Gujarat

આશારામ આશ્રમની બાજુમાં 37 પરિવારો માટે નવા આવાસ સાથે ભાડા સહાયની પણ વ્યવસ્થા

નવા આવાસ તૈયાર ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પ્રતિમાસ રૂ.૧૦,૦૦૦ ભાડા સહાય અપાશે
ચાંદખેડા ખાતે ઉપલબ્ધ આવાસોમાં કામચલાઉ વસવાટની સુવિધા પૂરી પાડવાની વ્યવસ્થા

અમદાવાદ

અમદાવાદના મોટેરા ખાતે આશારામ આશ્રમની બાજુમાં આવેલા શિવનગર વિસ્તારમાં સરકાર દ્વારા ૩૭ પરિવારોને વર્ષો પહેલાં ૫૦ ચો.વાર જમીન ફાળવવામાં આવી હતી. સનદની શરતો મુજબ લાભાર્થીઓને ફાળવેલી જમીનમાંથી ૩૭.૫૦ ચો.વાર વિસ્તારમાં જ બાંધકામ કરવાની મંજૂરી હતી અને ૧૨.૫૦ ચો.વાર જગ્યા ખુલ્લી રાખવાની હતી. પરંતુ કેટલાક રહેવાસીઓ દ્વારા ફાળવેલી ૫૦ ચો.વાર જમીન ઉપરાંતની સરકારી જમીન પર પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાબતે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા નિયમસર નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ મામલો હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો, જ્યાં હાઈકોર્ટ દ્વારા ૫૦ ચો.વારથી વધુ જગ્યામાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા અંગે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો.

હાઈકોર્ટના આદેશના અનુસંધાને રહેવાસીઓને અનેક વખત જાણ કરવામાં આવી હતી. તેમ છતાં ગેરકાયદેસર બાંધકામ દૂર ન થતાં આજે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે સરકારએ માત્ર કાર્યવાહી જ નહીં પરંતુ અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે પણ સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. જાહેર હેતુ માટે જરૂરી બનેલી આ જમીનના બદલામાં શિવનગરના રહીશો તથા તેમના પુખ્તવયના સભ્યોને ચાંદખેડા ખાતે નવા આવાસ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત, નવા આવાસ તૈયાર ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પ્રતિમાસ રૂ. ૧૦,૦૦૦ ભાડા સહાય આપવાની અથવા કેશવનગર, ચાંદખેડા ખાતે ઉપલબ્ધ આવાસોમાં કામચલાઉ વસવાટની સુવિધા પૂરી પાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Most Popular

To Top