World

યુક્રેન યુદ્ધ વચ્ચે હંગેરીની બોર્ડર પરથી એક સુંદર મોડલ 213 કરોડ રોકડા લઇ ભાગતી ઝડપાઈ

કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધનો અંત દેખાઈ રહ્યો નથી. રશિયન હુમલાના કારણે લોકો યુક્રેન છોડીને યુરોપિયન દેશોમાં શરણ લેવા મજબૂર છે. આ દરમિયાન હંગેરીની રેફ્યુજી બોર્ડર પર એક ગ્લેમરસ મહિલા આવી પહોંચી. આરોપ છે કે તેણી પોતાની સુટકેસ ભરીને 2.2 અબજ રૂપિયાથી વધુની રોકડ લઈને આવી હતી. ખાસ વાત એ છે કે આ મહિલા યુક્રેનના એક મોટા ટાયકૂન અને ભૂતપૂર્વ સંસદસભ્યની પત્ની છે. યુક્રેનના નેતા ઇગોર કોટવિટસ્કીની પત્ની પાસે આટલી રોકડ ક્યાંથી આવી તે અંગે કોઈ જવાબ આપી શકી નથી.

હંગેરીના કસ્ટમ વિભાગનું કહેવું છે કે આ પૈસા યુએસ ડોલર અને યુરોમાં છે. 6 સૂટકેસમાંથી લગભગ 28 મિલિયન ડોલર અને 1.3 મિલિયન યુરો રોકડ મળી આવ્યા છે. નોંધપાત્ર રીતે, યુક્રેન પર રશિયાના આક્રમણ (રશિયા-યુક્રેન યુદ્ધ) પછી, મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ બચાવવા માટે દેશ છોડીને અન્ય દેશોમાં શરણ લઈ રહ્યા છે. આ વચ્ચે ઈગોરે પત્નીનો બચાવ કર્યો છે. કહ્યું- મારી પત્ની પ્રેગ્નેટ છે. બાળકનો જન્મ સુરક્ષિત રીતે અને શાંતિપૂર્વક થાય એ માટે તે હંગેરી ગઈ છે. તેની પાસે આટલી રોકડ ન હોઈ શકે.

પત્ની સામે ફોજદારી કેસ દાખલ
અનાસ્તાસિયા શરણાર્થી સરહદ દ્વારા તેની સાથે આટલી રોકડ લઈ ગઈ હતી, પરંતુ તે હંગેરિયન કસ્ટમ વિભાગને છટકવામાં નિષ્ફળ ગઈ હતી. વિભાગ દ્વારા જાહેર કરાયેલા ફોટામાં નોટોથી ભરેલી છ સૂટકેસ દેખાઈ રહી છે. પૂછપરછમાં કોઈ સંતોષકારક જવાબ ન મળતાં પૂર્વ સાંસદની પત્ની સામે પણ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. તે જ સમયે, કોટવિટસ્કીએ સોશિયલ મીડિયા પર કહ્યું, ‘મારા તમામ પૈસા યુક્રેનની બેંકોમાં જમા છે. મેં ત્યાંથી કંઈ લીધું નથી. આ પછી તેણે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી દીધું હતું.

સૌથી અમીર સાંસદની પત્ની
મીડિયા રિપોટ્સ મુજબ, ઈગોર થોડો સમય પહેલાં યુક્રેનના સૌથી પૈસાદાર રાજકારણીમાંથી એક હતા. રાજનીતિ ઉપરાંત તેઓ મોટા બિઝનેસમેન પણ છે. એનેસ્તેસિયા પોતે પણ મોડલ હતી. જો પકડાયેલી આ રકમ કાયદેસર રીતે યોગ્ય હશે તો ઈગોર અને તેની પત્નીને પુરાવાઓ આપવા પડશે. જો તેઓ એવું ન કરી શક્યા તો હંગેરીના કાયદા મુજબ તેમને દંડની સાથે સજા પણ મળી શકે છે. હંગેરીના કસ્ટમ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં કહ્યું- જો એનેસ્તેસિયા પોતાને નિર્દોષ સાબિત નહીં કરી શકે તો તેના પર કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.

શું સરહદી જવાનો સામે પગલાં લેવાશે?
અનાસ્તાસિયા પર આરોપ છે કે તેણે યુક્રેનના વિલોક ચેક પોઈન્ટ પર પોતાની પાસે રહેલા પૈસાની માહિતી આપી નથી. પરંતુ હંગેરિયન કસ્ટમ અધિકારીઓને તેમની પાસેથી અબજો રૂપિયા મળ્યા હતા. તે જ સમયે, હવે યુક્રેનના ટ્રાન્સકાર્પેથિયન ક્ષેત્રની સરહદ પર હાજર ગાર્ડ્સ પર કાર્યવાહીની ચર્ચા છે. આરોપ છે કે તેઓએ લાંચ લઈને પૈસાને દેશની બહાર જવા માટે મદદ કરી હતી.

Most Popular

To Top