Charchapatra

આપણે શું કર્યું?

આજે આપણી ચારે તરફ કોરોના 2.0ના કારણે અફડાતફડીનો માહોલ છે. ઑક્સિજનની ઘટ અને વધતો સંક્રમિત અને મૃત્યુ આંક ડરાવી રહ્યો છે. કોરોનાની બીજી લહેરે સરકારોને ઊંઘતી ઝડપી છે એમ કહેવું જરાય ખોટું નથી. એ વાત સાચી છે કે આપણી સુખાકારીની સગવડો ઊભી કરવાનું કામ સરકારનું છે.સરકારે પહેલી લહેર પછી નિશ્ચિંત થઈ જવાના બદલે વિશ્વમાં શરૂ થયેલી બીજી લહેરની મારક્તા જોઈને તેમાંથી બોધ લઈ ભારતની વધુ વસ્તી અને વસ્તીના પ્રમાણમાં ઓછી સાધનસંપન્નતાનો ખ્યાલ રાખી બેડ, વેન્ટિલેટર, ઑક્સિજનના પુરવઠાની તૈયારી કરવાની હતી ,પરંતુ સરકાર ક્યાંક ચૂકી ગઈ છે. જો કે અત્યારે સરકાર અને તંત્ર આ મહામારી સામે લડવા યુદ્ધના ધોરણે લાગી પડયા છે.પરંતુ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો ઘાટ છે.

પ્રશ્ન એ થાય છે માત્ર ને માત્ર સરકારો જ જવાબદાર છે ?આપણે શું આપણું જીવન સરકારોના હાથમાં સોંપી દીધું છે? આ વિકટ પરિસ્થિતિથી બચવા આપણે શું કર્યું? કોવિડની ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કર્યું? પોતે જાગૃત બની કેટલાને જગાડ્યા? આપણે ટોળામાં કે ફરવા જવાનું ટાળ્યું? લગ્ન પ્રસંગો અને લગ્નની સંગીત મહેફિલો બંધ રાખી? કુંભમેળામાં જવાનું આમંત્રણ શું સરકારે આપ્યું હતું? તંદુરસ્તીને ધ્યાનમાં રાખી જીભના ચટાકા છોડ્યા? આપણને ખબર છે કે આપણા ટેક્સથી જ આપણી સુખાકારીની સગવડો ઊભી થાય છે તો શું ટેક્સ ચોરી કરવાનું છોડ્યું? (મધ્યમ વર્ગને બાદ કરતાં ) વ્યક્તિગત , જ્ઞાતિ, કોમના અંગત સ્વાર્થ માટે વોટબેંકની ભૂમિકા ભજવતાં અટક્યા? દેશહિતના કામ અને રાષ્ટ્રીય સંપત્તિના રક્ષણ અને સંવર્ધન માટે કેટલું યોગદાન આપ્યું છે?

હાલના સમયમાં માત્ર પ્રશાસન અને સરકારોની આલોચના કરીએ છીએ ,પરંતુ સરકાર, પ્રશાસન કે હેલ્થ વર્કર્સને કેટલા મદદરૂપ બન્યા? કેટલા ઉપાયો સૂચવ્યા? આપણા સેવકો મંત્રીઓને કામ કરવા મજબૂર કરવાની આવડત કેળવી? આ દરેક પ્રશ્ન પર લોકો મંથન કરે એવી આશા રાખું છું. પ્રજા જાગૃત અને સંગઠિત હશે ત્યારે જ સરકાર કે પ્રશાસન યોગ્ય કામ કરવા મજબૂર થશે તે ભૂલવું જોઈએ નહિ.તેથી આપણે શાણી અને સમજદાર પ્રજા જરૂર બનીએ.
સુરત- ભાવના વિમલ ઉપાધ્યાય

Most Popular

To Top