Vadodara

ગોરવા અંતિમધામમાં બંધ ગેસ ચિતા પાસે લાકડાનો ખડકલો

વડોદરા : શહેરના કેટલાક અંતિમધામોની હાલત દયનિય બનવા પામી છે. થમિક સુવિધાઓના અભાવને કારણે અંતિમક્રિયા માટે આવતા મૃતકોના પરિવારજનોને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ મોક્ષધામમાં ઘણા લાંબા સમયથી ગેસચિતા બંધ હાલતમાં છે.જ્યારે લાકડા મુકવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી ગેસચિતા બહાર જ લાકડાનો જથ્થો રઝળતી હાલતમાં પડેલો જોવા મળ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો હાલ શહેરના વિકાસને નેવે મૂકી શહેરના મોટા બિલ્ડરોના વિકાસમાં લાગ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.જેના કારણે શહેરના સ્મશાનગૃહોની હાલત અત્યંત દૈનિય બનવા પામી છે.કોરોનાના કપરાકાળ દરમિયાન પડેલી હાલાકી બાદ પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી.જેના કારણે અંતિમક્રિયા માટે આવતા મૃતકોના પરિવારજનો હાલાકી વેઠવા મજબુર બન્યા છે.શહેરના ગોરવા સ્મશાનમાં ઘણા લાંબા સમયથી ગેસ ચિતા બંધ હાલતમાં છે.જ્યારે લાકડા મુકવા માટેની કોઈ વ્યવસ્થા નથી.

જેના કારણે ગેસ ચિતા રૂમ બહાર જ લાકડા રઝળતી હાલતમાં ફેંકી દેવાયા છે.બીજી તરફ બાળકોની દફનવિધિ કરવાની જગ્યાએ ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે.તેમજ દફન કર્યા બાદ કેટલીક વખત તો કુતરાઓ દફન કરાયેલા બાળકોના વિવિધ અંગો કાઢી લઈ સ્મશાન પરિસરમાં તેમજ જાહેર માર્ગ પર લઈ આવતા હોય છે. જેના કારણે લોકોની લાગણી પણ દુભાઈ રહી છે.અહીં સુવિધાઓના અભાવને કારણે વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં પણ આજદિન સુધી ગેસ ચિતા શરૂ કરવામાં આવી નથી.જેથી વિસ્તારના રહીશોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.

નોંધનીય બાબત છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં આ પહેલા ઉત્તર ઝોનમાં પાંચ પશ્ચિમ ઝોનમાં તેર પૂર્વ ઝોનમાં છ અને દક્ષિણમાં સાત એમ કુલ મળીને 31 અંતિમધામ છે.જેમાં વધારો કરી 34 જેટલા અંતિમધામ કાર્યરત કરવામાં આવ્યા છે.પરંતુ આમાંથી મોટાભાગના અંતિમધામોની હાલત બદથી બદતર બની જતા નગરજનો તંત્રના પાપે અનેક મુશ્કેલીઓનો સામનો કરવા મજબુર બન્યા છે.

ગોરવા તળાવ પાછળ નવેસરથી આયોજન કરી રહ્યા છે 
સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડીયાએ જણાવ્યું હતું કે ગોરવા સ્મશાનમાં જે પુર્તતા કરવાની છે.એ બાબતે મ્યુ.કમિશનર સાથે મિટિંગ કરી હતી.તેમજ અધિકારીને પણ બોલાવીને સૂચના આપી છે.ગોરવા તળાવની પાછળ નવેસરથી આયોજન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top