SURAT

સુરત ભારતનું પહેલું એવું ઈન્ટરનેશનલ એરપોર્ટ છે જ્યાં આવી આવશ્યક સુવિધા પણ નથી

સુરત: (Surat) વર્ષ-2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સુરત એરપોર્ટનું (Surat Airport) ડેવલપમેન્ટ કસ્ટમ નોટિફાઇડ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Custom Notified International Airport) તરીકે કરવાની જાહેરાત કરી હતી. પણ એરપોર્ટના વર્તમાન સત્તાધીશોને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બેઝિક સુવિધાઓ આપવા માટે પણ રસ જણાતો નથી. ભારતના કસ્ટમ નોટિફાઇડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વાઇફાઇ સુવિધા, એટીએમ, મની એક્સચેન્જ સેવા ન હોય એવું સુરત દેશનું પ્રથમ એરપોર્ટ છે.

સુરત એરપોર્ટ પર અગાઉ દેના બેંકનું એટીએમ હતું. પણ આ એટીએમ બંધ થયાને વર્ષો થયાં છે. વચ્ચે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ એટીએમ (ATM) માટે રસ દાખવ્યો હતો, પણ તંત્રએ જગ્યાની ફાળવણી નહીં કરતાં આ કામ પણ અટકી ગયું હતું. એકમાત્ર શારજાહ-સુરત ફ્લાઈટ ચાલતી હોવા છતાં કરન્સી એક્સચેન્જ (Money Exchange) માટે પણ અહીં કોઈ સુવિધા નથી. દરેક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રીપેડ ટેક્સી (Prepaid Taxi) બુથ સેવા અને કેબ એગ્રીગેટર સર્વિસ હોય છે. પ્રીપેડ ટેક્સી માટે એન્ટ્રી અને એક્ઝિટની અલાયદી વ્યવસ્થા હોય છે. પણ અહીં એવું કશું નથી. જેના લીધે ઓટો રિક્ષાચાલકો અને ટેક્સીચાલકોની ટોળકી પેસેન્જરો (Passengers) પાસે રાતની અને વહેલી સવારની ફ્લાઈટ સમયે મોટી રકમની માંગણી કરતા હોય છે.

એરપોર્ટ પર એકમાત્ર પિકઅપ ડ્રોપ સેવા ચાલે છે. પણ એમાં ભીડ જામે છે. તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન સંજીવકુમારે સુરત એરપોર્ટના વિકાસનાં કામોનું નિરીક્ષણ કર્યું ત્યારે ટર્મિનલ બિલ્ડિંગમાં એમને દેખાડવા માટે એરપોર્ટ ડાયરેક્ટર પાસે સ્કીલ રૂરલ વુમન દ્વારા બનાવવામાં આવતી પ્રોડક્ટના સ્ટોલ સિવાય કશું રહ્યું ન હતું. નવાઈની વાત એ છે કે ઇન્ટરનેશનલ પેસેન્જર માટે વાઈફાઈની સુવિધા પણ નથી. એરપોર્ટનું પાર્કિંગ મોટું થઇ રહ્યું છે ત્યારે પ્રીપેડ ટેક્સી-ઓટો રિક્ષા અને એગ્રીગ્રેટેડ કેબની પાર્કિંગ સુવિધા હોવી જોઈએ.

3 વર્ષ પછી પણ આ કામ અધૂરાં, છતાં AAI એ કોઈ પગલાં ભર્યાં નહીં
ચાલુ સપ્તાહે અચાનક પોતાની ટીમ સાથે સુરત એરપોર્ટ પર ચાલી રહેલા ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ, એપ્રન અને ટેક્સી-વે પ્રોજેક્ટના 353 કરોડના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન સંજીવ કુમાર આવ્યા હતા. તેમણે વેસુ તરફના રન-વેના 615 મીટરના કાપ, નડતરરૂપ બિલ્ડિંગને લગતા કેસની વિગત પણ મેળવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે સુરત એરપોર્ટ પર ચાલી રહેલાં કામો ક્યારે પૂર્ણ થશે એને લગતી વિગતો પણ મેળવી હતી. આ બેઠકમાં બંને ઇજારદાર એજન્સીના જવાબદાર અધિકારી પણ હાજર રહ્યા હતા.

નવાઈની વાત એ છે કે, કોવિડ-19 કોરોનાને લીધે સતત મુદત વધારો છતાં માર્ચ-2022માં વિકાસનાં કામો પૂરાં કરવાની કટ ઓફ ડેટમાં પણ કામ પૂરાં થયાં નથી. હવે ડિસેમ્બર-2022ની નવી મુદત પાડવામાં આવી છે.

તાજેતરમાં એરપોર્ટ એડ્વાઇઝરી કમિટીની બેઠકમાં જે ડેટા રજૂ થયો હતો, તેમાં PTT માત્ર 37 ટકા અને ટર્મિનલ બિલ્ડિંગનું કામ 47 ટકાથી વધુ પૂર્ણ થયું હોવાનું જણાવાયું હતું. ટર્મિનલ બિલ્ડિંગની સૂચિત પૂર્ણતાની તારીખ અને PTT પ્રોજેક્ટની પૂર્ણતાની તારીખ લંબાવીને તા.31/12/2022 કરવામાં આવી છે. બંને ઇજારદાર સમયસર કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા છતાં એજન્સીઓ સામે કાર્યવાહી કરવાને બદલે શંકાસ્પદ રીતે મુદત વધારો આપવામાં આવ્યો છે.

Most Popular

To Top