Surat Main

વાવાઝોડાને કારણે બંધ રખાયેલી અનેક સુવિધાઓ ફરી શરૂ થઈ ગઈ: સુરત એરપોર્ટ ફરીથી ધમધમ્યું

સુરત: (Surat) ‘તાઉતે’ વાવાઝોડાને લીધે બે દિવસ બંધ રહ્યા બાદ સુરત એરપોર્ટ (Airport) બુધવારે ફરીથી શરૂ થઈ ગયું છે. બુધવારે સુરત એરપોર્ટ પરથી 16 ફ્લાઇટ ઓપરેટ થઈ છે. જેમાં ચેન્નાઇની બે ફ્લાઇટ એક કલાક સુધી મોડી પડી હતી. એરપોર્ટ ડિરેક્ટર અમન સૈનીએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં સર્જાયેલી વાવાઝોડાની પરિસ્થિતિને લીધે મોસમ ખરાબ હોવાથી જોરથી પવન ફુંકાતાં ફ્લાઇટોનું ટેક ઓફ અને લેન્ડિંગ મુશ્કેલ બન્યું હતું. જેને કારણે પેસેન્જરોના હિતને ધ્યાને રાખી સોમવારે 11: 00 કલાકથી સુરત એરપોર્ટ પરથી ફ્લાઇટોની અવરજવર બંધ કરનામાં આવી હતી. વાવાઝોડાની પરિસ્થિતિને લીધે માત્ર ઇમરજન્સી ફ્લાઇટ્સ માટે જ ઓપન રખાયું હતું. મંગળવારે રાતે તાઉતે વાવાઝોડાની અસર સુરતમાં ઓછી થતાં 9:00 કલાકથી પવનની ગતિ ધીમી પડતા ફરી ઓપરેશન શરૂ કરાયું હતું. દરમિયાન બુધવારે એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસ જેટની મળી 16 ફ્લાઇટ ઓપરેટ થઈ હતી. ઇન્ડિગોની ચેન્નાઇની ફ્લાઇટ 30 મિનીટ અને સ્પાઇસ જેટની ચેન્નાઇની ફ્લાઇટ (Flight) એક કલાક મોડી આવી હતી.

બીઆરટીએસના વધુ ત્રણ મળી 5 રૂટ પર બસો દોડશે

સુરત: શહેરમાં કોરોનાની બીજી લહેરને કારણે મનપા દ્વારા જાહેર સેવાઓ બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે બીજી લહેર હળવી થતાં ધીરે ધીરે બંધ કરવામાં આવેલી સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. મનપા દ્વારા 10 દિવસ અગાઉ બીઆરટીએસના (BRTS) બે રૂટ શરૂ કરાયા હતા. પરંતુ વાવાઝોડાને પગલે ગત 2 દિવસ માટે આ રૂટ પરની બસો પણ બંધ રાખવામાં આવી હતી. પરંતુ હવે બીઆરટીએસ રૂટ પણ ક્લિયર કરી દેવાતા આ બંને રૂટ આવતીકાલથી એટલેકે, ગુરૂવારથી ફરી શરૂ કરાશે. તેમજ વધુ 3 બીઆરટીએસ રૂટ પણ આવતીકાલથી શરૂ થશે. જેમાં પાલથી સરથાણા, સ્ટેશનથી ઉત્રાણ અને કોસાડથી ડિંડોલી વારિગૃહ રૂટ શરૂ કરવામાં આવશે.

વાવાઝોડાના પગલે બંધ કરાયેલો કોઝવે વાહનવ્યવહાર માટે શરૂ કરાયો

સુરત : ‘તાઉતે’ વાવાઝોડાની અસરને પગલે રાંદેર સિંગણપોરને જોડતો વિયર કમ કોઝવે (Cozway) ગત 16 મીથી વાહનવ્યવ્હાર માટે બંધ કરાયો છે. ભારે પવન અને ધોધમાર વરસાદ વરસતા સાવચેતીના પગલે વાહનવ્યવહાર માટે કોઝવે બંધ કરાયો હતો. દરમિયાન ચાર દિવસ પછી બુધવારે સવારે 11 વાગ્યે ફરીથી કોઝવે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. ઉલ્લેખનીય છે કે, ગત સમયમાં શહેરને શુધ્ધ પાણી આપવા માટે અને કોઝવેના અપસ્ટ્રીમમાંથી ગંદકી દૂર કરવા ઉકાઇ ડેમમાંથી પાણી છોડાયું હતું. જેથી સતત પાંચ દિવસ વિયર કમ કોઝવે વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો. આમ મે મહિનામાં બે વાર કોઝવે બંધ કર્યો હતો.

Most Popular

To Top