SURAT

સુરતના યુવકે ગર્લફ્રેન્ડ સાથે એકાંત માણવા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના નામે કર્યું આ કામ

સુરતઃ (Surat) સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના (Surat District Cricket Association) રજિસ્ટર્ડ લોગોનો ઉપયોગ કરી બોગસ ઇ-મેઇલ આઇ.ડી.બનાવી ક્રિકેટના ઓપન સિલેકશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાની ખોટી માહિતી ફેલાવનાર આરોપીને સાયબર ક્રાઇમ સેલ પોલીસે ઝડપી પાડ્યો હતો.

  • ગર્લફ્રેન્ડ સાથે એકાંત માણવા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ખોટા મેઈલ કર્યા
  • ગર્લફ્રેન્ડનો ભાઈ ક્રિકેટનો શોખીન હોવાથી તેને ખોટો મેઇલ કરી સુરત દોડાવી દીધો
  • ગર્લફ્રેન્ડ અને તેના નાના ભાઈ સાથે અમદાવાદ ગયેલા યુવકનું કાવતરૂ

આભવા ગામમાં લાયા ફળિયામાં રહેતા ૩૨ વર્ષીય વિરલકુમાર બળવંતભાઇ પટેલ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન, લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ, પીપલોદ, ખાતે ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તેમના દ્વારા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપીએ ગઇ ૧૨ નવેમ્બરના રોજ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના રજિસ્ટર્ડ લોગોનો ઉપયોગ કરી સંસ્થાના ઓફિસિયલ ઇ-મેઇલ આઈડી ને મળતું આવતું બોગસ ઇ-મેઇલ આઇ.ડી. બનાવ્યું હતું. U- 16, 18, 19 ક્રિકેટના ઓપન સિલેકશનનો કોઇ કાર્યક્રમ રાખવામાં આવ્યો નહોતો. તેમ છતાં સંસ્થાના સેક્રેટરીના નામનો ખોટો ઉપયોગ કરી ઘણાબધા લોકોને ઇ-મેઇલ કરી લોકોને આ બોગસ ઇ- મેઇલ આઇ.ડી થકી ખોટી માહીતી ફેલાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરીને આરોપી રીયલ એસ્ટેટ બ્રોકર સુરજ રૂપસિંહ દુર્ગાસિંહ રાવલ (ઉ.વ.૨૯, રહે.ઘર નં.૪૨, મહાદેવ નગર, બમરોલી રોડ, પાંડેસરા તથા મૂળ ઉત્તરાખંડ) ની ધરપકડ કરી હતી.

આરોપી તેની ગર્લફ્રેન્ડ સાથે અમદાવાદ ફરવા ગયો હતો. અને ત્યાં ગર્લફ્રેન્ડનો નાનો ભાઈ પણ સાથે ગયો હતો. ગર્લફ્રેન્ડ સાથે એકલો સમય વિતાવી શકે તે માટે તેના નાનાભાઈને ત્યાંથી ભગાવવા આરોપીએ કાવતરૂ કર્યું હતું. ગર્લફ્રેન્ડનો ભાઈ ક્રિકેટનો શોખીન હોવાથી તેને સુરત મોકલી આપવા તેને ખોટા મેઈલ કર્યા હતા.

Most Popular

To Top