World

શ્રીલંકા: રાષ્ટ્રપતિ ભવન પર પ્રદર્શનકારીઓનો કબજો, PM વિક્રમસિંઘેએ પદ પરથી રાજીનામું આપ્યું

શ્રીલંકા: આર્થિક સ્થિતિથી ત્રસ્ત શ્રીલંકામાં (Sri Lanka) પ્રદર્શનકારીઓએ (Protester) શનિવારે રાષ્ટ્રપતિ (President) ગોટાબાયા રાજપક્ષેના (Gotabaya Rajapaksa) નિવાસસ્થાનને ઘેરી લીધું હતું. રાષ્ટ્રપતિ રાજપક્ષે તેમના નિવાસસ્થાનેથી ભાગી ગયા છે. સંરક્ષણ સૂત્રોએ રાષ્ટ્રપતિ રાજપક્ષેના ભાગી જવાનો દાવો કર્યો છે. પ્રદર્શનકારીઓએ નિવાસસ્થાને તોડફોડ કરી હતી. પ્રદર્શ દરમિયાન પોલીસ કર્મીઓ અને વરોધકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હિંસામાં 100થી વધુ લોકો ઘાયલ થવાના અહેવાલો સામે આવ્યા છે. દરમિયાન પ્રધાનમંત્રી વિક્રમસિંઘેએ પણ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી છે. બીજી તરફ શ્રીલંકા પીપલ્સ ફ્રન્ટના 16 સાંસદોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને તાત્કાલિક રાજીનામું આપવાની અપીલ કરી છે.

પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે, શ્રીલંકાના વર્તમાન વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પાર્ટીના નેતાઓની તાકીદની બેઠક બોલાવી હતી. તેમણે સ્પીકરને સંસદનું સત્ર બોલાવવાની પણ અપીલ કરી હતી. દરમિયાન, શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) ના 16 સાંસદોએ રાષ્ટ્રપતિ ગોટાબાયાને તાત્કાલિક રાજીનામું આપવા વિનંતી કરતો પત્ર લખ્યો છે. આ અગાઉ પણ 11 મેના રોજ તત્કાલિન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે પણ તેમના પરિવાર સાથે ભાગી ગયા હતા. રોષે ભરાયેલા ટોળાએ કોલંબોમાં રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનને ઘેરી લીધું હતું. જણાવી દઈએ કે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વિરુદ્ધ લાંબા સમયથી ‘GOTA GO GAMA’ આંદોલન ચાલી રહ્યું છે.

તમામ શાળાઓ, 4 યુનિવર્સિટીઓ 15 જુલાઈ સુધી બંધ
શ્રીલંકાની આર્થિક અને રાજકીય કટોકટી વધુ ઘેરી બની રહી છે. સાવચેતી રાખીને, સરકારે તમામ શાળાઓ તેમજ ચાર રાજ્ય યુનિવર્સિટીઓને 15 જુલાઈ સુધી અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. આ સાથે જ વડાપ્રધાનની બેઠક યોજાઈ છે. બેઠકમાં તમામ નેતાઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને રાજીનામું આપવા વિનંતી કરી છે.

બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે હું સ્વીકારીશઃ રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ કથિત રીતે કહ્યું છે કે પીએમ રાનિલ વિક્રમસિંઘેની બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે, તેઓ તેનું સન્માન કરશે. મીડિયા અહેવાલો અનુસાર, વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેને તેમના નિર્ણયની જાણ કરી છે.

પ્રદર્શનકારીઓએ સ્વિમિંગ પૂલમાં સ્નાન કર્યું
પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધો છે. આ પછી ઘણા વીડિયો સામે આવ્યા જેમાં તે સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ રાષ્ટ્રપતિ ભવનની અંદરના બેડરૂમમાં ગયા અને અંદર બેડ પર હંગામો મચાવ્યો હતો. તેઓએ ભવનમાં તોડફોડ કરી હતી.

માહિતી અનુસાર પ્રદર્શનકારીઓએ બપોરે કોલંબોમાં રાષ્ટ્રપતિ નિવાસને ઘેરી લીધો હતો. ત્યાર બાદ પ્રદર્શનકારીઓએ રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનમાં પણ તોડફોડ કરી હતી. નોંધનીય છે કે શ્રીલંકામાં કથળતા આર્થિક સંકટ વચ્ચે આજે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ સાથે સરકારની વિરોધ રેલી ચાલી રહી છે.

શ્રીલંકામાં શુક્રવારે અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. સેનાને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસ વડા ચંદના વિક્રમરત્નેએ જણાવ્યું કે રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુ લાગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિને સત્તા પરથી હટાવવા માટે હજારો સરકારી પ્રદર્શનકારીઓ શુક્રવારે કોલંબોમાં પ્રવેશ્યા હતા, અને ત્યાર બાદ પરિસ્થિતિને નિયતંત્રમાં લેવા માટે કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

શુક્રવારે પોલીસે કર્ફ્યુ લાદતા પહેલા કોલંબોમાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે ટીયર ગેસ અને વોટર કેનન છોડ્યા હતા. મળતી માહિતી અનુસાર સરકાર વિરોધી પ્રદર્શનમાં ધાર્મિક નેતાઓ, રાજકીય પક્ષો, શિક્ષકો, ખેડૂતો, ડૉક્ટરો, માછીમારો અને સામાજિક કાર્યકરો સામેલ છે.

સાંસદે પોતાને ગોળી મારી
ઉલ્લેખનીય છે કે 10 મેના રોજ શાસક પક્ષ (શ્રીલંકા પોદુજાના પેરામુના)ના સાંસદ અમરકીર્થી અથુકોરાલાનું અવસાન થયું હતું. મળતી માહિતી મુજબ, નિટ્ટમ્બુવામાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ તેમની કારને ઘેરી લીધી હતી. લોકોએ જણાવ્યું કે આ દરમિયાન સાંસદની એસયુવી કારમાંથી ગોળીબાર થયો હતો. આ જોઈને ભીડ ઉશ્કેરાઈ ગઈ. ત્યારબાદ સાંસદો ભાગીને એક બિલ્ડિંગમાં છુપાઈ ગયા હતા, જે હજારો લોકોથી ઘેરાયેલી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પછી ભીડના ડરથી સાંસદે પોતાની જ રિવોલ્વરથી પોતાને ગોળી મારી દીધી.

Most Popular

To Top