૧૧ મેના રોજ સોમનાથ મંદિર પર ભારતીય વાયુસેનાનો દિલધડક એર શો, ચેતક હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા – રિહર્સલમાં જ એરફોર્સના પાયલટોના કરતબોએ લોકોમાં દેશભક્તિનો જુસ્સો જગાવ્યો
ગાંધીનગર:
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાઈ રહેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” અંતર્ગત ધર્મભૂમિ સોમનાથમાં આસ્થા, દેશભક્તિ અને સૈન્યશક્તિનો અદભૂત સંગમ સર્જાવાનો છે. ૧૧ મેના રોજ સવારે ૧૧ વાગ્યે ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) સોમનાથના આકાશમાં દિલધડક એર શો રજૂ કરશે. આજે યોજાયેલા રિહર્સલ દરમિયાન જ પાયલટોના સાહસભર્યા કરતબોએ લોકોના દિલ જીતી લીધા હતા. મંદિરના આકાશમાં ગર્જતા ફાઇટર જેટ્સ અને ત્રિરંગી ધુમાડાના દૃશ્યોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોડી રાત્રે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. પીએમ મોદી આવતીકાલે ૧૧ મેના રોજ સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લેશે. સોમનાથ મંદિરમાં વિશેષ મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ વિધિમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન ખાસ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કાનું પણ અનાવરણ કરશે. ત્યારબાદ સાંજે વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું લોકાર્પણ કરશે. આ આધુનિક સંકુલમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ અને ૧૦૦૦ વિદ્યાર્થીનીઓ માટે રહેવાની સુવિધા સાથે સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, લાઇબ્રેરી, ઓડિટોરિયમ અને ઈ-લાઇબ્રેરી જેવી હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર જનમીત શર્માના જણાવ્યા મુજબ ભારતીય વાયુસેનાના એમ્બેસેડર તરીકે ઓળખાતી આ ટીમ લાલ અને સફેદ રંગના હોક એમ.કે.-૧૩૨ જેટ એરક્રાફ્ટ દ્વારા વિવિધ સિંક્રનાઈઝ્ડ ફોર્મેશન અને જોખમી દાવપેચો રજૂ કરશે. અંદાજે ૧૫ મિનિટ ચાલનારા આ એર શોમાં પાયલટો એકબીજાના અત્યંત નજીકથી ફાઇટર જેટ ઉડાડીને પોતાની કુશળતા અને શિસ્તનું પ્રદર્શન કરશે.
જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરનારી આ ટીમ માત્ર ૧૮ મિનિટમાં સોમનાથ પહોંચશે. જામનગરથી સોમનાથનું હવાઈ અંતર અંદાજે ૧૮૨ કિલોમીટર છે. ગ્રુપ કેપ્ટન અજય દશરથીના નેતૃત્વમાં ૧૩ કુશળ પાયલટોની ટીમ આ પ્રદર્શન કરશે. સમગ્ર કાર્યક્રમના સલામત સંચાલન માટે જામનગર એરફોર્સ સ્ટેશનના ૨૫થી ૩૦ એર વોરિયર્સ તૈનાત રહેશે, જે ફ્લાયપાસ્ટ કંટ્રોલ, એવિએશન સેફ્ટી, બર્ડ હેઝાર્ડ કંટ્રોલ, હવામાન અને સિગ્નલ કમ્યુનિકેશન જેવી જવાબદારીઓ સંભાળશે.
વર્ષ ૧૯૯૬માં રચાયેલી સૂર્યકિરણ ટીમ અત્યાર સુધીમાં દેશમાં ૮૦૦થી વધુ એર ડિસ્પ્લે કરી ચૂકી છે. ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, સિંગાપોર અને યુએઈ સહિતના દેશોમાં પણ આ ટીમે ભારતીય વાયુસેનાનું ગૌરવ વધાર્યું છે. હોક એમ.કે.-૧૩૨ જેટ એરક્રાફ્ટનું નિર્માણ ભારતમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા કરવામાં આવ્યું છે.
આ વખતના એર શોમાં મુખ્ય આકર્ષણ સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવેલા સ્મોક પોડ્સ રહેશે. નાસિક સ્થિત એરફોર્સ બેઝ રિપેર ડેપો દ્વારા બનાવાયેલા આ પોડ્સની મદદથી વિમાનો આકાશમાં કેસરી, સફેદ અને લીલા રંગનો ધુમાડો છોડીને ત્રિરંગાની અદભૂત રચના કરશે. ‘સદૈવ સર્વોત્તમ’ના મુદ્રાલેખ સાથે કાર્યરત આ ટીમના પાયલટો પાંચ મીટરથી પણ ઓછા અંતરે વિમાનો ઉડાડીને અદ્ભુત સમન્વયનું પ્રદર્શન કરશે.આ ઉપરાંત “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” નિમિત્તે ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા મંદિર પર વિશેષ પુષ્પવર્ષા પણ કરવામાં આવશે. જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરનાર ચેતક હેલિકોપ્ટર મંદિર પરિસરમાં પુષ્પોની વર્ષા કરીને આસ્થા અને શૌર્યનો અનોખો સંગમ સર્જશે.
આ યુનિટ માત્ર ઔપચારિક કાર્યક્રમો પૂરતું મર્યાદિત નહીં પરંતુ સર્ચ એન્ડ રેસ્ક્યુ, તબીબી સ્થળાંતર અને આપત્તિ રાહત કામગીરીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગઈકાલે અને આજે પુષ્પવર્ષાનું સફળ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને જામનગર શહેર પણ ઉત્સાહના રંગે રંગાઈ ગયું છે. શહેરના મુખ્ય માર્ગો, સર્કલો અને સરકારી ઇમારતોને ઝળહળતી રોશનીથી સજાવવામાં આવ્યા છે. દરબારગઢ, ડી.કે.વી. કોલેજ, બેડી નાકુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ અને મહાકાળી સર્કલ સહિતના વિસ્તારોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. શહેરના વિવિધ સ્થળોએ વડાપ્રધાનના નેતૃત્વમાં અમલમાં આવેલી યોજનાઓ દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મોનું પણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.આજે તા. ૧૦ મેની સાંજે ૭.૩૦ વાગ્યે જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે ભવ્ય જન અભિવાદન કાર્યક્રમ યોજાનાર છે. ગુજરાતના લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી દ્વારા લોકડાયરો રજૂ કરવામાં આવશે. સાથે જ હુડો રાસ, સિદી ધમાલ, મણિયારો રાસ સહિતના પરંપરાગત લોકનૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.