Vadodara

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વડોદરામાં માત્ર 2 કલાક 13 મિનિટમાં 40 મીટર ગર્ડરનું સફળ લોન્ચિંગ

વડસર રોડ ઓવર બ્રિજ પર ફૂલ સ્પાન લોન્ચિંગ મેથડથી કામગીરી પૂર્ણ, વ્યસ્ત કોરિડોરમાં મોટી સિદ્ધિ

( પ્રતિનિધિ )વડોદરા,તા.8

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરામાં એન્જિનિયરિંગ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. વડસર રોડ ઓવર બ્રિજ પર ફૂલ સ્પાન લોન્ચિંગ મેથડ દ્વારા 40 મીટર લાંબા ગર્ડરનું માત્ર 2 કલાક અને 13 મિનિટમાં સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

આ કામગીરીની વિશેષતા એ છે કે તે અત્યંત વ્યસ્ત શહેરી કોરિડોરમાં પૂર્ણ કરવામાં આવી છે. આ રૂટ પર દરરોજ 100થી વધુ ટ્રેનોની અવરજવર થાય છે અને આશરે 70 હજાર જેટલા રોડ વાહનો પસાર થાય છે. આટલા વ્યસ્ત ટ્રાફિક વચ્ચે પણ ટ્રેન અને વાહન વ્યવહારને ખોરવ્યા વિના ટૂંકા સમયમાં ગર્ડર લોન્ચ કરવું એક મોટો પડકાર હતો, જેને NHSRCLની ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યો છે. ફૂલ સ્પાન લોન્ચિંગ મેથડ હેઠળ સમગ્ર 40 મીટરનું ગર્ડર એક જ વખતમાં પિલર પર મૂકી દેવામાં આવે છે. પરંપરાગત પદ્ધતિ કરતાં આ ટેકનોલોજી 10 ગણી ઝડપી છે અને વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિકને ન્યૂનતમ અસર પહોંચાડે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ પ્રકારની આધુનિક ટેકનોલોજીથી નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. વડોદરામાં થયેલું આ સફળ લોન્ચિંગ સમગ્ર પ્રોજેક્ટ માટે મહત્વનું સીમાચિહ્ન બની રહેશે.

Most Popular

To Top