Editorial

દેશની વિધાનસભાઓ સરેરાશ 21 દિવસ જ ચાલી, લોકશાહી માટે ભારે શરમજનક

ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. જો લોકશાહીને જીવંત રાખવી હોય તો લોકસભા અને વિધાનસભાઓ સતત કાર્યરત રહેવી જોઈએ. સામાન્ય રીતે ભારતમાં લોકસભા અને વિધાનસભામાં ત્રણ સત્રમાં કામગીરી કરવામાં આવે છે. ક્યારેક બજેટ અને ખાસ સત્ર પણ બોલાવવામાં આવે છે. લોકસભા અને વિધાનસભામાં વિવિધ સુધારા બિલ, નવા બિલ પાસ કરવામાં આવે છે અને તેના આધારે વહીવટને વધુ સરળ બનાવવાની કામગીરી કરાય છે પરંતુ ભારતમાં ખાટલે મોટી ખોડ એ છે કે શાસક અને વિપક્ષ બંને મેચ્યોર નથી. આ કારણે દેશની વિધાનસભાઓ ગત વર્ષમાં સરેરાશ 21 દિવસ જ ચાલી હતી. જો વિધાનસભાઓ 21 જ દિવસ ચાલે તો સ્વાભાવિક છે કે કામગીરી કેવી થઈ છે તે સમજી શકાય.

તાજેતરમાં રિસર્ચ એજન્સી પીઆરએસ લેજિસ્લેટિવ દ્વારા એક સંશોધન કરાયું હતું. આ સંશોધન પ્રમાણે વર્ષ 2022માં દેશની વિધાનસભાઓ સરેરાશ 21 જ દિવસ ચાલી હતી અને તેમાં પણ જો તેના કલાકોમાં સરખાવવામાં આવે તો રોજના 5 કલાક જ કામગીરી કરાઈ હતી. આ 21 દિવસોમાં સરેરાશ 500 જેટલા બિલ પસાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે બજેટો પણ પસાર કરાયા હતા. 56 ટકા બિલ એવા હતા કે જે બિહાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અ્ને દિલ્હી સહિત નવ રાજ્યોની વિધાનસભામાં જે તે દિવસે જ રજૂ કરીને મંજૂર પણ કરી દેવામાં આવ્યા! રિસર્ચ પ્રમાણે, સૌથી વધુ તમિલનાડુમાં 90 અને ગુજરાત તેમજ રાજસ્થાનની વિધાનસભામાં 80 ટકા બેઠકો કરવામાં આવી હતી. સાત રાજ્યોમાં 30 દિવસથી ઓછી, 16 રાજ્યમાં 20 દિવસથી ઓછી બેઠકો થઈ હતી. જ્યારે કર્ણાટકની વિધાનસભા સૌથી વધુ 45 દિવસ સુધી ચાલી હતી. ત્યારબાદ પશ્ચિમ બંગાળ 412 દિવસ, કેરળ વિધાનસભા 41 દિવસ ચાલી હતી.

જે બિલ પસાર થયા તેમાં સૌથી વધુ સમય દિલ્હીમાં લાગ્યો હતો. દિલ્હી વિધાનસભામાં રજૂ થયેલા બિલને ઉપરાજ્યપાલ દ્વારા 188 દિવસે મંજૂરી આપવામાં આવી હતી. 16 ટકા બિલ એવા હતા કે જે વિસ્તૃત અભ્યાસ માટે કમિટીઓ પાસે મોકલવામાં આવ્યા હતા. જે બિલ પાસ થયા તેમાં પશ્ચિમ બંગા‌ળ, તમિળનાડુ અને કેર‌ળમાં યુનિવર્સિટી વહીવટીતંત્રમાં રાજ્યપાલોની ભૂમિકા બદલવા સાથે સંબંધિત બિલ પાસ કરવામાં આવ્યાં હતાં. રાજ્યપાલો પાસેથી કુલપતિ નીમવાના અધિકાર આંચકી લેવામાં આવ્યા.

હરિયાણા અને કર્ણાટકની વિધાનસભામાં ધર્માંતરણ પર પ્રતિબંધ મૂકવા માટેના કાયદાઓ બનાવવામાં આવ્યા હતા. જ્યારે છત્તીસગઢ, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિળનાડુ, ત્રિપુરા, ઉત્તરપ્રદેશની વિધાનસભામાં ધારાસભ્યો અને સરકારી અધિકારીઓનાં પગાર, પેન્શન અને અન્ય સુવિધાઓને વધારવાના બિલની સાથે અન્ય બિલ મંજૂર કરાવમાં આવ્યા હતા. રિસર્ચ પ્રમાણે, ગોવામાં 10 દિવસના વિધાનસભાના સત્રમાં બે જ દિવસમાં 26 બિલ પાસ કરી દેવામાં આવ્યા હતા.
જ્યારે બજેટ પરની જ ચર્ચામાં તમિલનાડુમાં 26, કર્ણાટકમાં 15, ઓડિશા અને કેરળમાં 14-14, રાજસ્થાનમાં 13, ગુજરાતમાં 12, ઝારખંડમાં 11, બંગાળમાં 7, છત્તીસગઢમાં 6 અને મહારાષ્ટ્રમાં 5 જ દિવસમાં બજેટ મજૂર કરી દેવાયા હતા.

જ્યારે દિલ્હી, મધ્યપ્રદેશ, અને પંજાબમાં બજેટ પર માત્ર ચર્ચા માત્ર બે જ દિવસ ચાલી હતી. જે રીતે વિધાનસભાઓમાં કામકાજના દિવસો ઘટી રહ્યા છે તે બતાવી રહ્યું છે કે, આપણા દેશના રાજકારણીઓ પોતાની ફરજ પ્રત્યે ગંભીર નથી. લોકોએ તેમને મત આપીને દેશની પ્રગતિના પંથે લઈ જવા માટે મોકલ્યા છે પરંતુ આ રાજકારણીઓ દ્વારા પોતાની મમત અને વોટબેંકને ખાતર વિધાનસભાઓ ચાલવા જ નહીં દઈને દેશની કુસેવા કરવામાં આવી રહી છે. ભારત દેશ મહાસત્તા બની શકે તેવી ક્ષમતા દેશના લોકોમાં છે પરંતુ જ્યાં સુધી રાજકારણીઓ વિધાનસભામાં પોતાની શું ફરજો છે તે સમજશે નહીં ત્યાં સુધી ભારત માટે મહાસત્તા બનવાનું સપનું સાકાર થાય તેમ નથી તે સત્ય છે.

Most Popular

To Top