Vadodara

કોઠંબામાં ગાડીના ચેસીસમાંથી અડધા કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું

લુણાવાડા : મહિસાગર લોકલ ક્રાઇમ બ્રાંચ અને કોઠંબા પોલીસે વિદેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ ગાડી પકડી પાડી હતી. જેના ચાલકની પુછપરછ કરતાં પ્રતિબંધિત મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ હેરફેરનું નેટવર્ક મળી આવ્યું હતું. ગાડીની ચેસીસમાં છુપાવેલું 50 લાખનું ડ્રગ્સ પોલીસે જપ્ત કર્યું હતું. દેશભરમાં વિદેશથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સને પકડવા વિવિધ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આમ છતાં ડ્રગ્સ માફિયા યેનકેન પ્રકારે નશીલા પદાર્થો ઘુસાડી રહ્યા છે અને યુવાધનને બરબાદ કરી રહ્યા છે. હાલમાં મહિસાગર જિલ્લા પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું હોય તેમ વિદેશી દારૂ ભરેલી ગાડીમાંથી 50 લાખનું મેફેડ્રોન મળી આવ્યું હતું. આ ડ્રગ્સ ગુજરાતના અને ખાસ કરીને મેગેસીટીના માલેતુજારોના સંતાનોને પુરૂ પાડવામાં આવી રહ્યું હોવાની શંકા આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

મહિસાગર લોકલ ક્રાઇમ બ્રાંચ અને કોઠંબા પોલીસની ટીમ વિરણીયા ચોકડી ખાતે એક શંકાસ્પદ પીકઅપ ડાલુ આવતા તેનો પીછો કરી લાડવેલ ચોકડી નજીક પકડી પાડી હતી. આ ગાડીના ચાલકનું પૂછપરછ કરતાં તે જૈનુલ આબેદિન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બર અંસારી (રહે.બાપુનગર, અમદાવાદ)નો હોવાનું જણાવ્યું હતું. ગાડીની તપાસ કરતાં કેબીનમાં અલગ અલગ માર્કાની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આથી, જૈનુલ અંસારીની અટક કરી આગવી ઢબે પુછપરછ કરી હતી. જેમાં તે ભાંગી પડ્યો હતો અને  બોલેરો ગાડીની ચેસીસમાં નશીલો પાવડર હોવાનું કબુલ્યું હતું.

આ સાંભળી પોલીસ પણ ચોંકી ગઇ હતી અને એફએસએલને સાથે રાખી ચેસીસમાં તપાસ કરતાં સફેદ કલરનો નશીલો પાવડર મળી આવ્યો હતો. જે એફએસએલના મત મુજબ એમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ અથવા મેફા એમફેટામાઇન અથવા મેફેડ્રોન પાવડર બે અલગ અલગ થેલીમાં કુલ 500 ગ્રામ જેની એક ગ્રામની કિંમત રૂ.દસ હજાર લેખે કુલ 500 ગ્રામ નશીલા પાવડરની કુલ કિંમત રૂ.50 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આથી, પોલીસે જૈનુલ આબેદિન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બાર અંસારી સામે એનડીપીએસની કલમ હેઠલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top