બિહારના રોહતાસ જિલ્લામાંથી એક ચોંકાવનારો અને ફિલ્મી અંદાજનો મામલો સામે આવ્યો છે, જેમાં એક સગીરાએ પોતાના પ્રેમી સાથે ભાગવા માટે ઘરમાં જ ખોટી હત્યાનો નાટક રચ્યો હતો. સગીરાએ પહેલા ઘરમાં મર્ગાનું લોહી ફેલાવી દીધું અને પરિવાર તથા પોલીસને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો કે તેની હત્યા થઈ ગઈ છે. જોકે પોલીસની તપાસમાં આખી સચ્ચાઈ બહાર આવી ગઈ હતી.
માહિતી અનુસાર, સગીરા અચાનક ઘરેથી ગાયબ થઈ જતા પરિવારજનોએ ઘરમાં ફેલાયેલું લોહી જોઈને હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને સ્થળ પરથી નમૂનાઓ એકત્ર કરી તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં મામલો ગંભીર હત્યાકાંડ તરીકે જોવામાં આવી રહ્યો હતો, પરંતુ ફોરેન્સિક તપાસ દરમિયાન ખુલાસો થયો કે ઘરમાં ફેલાયેલું લોહી માનવીનું નહીં પરંતુ મર્ગાનું હતું.
પોલીસને શરૂઆતથી જ સમગ્ર ઘટનામાં કંઈક ગડબડ હોવાની શંકા હતી. ત્યારબાદ સગીરાના મોબાઇલ લોકેશન અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે તપાસ આગળ વધારવામાં આવી. અંતે સગીરા મહારાષ્ટ્રમાં પોતાના પ્રેમી સાથે મળી આવી હતી. પોલીસે બંનેને ટ્રેસ કર્યા બાદ સમગ્ર મામલો ખુલ્લો પડી ગયો , તપાસમાં જાણવા મળ્યું કે સગીરા પરિવારના વિરોધને કારણે પ્રેમી સાથે ભાગી જવા માંગતી હતી. પરંતુ સીધા ભાગી જવાથી પરિવાર અને સમાજમાં વિવાદ સર્જાશે તે ડરે તેણે ખોટી હત્યાની કહાની ઉભી કરી હતી. સગીરાએ એવી સ્થિતિ ઉભી કરી કે જાણે કોઈએ તેની હત્યા કરીને લાશ ગાયબ કરી દીધી હોય.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. સ્થાનિક લોકો પણ સગીરાની આ ફિલ્મી પ્લાનિંગ જોઈ આશ્ચર્યમાં પડી ગયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ શરૂઆતમાં આખો કેસ હત્યાની દિશામાં તપાસાઈ રહ્યો હતો, પરંતુ વૈજ્ઞાનિક તપાસ અને ટેક્નિકલ એવિડન્સના કારણે સત્ય બહાર આવ્યું હતું.
પોલીસ હાલમાં સગીરા અને તેના પ્રેમીની પૂછપરછ કરી રહી છે. સાથે જ આ સમગ્ર કાવતરામાં અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે અને લોકો આ ‘ફિલ્મી સાજિશ’ અંગે અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.