ગુજરાત-મહારાષ્ટ્રમાં 20 સ્થળોએ દરોડા, સુરતના રાંદેર ગોરાટ રોડ પર પણ પોહચી ટીમ
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ અને મની લોન્ડરિંગના મોટા રેકેટ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરી નેટવર્ક સાથે સંકળાયેલા ગણાતા સલીમ ડોલાના કેસમાં EDએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ 20 સ્થળોએ એકસાથે દરોડા પાડી તપાસનો વ્યાપ વધાર્યો છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધાયેલા કેસના અનુસંધાનમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, સલીમ ડોલા પર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીનું વિશાળ નેટવર્ક ચલાવવાનો આરોપ છે. તે અગાઉથી જ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ અને ડ્રગ્સના ગેરકાયદેસર કારોબારને લઈને તપાસ એજન્સીઓના રડારમાં રહ્યો છે. ભારત સરકાર દ્વારા તેને તુર્કીથી પ્રત્યાર્પણ કરીને મુંબઈ લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની સામે ચાલી રહેલી તપાસને વધુ વેગ મળ્યો છે.
સુરતના ગોરાટ વિસ્તારમાં પણ તપાસ
માહિતી અનુસાર, સલીમ ડોલાનું સુરતના ગોરાટ વિસ્તારમાં નિવાસસ્થાન હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત અમદાવાદ, મુંબઈ અને અન્ય શહેરોમાં પણ તેના સંબંધિત સ્થળો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સુરતના રાંદેર-અડાજણ વિસ્તારમાં આવેલા ગોરાટ રોડ સ્થિત એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં પણ EDની ટીમે તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને આર્થિક વ્યવહારો સંબંધિત પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ડ્રગ્સ નેટવર્કથી કરોડોની કાળી કમાણી તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સલીમ ડોલા અને તેના સાથીદારો દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટે અનેક દેશોમાં ડ્રગ્સનું નેટવર્ક ફેલાવ્યું હતું. આ નેટવર્ક મારફતે કરોડો રૂપિયાની ગેરકાયદેસર આવક ઉભી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, ડ્રગ્સના ધંધામાંથી મળતી રકમ હવાલા ચેનલો મારફતે દેશ-વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી.જો કે આ રકમને બાદમાં વિવિધ વ્યક્તિઓના નામે ચલ-અચલ મિલકતો ખરીદવા, તેમજ રોકાણ કરવા અને બેનામી સંપત્તિઓ ઊભી કરવા માટે ઉપયોગમાં લેવાતી .ED હાલ આ નાણાંના સ્ત્રોત, તેના ટ્રાન્ઝેક્શન અને અંતિમ ઉપયોગની વિગતવાર તપાસ કરી રહી છે.
કેમિકલ ફેક્ટરીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ભૂમિકા પણ તપાસ હેઠળ
સૂત્રોના જણાવ્યા મુજબ, આ સંગઠિત ગુનાહિત નેટવર્ક કેમિકલ્સની ખરીદી, ગુપ્ત લેબોરેટરીઓમાં મેથામ્ફેટામિન જેવા નશીલા પદાર્થોના ઉત્પાદન અને વિવિધ રાજ્યો તેમજ વિદેશોમાં ડ્રગ્સ સપ્લાય કરવા જેવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલું હોઈ શકે છે.EDની તપાસનો મુખ્ય ફોકસ હાલમાં ડ્રગ્સ ઉત્પાદન માટે વપરાતા પ્રીકર્સર કેમિકલ્સના સપ્લાયરો, કેમિકલ વેપારીઓ, ડ્રગ્સ ઉત્પાદકો, વિતરકો અને હવાલા ઓપરેટરો પર કેન્દ્રિત છે. તપાસમાં કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), ફાઇનાન્સિયલ સલાહકારો અને અન્ય વ્યાવસાયિકોની સંભવિત ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.
દરોડા દરમિયાન મહત્વના પુરાવા જપ્ત
EDની ટીમે દરોડા દરમિયાન બેંક રેકોર્ડ, નાણાકીય દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો, મોબાઇલ ડેટા, કમ્પ્યુટર ફાઇલો અને અન્ય મહત્વના પુરાવા જપ્ત કર્યા છે.પુરાવાઓના આધારે મની ટ્રેઇલ અને નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.તપાસકર્તાઓ હવે એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છે કે હવાલા મારફતે વિદેશ મોકલાયેલી મસ્ત મોટી રકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો, કયા દેશો સુધી નેટવર્ક ફેલાયેલું હતું અને તેમાં અન્ય કયા લોકો અથવા સંગઠનો સંકળાયેલા હતા.
ગુજરાત-મહારાષ્ટ્રમાં સંકલિત ઓપરેશન
ED દ્વારા ગુજરાતના સુરત, અમદાવાદ તેમજ મહારાષ્ટ્રના મુંબઈ સહિતના વિસ્તારોમાં એકસાથે કરવામાં આવેલી કાર્યવાહી એ દર્શાવે છે કે તપાસ એજન્સીઓ આ નેટવર્કના દરેક પાસાને ખંગાળવા માટે ગંભીરતાથી કાર્ય કરી રહી છે. અંદાજે 20 સ્થળોએ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન મળેલા પુરાવાઓના આધારે આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૂત્રો અનુસાર, આ કેસ માત્ર ડ્રગ્સ તસ્કરી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો, હવાલા રેકેટ, બેનામી સંપત્તિઓ અને મની લોન્ડરિંગના જટિલ પાસાઓ પણ જોડાયેલા છે. મહત્વ નું છે કે ED હાલમાં સમગ્ર નેટવર્કના આંતરરાષ્ટ્રીય જોડાણો, નાણાકીય વ્યવહારો અને ગુનાહિત સંગઠન સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓની તથા ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.આ કાર્યવાહી બાદ સુરત સહિત ગુજરાતમાં ડ્રગ્સ અને મની લોન્ડરિંગના નેટવર્ક સામે તપાસ વધુ તેજ બનશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ED દ્વારા વધુ દરોડા, પૂછપરછ અને જપ્તીની કાર્યવાહી થઈ શકે છે.