પૂર્ણ બહુમત – ખંડિત બહુમત = લાભાલાભ

ઇન્દિરા ગાંધીની હત્યા પછી જે લોકસભાની ચૂંટણી થઈ, એમાં રાજીવ ગાંધીને લગભગ ૪૦૨ જેટલી ધરખમ સીટ પ્રાપ્ત થઇ. ત્યાર બાદ લગભગ ત્રીસેક વર્ષના અંતરાલ પછી કેન્દ્રમાં 2014 માં ભાજપની સરકાર 282 સીટ જીતીને કેન્દ્રમાં પૂર્ણ બહુમતથી સત્તામાં આવી. વચ્ચે ત્રીસેક વર્ષ કેન્દ્રમાં કોઈ પણ પાર્ટીને બહુમત ના મળવાથી ગઠબંધનવાળી સરકાર સત્તામાં રહી. ઘણી બધી પાર્ટીઓના ટેકાથી ચાલતી સરકારમાં ઘણી વખત દેશહિતના નિર્ણયો લેવામાં વિલંબ થતો યા તો નિર્ણય લટકેલો રહેતો. વિલંબિત નિર્ણય અથવા તો અનિર્ણાયકતા એ ખંડિત બહુમતીનું વરવું પાસું અને દૂષણ હતું.

2014 માં કેન્દ્રમાં 282 સીટ જીતીને પૂર્ણ બહુમતથી ભાજપ સરકાર અર્થાત્ મોદી સરકાર સત્તામાં આવી ત્યારે હતું કે હવે દેશહિતમાં સારા નિર્ણયો ઝડપથી અને અસરકારક રીતે લેવાશે. કેટલાક નિર્ણયો ફટાફટ લેવાયા પણ ખરા! પણ એ નિર્ણયો દેશને અરાજકતા તરફ ધકેલી દે, કે અવ્યવસ્થા ઊભી કરી દે, એવા રહ્યા. મોદી સરકારનો દેશને માટે પહેલો કુઠારાઘાત સમાન નિર્ણય હતો નોટબંધીનો! નોટબંધીએ સરસ ચાલતી દેશની અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પરથી ઉતારી દીધી. એવો જ એક બીજો નિર્ણય હતો જીએસટીનો. નોટબંધી પછી જીએસટીને કારણે “પડતા પર પાટુ” જેવી સ્થિતિ સર્જાઈ, અને દેશના ધંધા રોજગારની કમર તોડી નાખવામાં આવી. એવો જ એક અન્ય દેશને માટે નુકસાનકર્તા નિર્ણય હતો સીએએ અને એનઆરસી.જેણે દેશમાં ઘણો હોબાળો મચાવ્યો અને જેને કારણે દેશને ઘણા દિવસો સુધી આંદોલનનો સામનો કરવો પડ્યો.

પછી આવ્યો કોરોના! જેમાં શોર્ટ નોટિસથી લાદવામાં આવેલા લોકડાઉનથી સૌથી વધારે અસર કોઈને થઈ હોય તો તે શ્રમિક વર્ગ ને! આંખ મીંચીને કરવામાં આવેલા લોકડાઉનથી શ્રમિકો લગભગ અધમુઆ જેવા થઈ ગયાં અને છેલ્લે બહુમતીના જોરે લવાયેલા ત્રણ કૃષિ બિલ! જે રાજ્યસભામાં ધ્વનિ મતથી ફક્ત આંગળી ઊંચી કરીને, બંધારણને નેવે મૂકીને બનાવેલો કાયદો હતો. કૃષિ બિલની વિરુદ્ધમાં છેલ્લા ચારેક મહિનાથી ખેડૂતો હજુ યે આંદોલન પર બેઠેલા છે અને છેલ્લે મોદી સરકારનું બહુમતીનું વરવું સ્વરૂપ એટલે દિલ્હીમાં ચૂંટાયેલી અરવિંદ કેજરીવાલની સરકારની પાંખો કાપી, બધી સત્તા એલજી (લેફ્ટનન્ટ ગવર્નર) ને સોંપવામાં આવી. આ નિર્ણય પણ લોકશાહીના નિયમનું ઉલ્લંઘન કરવા બરાબર છે.

ઉપરોક્ત બધા જ અવળા અને દેશને અરાજકતા અને અંધાધૂંધી તરફ ધકેલી દેતા નિર્ણયો. જો કેન્દ્રમાં મોદી સરકારને બહુમતી ના મળી હોતે તો આ નિર્ણયો લેવામાં આવ્યા ના હોતે. અર્થાત્ દેશે પૂર્ણ બહુમત અને ખંડિત બહુમતના લાભાલાભ જોયા અને સહન કર્યા છે.
સુરત- પ્રેમ સુમેસરા

Related Posts