Columns

ઉપર ઊડવા માટે

કાયના વિદેશ ભણવા જવાની તૈયારી કરી રહી હતી,પેકિંગ ચાલુ હતું અને મમ્મી, દાદી અને કાકી કાયનાને ગમતી બધી વસ્તુઓ, તેને ભાવતી બધી વસ્તુઓ યાદ કરી કરીને લિસ્ટ બનાવી ભેગી કરી રહ્યાં હતાં. પપ્પા કહી કહીને થાક્યા કે હવાઈ જહાજમાં અમુક કિલો જ સમાન લઇ જઈ શકાશે. તમે લોકો આટલું બધું ભેગું ન કરો. કાયનાનો સામાન પેક થઈ ગયો અને સાથે લઇ જઈ શકાય તેના કરતાં ઘણું વજન વધારે હતું.

પપ્પાએ કાયનાને કહ્યું, ‘‘બેટા હવે તું જ નક્કી કર, તારે સાથે શું લઇ જવું વધુ મહત્ત્વનું છે અને શું ઓછું મહત્ત્વનું…’’ કાયનાએ ફરી પોતાની બધી બેગ ખોલી અને જરૂરિયાત અને મહત્ત્વ પ્રમાણે જરૂરી સમાન ગોઠવ્યો, જરૂરી કાગળિયાં, ભણવાની બુક્સ બધું પહેલાં મુકાયું ,પછી કાયનાનાં ગરમ કપડાં,કાયનાનાં નવાં કપડાં, પછી નાસ્તો, અથાણાં વગેરે અને ઘણો સમાન ઓછો કરવામાં આવ્યો.

બધું ફરીથી પેકિંગ કરી બધાં થાક્યાં ત્યારે દાદાએ બધા માટે આઈસ્ક્રીમ મંગાવ્યો અને આઈસ્ક્રીમ ખાતાં ખાતાં સરસ વાત સમજાવી. દાદાએ કહ્યું, ‘‘જો તમે ઓટો રિક્ષામાં જાવ કે ટેક્સીમાં જાવ ત્યારે તમને કોઈ પૂછતું નથી કે તમારી પાસે કેટલા કિલો સામાન છે. ટ્રેનમાં જાવ ત્યારે પણ કોઈ તમારા બધા સામાનનું વજન નથી કરતું પણ જયારે વિમાનની મુસાફરી હોય ત્યારે તમારા સામાનનું વજન કરવામાં આવે છે. અમુક કિલો જ સામાન લઇ જઈ શકાય છે. બરાબર આવું કેમ?’’

બધા બોલ્યા, ‘‘દાદા આવો નિયમ છે…’’ દાદાએ કહ્યું , ‘‘બરાબર અને આ નિયમનું પાલન કરવા આપણે એકદમ વધુ જરૂરી વસ્તુઓ જ સાથે લઇ જઈએ છીએ અને ઓછી જરૂરી વસ્તુઓ સાથે લઇ જતા નથી. જમીનથી ઉપર ઊઠીને ઊડવા માટે બિનજરૂરી અને બેકાર વસ્તુઓને અહીં છોડવી પડે છે અને આ જ નિયમ જીવનમાં પણ સફળ થવા અપનાવવો જોઈએ.’’ બધાએ પૂછ્યું, ‘‘દાદા, વિમાનમાં સામાન લઇ જવાનો નિયમ જીવનમાં શું કામ અપનાવવો જોઈએ.’’

દાદાજીએ કહ્યું, ‘‘જીવનમાં ઉપર ઊઠવાનો અને સફળતાના ગગનમાં ઊડવા માટે આ જ નિયમ કામમાં આવવાનો છે. જીવનમાં આપણે એટલો બધો જરૂરી સામાન મન અને મગજમાં ભરી રાખીએ છીએ, પીડાદાયક જૂના અનુભવો ,દુઃખ આપતી યાદો , લોકોની વાતો ,ખરાબ આદતો, નકામા સંબંધો વગેરે ઘણા બોજને સાથે લઈને જીવનમાં આગળ સફળતા અને ખુશીના આસમાનમાં ઊડવું શક્ય નથી. એટલે જરૂરી છે કે જીવનમાં દરેક બિનજરૂરી અને નકામી યાદો, વસ્તુઓ, સંબંધો અને અનુભવોને નીચે છોડી દેવા અને હળવા થઈને મુક્ત ગગનમાં ઊડવું.’’ દાદાજીએ સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top