Columns

ડબલ એન્જિનની ભાજપ સરકાર મણિપુરની હિંસા કેમ રોકી શકતી નથી?

છેલ્લા એક મહિનાથી મણિપુરના પહાડી કબીલાઓ અને મૈતેઈ પ્રજા વચ્ચે ચાલી રહેલી હિંસામાં ઓછામાં ઓછા ૭૫ લોકોનાં મૃત્યુ થયાં છે તેમ જ બંને બાજુના ૪૫ હજારથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લગભગ ૬,૫૦૦ લોકોને સુરક્ષા દળો દ્વારા મણિપુરની સરહદ પાર કરાવી મિઝોરમમાં લઈ જવામાં આવ્યા છે. હાઈકોર્ટ દ્વારા મૈતેઈ પ્રજાને અનુસૂચિત જનજાતિમાં ઉમેરવાની સલાહના વિરોધમાં મણિપુરના પહાડી વિસ્તારોમાં ૩જી મેના રોજ રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દરમ્યાન મૈતેઈ લઘુમતી વિસ્તારોમાં તેમનાં ઘરો અને મંદિરોને આગ ચાંપવામાં આવી હતી.

આ ઘટનાના વિરોધમાં મૈતેઈ બહુમતી વિસ્તારોમાં મૈતેઈ દ્વારા કુકી અને અન્ય પહાડી કબીલાના લોકો સામે હિંસાની શરૂઆત કરવામાં આવી હતી. મે મહિનાની ૧૨મી તારીખે નેતાઓ દ્વારા એકબીજા ઉપર આરોપો મૂકાવાની શરૂઆત થઈ. કબીલાઓના મતવિસ્તારમાંથી ચૂંટાયેલા દસ વિધાનસભ્યોએ કબીલાઓ માટે અલગ વહીવટની માગણી કરી હતી. તેમના કહેવા મુજબ મણિપુરના પહાડી વિસ્તારોને મણિપુરથી અલગ કરવા દ્વારા જ આ માગણી સિદ્ધ થાય તેમ હતી.

આ વિધાનસભ્યોના કહેવા મુજબ મણિપુરમાં ચાલી રહેલી હિંસાનું કારણ બહુમતી મૈતેઈ પ્રજાની આક્રમકતા છે તથા સરકાર તેમને પડદા પાછળ રહી સહાય કરી રહી છે. આ દસ વિધાનસભ્યો પૈકી આઠ ભાજપ અને બે કુકી પીપલ્સ અલાયન્સ વતી ચૂંટાયા હતા. એક રીતે ભાજપ અને તેના સમર્થકો વચ્ચે જ તકરાર થઈ છે તેવું પણ કહી શકાય. વિધાનસભ્યોએ દલીલ કરી હતી કે પહાડી કબીલાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરીકે, તેઓ લોકોની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમની રાજકીય આકાંક્ષાને સમર્થન આપે છે. જો કે તેમની આ માંગણીને એક પૂર્વયોજીત વ્યૂહરચના તરીકે જોવામાં આવે છે, જે મણિપુરની હિંસાની પહેલાંથી વિચારી રાખવામાં આવી હોય તેમ બની શકે છે. સરકારે આ માંગણીનો કોઈ સત્તાવાર જવાબ અત્યાર સુધી આપ્યો નથી.

‘મૈતેઈ રિસર્જન્સ ફોરમ’ના કહેવા મુજબ મણિપુરની હિંસાનું મુખ્ય કારણ ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા અમુક સશસ્ત્ર કુકી સંગઠનો છે. ફોરમના કહેવા મુજબ મૈતેઈ પ્રજાનાં ઘરો બાળવા અને મંદિરો તોડવા પાછળ આ સંગઠનોનો હાથ રહેલો છે. આ હિંસાને રોકવા માટે તૈનાત કરવામાં આવેલી આસામ રાઈફલ્સ ફક્ત મૂક પ્રેક્ષક બનીને જ રહી ગઈ છે તેવો ફોરમનો આક્ષેપ છે. તેમનું કહેવું છે કે કુકી સંગઠનોને ડ્રગ માફિયા અને મ્યાનમાર, મિઝોરમ તથા બાંગ્લા દેશમાંથી આવેલા ગેરકાયદે વસાહતીઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. જો કે ફોરમ દ્વારા મૈતેઈ પ્રજાએ કુકી કબીલાઓનાં ઘરો અને મંદિરોમાં ફેલાવેલી હિંસાને પણ વખોડવામાં આવી છે.

મણિપુરની હિંસાના મૂળમાં જતાં જાતીય ખટરાગ, ખસખસની ખેતી, સુરક્ષા અને સરકારનો ગેરવહીવટ નજર સામે આવશે. રાજ્ય સરકાર કેટલાક કથિત ખેલાડીઓની સતત ધરપકડ કરીને ગેરકાયદે ડ્રગ્સના વેપાર સામે ‘યુદ્ધ’ ચલાવી રહી છે. પહાડોનાં જે ગામોમાં મોટા પાયે ખસખસની ખેતી થાય છે, તેવાં ગામના આગેવાનોની પણ ધરપકડ કરવામાં આવી છે. મોટા ભાગે ડ્રગ્સના ધંધાના મુખ્ય ગુનેગારો રાજ્યના પંજામાંથી છટકી જવામાં સફળ રહ્યા છે, જેનાથી સામાન્ય લોકોને સરકારની સામે રોષ છે. ૮મી મેના રોજ હિંસાથી પ્રભાવિત ક્ષેત્રમાંથી ‘નાર્કોટિક્સ એન્ડ અફેર્સ ઓફ બોર્ડર’ દ્વારા ઈમ્ફાલ વિસ્તારના મંત્રીપુખરી ગામમાંથી ખસખસ અને મ્યાનમારના ચલણથી ભરેલા ૭૭ કોથળા જપ્ત કર્યા હતા.

માહિતી મુજબ જે ઘરમાંથી આ કોથળા જપ્ત થયા તે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલની માલિકીનું હતું. મણિપુરની સરકાર મુજબ ૨૦૧૭ અને ૨૦૧૮ ની વચ્ચે ૧૮,૬૬૪ એકરથી વધુ જમીનમાં ઉગાડવામાં આવેલી ખસખસનો રાજ્યનાં દળો દ્વારા નાશ કરવામાં આવ્યો છે. આ જમીનો મોટા ભાગે પહાડી વિસ્તારોમાં હતી. ૨૦૧૩ અને ૨૦૧૬ ની વચ્ચે, માત્ર ૧,૮૮૯ એકર જમીનમાં ઉગાડવામાં આવેલી ખસખસનો નાશ કરવામાં આવ્યો હતો.

પહાડી કબીલાઓ માટે ખસખસની ખેતી આવકનો એક મહત્ત્વનો સ્રોત છે. સરકારના આવા વલણને જોતાં એવું કહી શકાય કે કબીલાઓના સરકાર સામેના વિરોધનું આ પણ એક કારણ છે. જુલાઈ ૨૦૨૨માં કોંગ્રેસના ધારાસભ્ય કંગુજમ રણજીતસિંહે મણિપુર વિધાનસભામાં ખસખસની ખેતીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ગૃહને એક કડક કાયદો ઘડવાની વિનંતી કરી હતી, જે ગેરકાયદે ડ્રગ્સના વેપારના સંબંધમાં ધરપકડ કરાયેલાં લોકોને ફાંસી અથવા આજીવન કેદની સજા આપે. ભૂતકાળમાં વિદેશમાંથી આયાત થતી ડ્રગ્સ આજે ઘરઆંગણે મણિપુરમાં જ બને છે.

વર્ષ ૨૦૦૭માં અમેરિકાના ‘ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ’(ડિઓજે) દ્વારા ઉત્તર પૂર્વીય ભારત અને મ્યાનમાર સંદર્ભમાં એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં ચીન અને મ્યાનમારની સરહદો વચ્ચેની ડ્રગ્સની આપ-લે ઉપર બે વર્ષ સુધી કરવામાં આવેલું સંશોધન રજૂ કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ વર્ષ ૨૦૦૦ બાદ અમેરિકાએ મ્યાનમાર કે અન્ય સંસ્થાઓને ડ્રગ્સના વેપારને રોકવા માટે ભંડોળ આપવાનું લગભગ બંધ કરી દીધું હતું. આ કારણોસર દેશમાં ખસખસ અને હેરોઈનના ઉત્પાદન ઉપર રોક લગાવવામાં મ્યાનમાર નિષ્ફળ ગયું હતું. ચીન અને મ્યાનમાર, બંનેમાં ગેરકાયદે ડ્રગ્સ ઉપર કડક નિયમો અને દંડ હોવા છતાં, મ્યાનમારની સરહદે આવેલા પ્રદેશમાં ડ્રગ્સ હેરફેર કરતી સંસ્થાઓ કાર્યરત હોવાના અહેવાલો છે. અમેરિકાની પીછેહઠને કારણે ડ્રગ્સ સામે યુદ્ધ કરવાના બહાને ચીન આ વિસ્તારોમાં પોતાનું વર્ચસ્વ જમાવી શકે છે.

ડ્રગ્સનો ધંધો સરકારને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત કરી શકે છે તે સહુ કોઈ જાણે છે. ભારતની અનેક સરકારી સંસ્થાઓ ડ્રગ્સમાંથી મળેલા પૈસા સામે લલચાઈ જતી હોય છે. લગભગ દસ વર્ષ પહેલાં ભારતીય લશ્કરના એક ઉપરી અધિકારી મ્યાનમારની અંદર ૨૪ કરોડની કિંમતની ડ્રગ્સ લઈ જતા પકડાયા હતા જે સરકારી અધિકારીઓ ઉપરનો ડ્રગ્સના ધંધાનો પ્રભાવ દર્શાવે છે. કેન્દ્ર સરકારને મણિપુરની સરહદ ઉપર ચાલતા ડ્રગ્સના ધંધાની જાણ છે જ પરંતુ આપણા પાડોશી દેશોની પદ્ધતિથી ભારતના ડ્રગ્સના બજારનો નાશ કરવો વ્યાજબી નથી. જો સરકાર પણ ડ્રગ્સ સામેની લડાઈમાં અન્ય દેશોની સાથે સામેલ થઈ જશે તો અંતે સરહદ ઉપરના વનવાસી લોકોને જ સહન કરવાનો વારો આવશે, જેમની આર્થિક પરિસ્થિતિ એકંદરે નબળી છે.

મૈતેઈ પ્રજાને ભાજપ દ્વારા કુકી કબીલા વિરુદ્ધ સહકાર આપવામાં આવી રહ્યો છે. સરકારની આ કાર્યવાહી લોકોના વાંશિક મતભેદોને પણ પ્રોત્સાહન આપશે, જેનાં પરિણામો આપણે મણિપુરમાં જોઈ રહ્યા છીએ. સરકાર પોતાની ડ્રગ્સ સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર કરવા માટે મણિપુર, મિઝોરમ અને મ્યાનમારની પ્રજા વચ્ચે વૈમનસ્ય ઊભું કરે તે યોગ્ય નથી. ઉત્તર-પૂર્વીય રાજ્યો એક સંવેદનશીલ ક્ષેત્રનો ભાગ છે. આ રાજ્યોની સમસ્યાને જો સમજદારી અને દૂરંદેશી વાપરીને ઉકેલવામાં નહીં આવે તો સરકારને મોટો ફટકો પડી શકે એમ છે. ગુજરાતની ચૂંટણી વખતે ભાજપ દ્વારા ડબલ એન્જિનની સરકારના ફાયદાઓનો પ્રચાર કરવામાં આવ્યો હતો. મણિપુરમાં ડબલ એન્જિનની સરકાર હોવા છતાં એક મહિનાથી ચાલતી હિંસા રોકવામાં તે નિષ્ફળ ગઈ છે.

Most Popular

To Top