Gujarat

વાઇબ્રન્ટ સમિટ અને વિધાનસભા ચૂંટણી પહેલાં સરકારની તૈયારી તેજ, ડઝન જેટલી નવી નીતિઓની જાહેરાતની સંભાવના

ગાંધીનગર

આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ (GGVS) અને વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પોતાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. સરકારના એજન્ડામાં હાલ સમાપ્ત થઈ ગયેલી નીતિઓની સમીક્ષા, હજુ સુધી જાહેર ન થયેલી નીતિઓને અંતિમ સ્વરૂપ આપવું અને નવી નીતિઓ ઘડવા અંગેની ચર્ચાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.નજીકના દિવસોમાં આ નવી નીતિઓની જાહેરાત થાય તેવા ચક્રો ગતિમાન થયા છે.

સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર વર્ષના અંત સુધીમાં બાકી રહેલી તમામ મહત્વની નીતિઓ જાહેર કરવા માંગે છે જેથી વાઇબ્રન્ટ સમિટ દરમિયાન તેને કોર્પોરેટ જગત સમક્ષ રજૂ કરી શકાય. રાજ્ય સરકાર દ્વારા લગભગ એક ડઝન જેટલી નવી તથા સુધારેલી નીતિઓની જાહેરાત થવાની શક્યતા છે. તેમાં નવી ઔદ્યોગિક નીતિ, એગ્રો-બિઝનેસ નીતિ, શિપબિલ્ડિંગ નીતિ, ડેટા સેન્ટર નીતિ, પ્રવાસન નીતિ. નવી આઈટી નીતિ સહિતના મહત્વના ક્ષેત્રો આવરી લેવાશે. જે વિભાગોની નીતિઓની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે તેવા વિભાગોને નવી નીતિઓ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. પરિણામે સંબંધિત વિભાગોમાં સતત બેઠકોનો દોર શરૂ થયો છે અને અધિકારીઓ નીતિ ઘડતરની પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા છે.

ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓનું માનવું છે કે સ્પષ્ટ નીતિ માળખા વિના મોટા પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવું જોખમી બની શકે છે. તેમના જણાવ્યા પ્રમાણે, નીતિ વિના થતા એમઓયુ (MoU) ઘણી વખત વિભાગીય પ્રક્રિયાઓ અને ફાઈલોના લાંબા ગાળાના ચક્રમાં અટવાઈ જાય છે, જેના કારણે રોકાણકારો અને ઉદ્યોગોને અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે. નોંધનીય છે કે રાજ્યમાં કેટલીક મહત્વપૂર્ણ નીતિઓની મુદત વર્ષો પહેલાં પૂર્ણ થઈ ચૂકી છે, છતાં તેને નવીકરણ કે સુધારા અંગે અત્યાર સુધી પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. હવે વાઇબ્રન્ટ સમિટ પહેલાં રોકાણકારોને સ્પષ્ટ સંદેશ આપવા અને નવા રોકાણો આકર્ષવા માટે સરકાર આ નીતિઓને ઝડપી ગતિએ અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં આગળ વધી રહી હોવાનું માનવામાં આવે છે.
રાજકીય અને આર્થિક રીતે મહત્વપૂર્ણ ગણાતા આગામી વર્ષને ધ્યાનમાં રાખીને સરકારની નીતિગત સક્રિયતા વધતા ઉદ્યોગ અને રોકાણકાર વર્તુળોમાં પણ નવી આશા જાગી છે. જો આ તમામ નીતિઓ સમયસર જાહેર થશે તો વાઇબ્રન્ટ સમિટમાં રાજ્યને મોટા રોકાણો મેળવવામાં મદદ મળી શકે છે.

Most Popular

To Top