ગાંધીનગર,
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના વિસ્તરણ અને પ્રોત્સાહન માટે કાર્બન ક્રેડિટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને તે ખેડૂતો માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થશે, તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે રાજ્યભરમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે યોજાયેલી રાજ્યકક્ષાની બેઠકમાં તેઓ અધ્યક્ષસ્થાને સંબોધન કરી રહ્યા હતા.
રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના વિસ્તાર માટે બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પર વિશેષ ભાર મૂકતા કહયું હતું કે પ્રાકૃતિક કૃષિ પેદાશોનું યોગ્ય બ્રાન્ડિંગ થવાથી લોકોમાં વિશ્વાસ વધશે અને સશક્ત માર્કેટિંગ વ્યવસ્થા ઉભી થવાથી ગ્રાહકો સુધી પૂરતા પ્રમાણમાં પ્રાકૃતિક ઉત્પાદનો પહોંચી શકશે. આ સાથે કાર્બન ક્રેડિટ દ્વારા ખેડૂતોને વધારાની આવકનો લાભ મળશે, જેના કારણે વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળશે.આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીના વધતા ઉપયોગના કારણે માનવ સ્વાસ્થ્ય, જમીન, પાણી અને પર્યાવરણ પર ગંભીર પ્રતિકૂળ અસરો પડી રહી છે. આજે અનેક લોકો વિવિધ રોગોથી પીડાઈ રહ્યા છે, જમીનની ઉત્પાદકતા ઘટી રહી છે અને પાણી તેમજ હવા પ્રદૂષિત થઈ રહ્યા છે. આવા સમયમાં પ્રાકૃતિક ખેતી જ લાંબા ગાળાનું સ્થાયી સમાધાન બની શકે છે.
રાજ્યપાલે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે વધુમાં વધુ સંશોધન કરી તેના પ્રચાર-પ્રસાર માટે કાર્ય કરવાની અપીલ કરી હતી. તેમણે રાજ્યમાં યુરિયાનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અને યુરિયા બચાવવા બદલ કેન્દ્ર સરકાર તરફથી મળતા વળતરનો ઉપયોગ પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધારવા માટે થાય તે દિશામાં આયોજનબદ્ધ પ્રયાસો કરવા સૂચન આપ્યું હતું.બેઠક દરમિયાન કૃષિ વિભાગ તેમજ વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા છેલ્લા એક મહિનામાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરી, નવી પહેલો અને પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.