DRIની કાર્યવાહીથી સુરતમાં વન્યજીવ તસ્કરીના મોટા રેકેટનો ભાંડો ફૂટ્યો
સુરત શહેરમાં વોટ્સએપ ગ્રૂપના માધ્યમથી કરોડો રૂપિયાની કિંમત ધરાવતી દીપડાની ખાલના ગેરકાયદેસર સોદાનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI) અને વન વિભાગના સંયુક્ત ઓપરેશનમાં સુરત રેલવે સ્ટેશન વિસ્તારની એક હોટલમાંથી દીપડાની ખાલ સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવતા વન્યજીવ તસ્કરીના આંતરરાજ્ય નેટવર્કની આશંકા વધુ મજબૂત બની છે. હાલ બંને આરોપીઓને વન વિભાગના હવાલે કરવામાં આવ્યા છે અને સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ DRIને ગુપ્ત બાતમી મળી હતી કે સુરતમાં કેટલાક લોકો વોટ્સએપ ગ્રૂપ મારફતે પ્રતિબંધિત વન્ય જીવોના અંગો અને ચામડાનો ગેરકાયદેસર વેપાર કરી રહ્યા છે. બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન નજીક આવેલી એક હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ઝાંપાબજાર વિસ્તારમાં રહેતા બદ્રી અબ્બાસ સબ્બીરભાઈ અને મોઈની હુસેન હુનેદને ઝડપી લેવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન હોટલના રૂમમાંથી દીપડાની ખાલ મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં મોઈની હુસેને સ્વીકાર્યું હતું કે આ ખાલ તેને બદ્રી અબ્બાસે આપી હતી અને તે તેનો સોદો કરવા માટે ગ્રાહકો સાથે સંપર્કમાં હતો. તપાસ એજન્સીઓને શંકા છે કે આ ખાલની ડીલ કરોડો રૂપિયામાં થવાની હતી અને તેની પાછળ વધુ મોટા તસ્કરોનું સંગઠિત નેટવર્ક કાર્યરત હોઈ શકે છે.
દીપડાની ખાલ દહેરાદૂનની ફોરેન્સિક લેબમાં મોકલાશે
વન વિભાગ દ્વારા જપ્ત કરાયેલી દીપડાની ખાલ હવે વધુ વૈજ્ઞાનિક તપાસ માટે ઉત્તરાખંડના દહેરાદૂન સ્થિત વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની ફોરેન્સિક લેબમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ લેબમાં ડીએનએ અને અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણો દ્વારા ખાલ ખરેખર દીપડાની છે કે નહીં, તેની ઉંમર કેટલી છે, તે કયા વિસ્તારના દીપડાની છે અને તેનો શિકાર ક્યારે કરવામાં આવ્યો હતો તે અંગે ચોક્કસ માહિતી મેળવી શકાશે.
વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે આ તપાસથી સમગ્ર ગુનાની કડી જોડવામાં મહત્વપૂર્ણ મદદ મળશે. જો ખાલ તાજેતરના શિકારની હોવાનું સાબિત થશે તો સંબંધિત જંગલ વિસ્તાર સુધી તપાસનો વ્યાપ વધારી શકાય છે.આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ DRI દ્વારા પકડાયેલા આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે વન વિભાગને સોંપવામાં આવ્યા છે. હવે વન વિભાગ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવા માટે તજવીજ કરી રહ્યું છે.
અધિકારીઓનું કહેવું છે કે આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે આ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે.તપાસમાં મોબાઈલ ફોન, વોટ્સએપ ચેટ, કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR) અને અન્ય ડિજિટલ પુરાવાઓની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે આરોપીઓ લાંબા સમયથી વન્યજીવોના અંગોની ખરીદી-વેચાણમાં સંડોવાયેલા હોઈ શકે છે.
દીપડાના તમામ નખ ગાયબ, અલગથી વેચાણ થયાની આશંકા
જપ્ત કરાયેલી દીપડાની ખાલનું નિરીક્ષણ કરતાં વન વિભાગને એક અત્યંત ગંભીર બાબત જાણવા મળી છે. ખાલમાંથી દીપડાના તમામ નખ ગાયબ હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે દીપડાના નખ અને દાંતની બજારમાં ભારે માંગ રહેતી હોય છે. અંધશ્રદ્ધા, તાંત્રિક વિધિઓ અને શોખીન ગ્રાહકો વચ્ચે આવા અંગોની લાખો રૂપિયામાં ખરીદી-વેચાણ થતી હોવાનું અગાઉના અનેક કેસોમાં સામે આવ્યું છે.આથી વન વિભાગને શંકા છે કે આરોપીઓએ નખ અલગથી કોઈ ગ્રાહકને વેચી દીધા હોઈ શકે છે અથવા તેમના અન્ય સાગરીતો પાસે છુપાવી રાખ્યા હોઈ શકે છે. તપાસ એજન્સીઓ હવે આરોપીઓના સંપર્કમાં રહેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
૧૫ વર્ષ જૂની ખાલ હોવાનો દાવો, વન વિભાગે ફગાવ્યો
પોતાને બચાવવા માટે આરોપીઓએ પૂછપરછ દરમિયાન દાવો કર્યો હતો કે જપ્ત કરાયેલી ખાલ કોઈ તાજેતરના શિકારની નથી પરંતુ લગભગ ૧૫ વર્ષ જૂની છે અને તેમના પિતાના સમયથી ઘરમાં પડી હતી. જોકે, વન વિભાગના નિષ્ણાતોએ આ દાવાને વિશ્વસનીય માનવાનો ઇનકાર કર્યો છે.પ્રાથમિક નિરીક્ષણમાં જ સ્પષ્ટ થયું છે કે ખાલ ખૂબ જૂની લાગતી નથી. નિષ્ણાતોના મત મુજબ ખાલ અંદાજે બે થી ત્રણ મહિના જેટલી જૂની હોઈ શકે છે, જે દર્શાવે છે કે તાજેતરમાં જ દીપડાનો શિકાર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. હવે દહેરાદૂનની ફોરેન્સિક લેબમાંથી આવનારો ડીએનએ અને વૈજ્ઞાનિક રિપોર્ટ આ સમગ્ર મામલામાં મહત્વપૂર્ણ પુરાવો સાબિત થશે.
દીપડાની તસ્કરી ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો
ભારતમાં દીપડો વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ-1972ની અનુસૂચિ-1 હેઠળ આવતો અત્યંત સંરક્ષિત પ્રાણી છે. આ શ્રેણીમાં વાઘ, સિંહ અને અન્ય દુર્લભ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. કાયદા મુજબ દીપડાનો શિકાર કરવો, તેની ખાલ, દાંત, નખ અથવા શરીરના અન્ય કોઈ અંગો રાખવા, ખરીદવા, વેચવા અથવા તેની હેરફેર કરવી ગંભીર અને બિન જામીન પાત્ર ગુનો ગણાય છે.આવા ગુનામાં દોષિત ઠરનાર વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ સાત વર્ષની સખત કેદની સજા થઈ શકે છે. ઉપરાંત ભારે આર્થિક દંડની પણ જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ બીજી વખત આ પ્રકારનો ગુનો કરે તો તેની સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે છે.
મોટા આંતરરાજ્ય રેકેટની આશંકા, તપાસનો વ્યાપ વધ્યો
આ સમગ્ર ઘટનાએ સુરત સહિત ગુજરાતમાં વન્યજીવ તસ્કરીના નેટવર્ક અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. માત્ર બે આરોપીઓની ધરપકડથી તપાસ પૂર્ણ થઈ નથી. DRI અને વન વિભાગ બંને એંગલથી તપાસ કરી રહ્યા છે કે દીપડાનો શિકાર ક્યાં થયો, ખાલ સુરત સુધી કેવી રીતે પહોંચી અને તેનો ખરીદદાર કોણ હતો.વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પ્રતિબંધિત વન્યજીવોના અંગોની હેરફેર થતી હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને હવે ડિજિટલ પુરાવાઓની પણ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડો અને મોટા ખુલાસાઓ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ દહેરાદૂનની ફોરેન્સિક લેબનો રિપોર્ટ આવ્યા બાદ કેસમાં વધુ ગંભીર કલમો ઉમેરવામાં આવી શકે છે અને સમગ્ર તસ્કરી ચેઇનનો પર્દાફાશ થવાની શક્યતા છે. હાલમાં આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને સમગ્ર મામલે તપાસ તેજ ગતિએ આગળ વધી રહી છે.