SURAT

122 વર્ષની મોહમ્મદી બેકરીની ઓળખ છે સગલા-બગલા સ્વિટ્સ

સગલા-બગલા નામ જ કેવું અનોખું લાગે છે ને આ નામની મીઠાઈનો સ્વાદ ઘણાં સ્વાદ પ્રેમી સુરતીઓએ ચાખ્યો જ હશે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્વીટ આખા ભારતમાં માત્ર સુરતમાં ઝાંપા બઝારમાં જ મળે છે. અહીં મોહમ્મદી બેકરીમાં જ આ મીઠાઈ જોવા મળે છે. મેંદાના વાળથી પણ પતલા પડની અંદર ડ્રાયફ્રૂટ હોય છે તેને ટ્રાયેંગલ આકાર આપી તેની પર ઘી નો છંટકાવ કરી બેક કરાય છે. 1901માં જ્યારે આ બેકરીની સ્થાપના થઇ ત્યારથી સગલા-બગલા અને દૂધના સમોસા આ બેકરીમાં વેચાવાની શરૂઆત થઈ હતી. સગલા-બગલા સ્વીટ તો આજે પણ આ બેકરી બનાવે છે. જોકે, તે ઓર્ડરથી હવે બનાવાય છે પણ દૂધના સમોસા બેકરીમાં એક દુર્ઘટના ઘટયા બાદ બનવાનું બંધ થયું હતું. આજે પણ સગલા-બગલા સ્વીટના નામે જ આ બેકરી ઓળખાય છે. આ બેકરીની સ્થાપના કરનાર ગુલામ મોહમ્મદ મોહમ્મદ કાસીમ રિફઅત તેઓ મશહૂર શાયર તથા સાહિત્ય રસિક હતાં. આ બેકરીએ તેની સ્થાપનાના 122 વર્ષમાં ઘણી તડકી-છાંયડી જોઈ છે. આ બેકરી સાથે સંકળાયેલી ઘટમાળ વિશેનો દિલચસ્પ ઇતિહાસ આપણે બેકરીના ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

બેકરીના સ્થાપક શાયર ગુલામ મોહમ્મદ ‘અઝીઝ’ સુરતી તરીકે જાણીતા હતાં
મોહમ્મદી બેકરીની સ્થાપના કરનાર ગુલામ મોહમ્મદ મોહમ્મદ કાસીમ રિફઅત શાયર હતાં. તેમના પિતા મોહમ્મદ કાસીમ રીફઅત 1857ના બળવા સમયે દિલ્હીથી સુરત આવીને સ્થાયી થયાં હતાં. તેમના પિતા પણ સાહિત્ય રસિક હોવા સાથે શાયરી પણ કરતા હતાં. ગુલામ મોહમ્મદ ‘અઝીઝ’ સુરતી તરીકે ઓળખાતા. તેમને બાળપણથી જ શાયરીનો શોખ હતો. તેમના નેતૃત્વ હેઠળ ઝાંપા બજારમાં ઘણાં મુશાયરાઓનું આયોજન થતું હતું. તેમના ભાઈ ઈબ્રાહીમ ‘રહેમત’ સુરતી પણ ઉચ્ચ કોટિના શાયર હતાં. તેમણે 1901માં ઝાંપા બજારમાં મોહમ્મદી બેકરીની સ્થાપના કરી હતી. શરૂઆતમાં ઘરે જ બેકરીની આઈટમ બનાવતા અને સાંજે 4 વાગે બેકરીમાં માલ લાવીને વેંચતા. તેઓ નાનખટાઈ, ખાખરી, ફરમાસ, અફલાતૂન, દૂધના સમોસા અને સગલા બગલા વેચતા. આ મીઠાઈને આબરા કા ડાબરા ગ્રાહકોએ નામ આપ્યું હતું.

સગલા-બગલા બનાવવા માટે પંખો-બારી બંધ રાખવી પડે: મોહમ્મદ સલીમ રિફઅત
આ બેકરીની ત્રીજી પેઢીના સંચાલક મોહમ્મદ સલીમ રિફઅતે જણાવ્યું કે 122 વર્ષથી અમારી બેકરી દ્વારા સગલા-બગલા બનાવાય છે જેને બનાવવા માટે 12 બાય 12નો રૂમ જોઈએ. પંખો અને બારી બંધ રાખવા પડે. 500 ગ્રામ મેંદાનો લોટ બાંધી લાકડાની પાટ પર મૂકીને વેલણ વડે મોટું કરી રૂમમાં શેતરંજી પાથરેલી હોય તેની પર તે પાટ પરથી તેને સરકાવી નીચે હાથ નાખી તેને ફેલાવવામાં આવે. આ મીઠાઈ ઓર્ડરથી બનાવવામાં આવે છે. તે એક પીસ 250 ગ્રામનો મળે છે. તેમણે જણાવ્યું કે અત્યારે તેઓ અને પત્ની રૂકસાના અને તેમના ભાઈના દીકરા એઝાઝ મોહમ્મદ ખાલીદ રિફઅત બનાવે છે.

50 વર્ષ પહેલાં નાનખટાઇ અને બીસ્કીટ 7 રૂ.કિલો વેચાતા: એઝાઝ મોહમ્મદ ખાલીદ રિફઅત
આ બેકરીના ચોથી પેઢીનાં સંચાલક એઝાઝ મોહમ્મદ ખાલીદ રિફઅત એ જણાવ્યું કે 50-55 વર્ષ પહેલાં લગભગ 1967ની આસપાસ સગલાબગલા સ્વિટ્સ 7 રૂપિયામાં મળતી. જ્યારે અત્યારે સગલા-બગલા એક નંગ 300 રૂપિયે મળે છે. નાનખટાઈ અને બીસ્કીટ 7 રૂપિયે કિલો વર્ષો પહેલાં મળતા જ્યારે હાલમાં નાનખટાઇ 300 રૂપિયે કિલો અને અન્ય બીસ્કીટ 320 રૂપિયે કિલો આસપાસ મળે છે. અમારી બેકરીના ખાખરી, ફરમાસ, કાજુ બીસ્કીટ, મેંદાના નાના અને મોટા પરાઠા, પડવાળી, સાદા બટર, પ્લમ કેક, કેક ટોસ્ટ, મકરૂમ, ખાજલી, કોપરાના મકરૂમ લોકોની પસંદ છે.

2006ના પુરમાં 2 લાખ રૂ. ના માલને નુકસાન થયું હતું: ગુલામ મોહમ્મદ રિફઅત
આ બેકરીના ચોથી પેઢીનાં સંચાલક ગુલામ મોહમ્મદ મોહમ્મદ ખાલીદ રિફઅતે જણાવ્યું કે 2006માં આવેલાં ભયંકર પુરને કોઈ ભૂલી નહીં શકે. આ પુરમાં અમારી આખી બેકરી ડૂબી હતી. જોકે બચાવી શકાય એટલો માલ તો અમે બચાવી લીધો હતો તેમ છતાં પણ 2.5 લાખ રૂપિયાના માલને નુકસાન થયું હતું. પુરના પાણી ઓસર્યા બાદ 6થી 7 દિવસ બેકરીમાં સફાઈ કરવામાં લાગ્યાં હતાં ત્યાર બાદ બેકરી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી. પુરના પાણીમાં બેકરીની ઘણી બધી આઈટમ બીસ્કીટ, નાનખટાઇ, પરાઠા વગેરે આઈટમ બગડી ગઈ હતી. આ વિસ્તાર નીચો હોવાથી પુરનું પાણી ભરાયું હતું.

બાઝિગર ફિલ્મ ડાયરેકટર અબ્બાસ મસ્તાન બીસ્કીટ, ખાખરી લઈ જાય છે
ફિલ્મ બાઝિગરના ડાયરેકટર અબ્બાસ મસ્તાનનો ઝાંપા બજારમાં ફ્લેટ છે તેઓ જ્યારે પણ સુરત જિયારત કરવા આવે ત્યારે આ બેકરીમાં થી સગલા-બગલા, ખાખરી અને બીસ્કીટ લઈ જાય છે. સંગીતા બીજલાની જ્યારે ટોપની મોડેલ હતી ત્યારે તેની કાર આ બેકરી નજદીક આવેલી તેણે પણ સગલા-બગલા સ્વીટનો સ્વાદ માણ્યો હતો. મંદાકીની પણ સગલા-બગલા અને આ બેકરીની બીજી આઈટમ મુંબઈ લઈ ગઈ હતી. સુરતમાં જેટલાં પણ વોરા સમાજના બિરાદરો જિયારત કરવા આવે ત્યારે તેમાંના 90 ટકા લોકો આ બેકરીની આઈટમ લઈ જાય છે.

40 વર્ષ પહેલાં દુર્ઘટનામાં ફાયર બ્રિગેડના 6 કર્મચારીઓના મોત થયા હતાં
મોહમ્મદ સલીમ રિફઅતે જણાવ્યું હતું કે આ બેકરીની ઇમારત 40 વર્ષ પહેલાં ચાર માળની હતી. તે જૂની થઈ ગઈ હોવાથી તેને ઉતારતી વખતે આ બિલ્ડીંગ ધંસી પડી હતી ત્યારે આ દુર્ઘટનામાં સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના 5 કર્મચારીઓ અને એક ઓફિસરનું એન.એ. બારીયાનું મૃત્યુ થયું હતું તે વખતે ફાયર બ્રિગેડ વિભાગના ચીફ ફાયર ઓફિસર તરીકે જયંત ભટ્ટ કાર્યરત હતાં. એ ઘટના વખતે અડધો કલાક તો આ આખા વિસ્તારમાં ધૂળ ઉડવાને કારણે સ્પષ્ટ કાંઈ દેખાતું પણ નહીં હતું. ત્યાર બાદ બેકરીનું મકાન ફરી બનાવવમાં આવ્યું હતું.

મુંબઇમાં એક મેરેજની કંકોતરી સાથે સગલા બગલા મીઠાઈના બોક્સ અપાયા હતા
મોહમ્મદ સલીમ રિફઅતે જણાવ્યું હતું કે વર્ષો પહેલાં મુંબઈના પ્રખ્યાત અકબર અલી સ્ટોરના માલીકના ઘરના લગ્ન પ્રસંગમાં આમંત્રીતોને કંકોતરી સાથે આ સગલા-બગલા મીઠાઈના બોક્સ મોકલ્યા હતાં.

દિવાળીમાં નાનખટાઈ માટે લોકોની ભીડ થાય છે
દિવાળીના સમયમાં લોકો નાનખટાઈ બનાવવા આવે છે તો ક્રિસમસના એક મહિના પહેલાંથી પલ્મ કેકના ઓર્ડર મળે છે. આ બેકરીના સંચાલકો દ્વારા રમજાનમાં ગરીબોને અનાજની કીટ નિઃશુલ્ક વિતરણ કરાય છે.

પરિવારના શબ્બીર અહેમદ દાઝવાને કારણે દૂધના સમોસા બનાવાનું બંધ કર્યું
આ બેકરીની દૂધના સમોસા સ્વીટ પણ ખૂબ પ્રખ્યાત હતી ગુલામ મોહમ્મદ મોહમ્મદ કાસીમ રિફઅતના પુત્ર શબ્બીર અહેમદ રિઅફત વર્ષો પૂર્વે આ સ્વીટ બનાવતી વેળા દાઝયા હતાં. દૂધના સમોસા ઉકળતા પાણીની વરાળથી દૂધની જમાવટ કરાતી અને તેમાં ડ્રાયફ્રૂટ ખાંડનું પુરણ રહેતું. પાણીનું તપેલું ત્રણ ઈંટના ચૂલા પર ઉકળતું હતું ત્યારે ઈંટ ખસી જતા શબ્બીર અહેમદના પગ પર ગરમ ઉકળતું પાણી પડતાં તે દાઝયા હતાં ત્યારથી બેકરી દ્વારા આ સ્વીટ બનાવવાની બંધ કરવામાં આવી હતી.

રમઝાનમાં ખજૂરના મીઠા પરાઠાની ડીમાંડ રહે છે
એઝાઝ મોહમ્મદ રિફઅતએ જણાવ્યું કે રમઝાનમાં ઇફતારીમાં ખજૂરના મીઠા પરાઠા મુસ્લિમ બિરાદરો મલાઈ સાથે ખાય છે. આ પરાઠા ખરીદવા લોકોની ભીડ રહે છે. આ પરાઠા લેવા બારડોલી, અંકલેશ્વર, લાજપોર, ખોલવડ, વરિયાવથી લોકો આવે છે.

દૂધ અને દહીં નાંખીને સાલટો બીસ્કીટ બનાવવાનું શરૂ કર્યું
મોહમ્મદ હાસીમ રીફઅતના પુત્ર હાજી મોહમ્મદ ખાલીદ મોહમ્મદ હાસીમ રિફઅતના સમયમાં સાલટો (રાઉન્ડ શેપમાં) બીસ્કીટ વેચાતું તે દૂધ અને દહીં નાંખીને બનાવાય છે સ્વાદમાં તે મીઠી અને ખારી લાગે છે.તેમના સમયમાં બેકરીની આઈટમમાં વધારો થયો હતો. દૂધની લાકડી સ્પેશ્યલી બાળકો માટે આ બીસ્કીટ બનતા,અફલાતૂન મેંદામાથી બનાવાય છે.

જવાહરલાલ નેહરુએ સુરતમાં સગલા-બગલા મીઠાઇનો સ્વાદ માણ્યો હતો
ગુલામ મોહમ્મદ રિફઅતે જણાવ્યું કે ઝાંપા બજાર વોરાજીની અત્યારના પહેલાની યુનિવર્સીટીના ઓપનિંગમાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સુરત આવ્યા હતા ત્યારે જમણના પ્રોગ્રામમાં પંખો બંધ રાખવાનું કારણ પૂછતાં તેમને સગલા-બગલા મીઠાઈ પર નું મેંદાનું એકદમ પાતળું પડ ઉડી જઈ શકે છે તેમ જણાવ્યું હતું. તેમણે સગલા-બગલા મીઠાઇનો સ્વાદ માણ્યો હતો.

Most Popular

To Top