમની વચ્ચે કોઈ જાત પાત અને ઊંચ-નીચના ભેદભાવ ન રાખવા જોઈએ.’
ચાલુ પ્રવચને ત્યાં નગરના અગ્રણી વેપારી આવ્યા અને સીધા એકદમ આગળની હરોળમાં બેસવા અન્ય શ્રોતાજનોને ધક્કો મારી આગળ જવા લાગ્યા.સ્વયંસેવકે તેમને હાથ જોડી અટકાવ્યા કે બિલકુલ બેસવાની જગ્યા નથી અને પ્રવચન ચાલુ થઈ ગયું છે માટે હવે તમે અહીં જ બાજુ પર ઉભા રહી સાંભળો આગળ જવું શક્ય નથી.આ સાંભળી વેપારીનો મગજ ગયો તેને એકદમ ગુસ્સો આવ્યો,સ્વયંસેવકને ધક્કો મારતા તેને એકદમ મોટા અવાજે કહ્યું, ‘તું કોને અટકાવે છે તને ભાન છે.ચલ મને આગળ જવા દે.’

સંત પ્રવચન કહેતા અટકી ગયા, બધાનું ધ્યાન પાછળ ગયું.વેપારીએ ફરીથી ગુસ્સામાં કહ્યું, ‘જોઉં છું મને આગળ જતા કોણ અટકાવે છે??’સ્વયંસેવક કંઈક કહે તે પહેલા સંત માઈકમાં બોલ્યા, ‘બહાર કાઢો એને મારી સભામાં કોઈ અછૂતને સ્થાન નથી…’ સંતના આ વાક્યને સાંભળીને બધા શ્રોતાજનો સ્તબ્ધ થઈ ગયા કે હમણાં બધાને સમાન કહેતા સંત કેમ આમ બોલ્યા??? સંતે કહ્યું, ‘જે વ્યક્તિ અભિમાની હોય અને પોતાનું મનગમતું ન થાય ત્યારે તરત ક્રોધ કરે તે વ્યક્તિ મારે મન અછૂત છે.અભિમાની અને ક્રોધી વ્યક્તિ જ્યાં જાય ત્યાં શાંતિનો ભંગ કરે છે અને તેના પોતાના મનની શાંતિ અને એકાગ્રતા તથા સાચું વિચારવાની ક્ષમતા ખોઈ બેસે છે.

ક્રોધી વ્યક્તિ હિંસક બની જાય છે અને જો કદાચ શારીરિક હિંસા ન કરે તો પણ અન્યના મન હદયની શાંતિ ભંગ કરી માનસિક હિંસા તો અચૂક કરે જ છે. આ વેપારીએ અહીં ક્રોધ કરી સ્વયંસેવકને ધક્કો મારી તેની સાથે શારીરિક હિંસા અને આપણા બધાની શાંતિ અને એકાગ્રતાનો ભંગ કરી આટલા બધા લોકો સાથે માનસિક હિંસા કરી છે.માટે તેને અહીં રહેવાનો કોઈ અધિકાર નથી.અને એટલે જ તે અછૂત છે જેને સમાજમાં બધાની સાથે રહેવાનો અધિકાર નથી તેણે એકાંતમાં રહીને પહેલા મન અને મગજને શાંત કરવાની જરૂર છે.’
વેપારી શરમનો માર્યો કઈ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો.

આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts