Sports

ગુજરાતને હરાવીને ચેન્નાઇ સુપર કિંગ્સ ફાઇનલમાં

ચેન્નાઇ: આઇપીએલની આજે મંગળવારે અહીં રમાયેલી પહેલી ક્વોલિફાયરમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડની અર્ધસદી તેમજ 40 રન કરનારા ડેવોન કોનવે સાથેની તેની 87 રનની ભાગીદારી અને રવિન્દ્ર જાડેજાની 16 બોલમાં 22 રનની ઇનિંગની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 172 રનનો સ્કોર બનાવીને મૂકેલા 173 રનના લક્ષ્યાંક સામે ગુજરાત ટાઇટન્સ 157 રને ઓલઆઉટ થતાં સીએસકેએ 15 રને મેચ જીતીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી ગુજરાત ટાઇટન્સ 98 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી અને તે પછી વિજય શંકર અને રાશિદ ખાન વચ્ચે 38 રનની ભાગીદારી કરીને સ્કોર 136 સુધી લઇ ગયા હતા અને અંતે ગુજરાત 157 રને ઓલઆઉટ થઇ જતાં સીએસકેનો 15 રને વિજય થયો હતો.

ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી ચેન્નાઇ સુપર કિંગ્સને હંમેશની જેમ ગાયકવાડ-કોનવેની જોડીએ સારી શરૂઆત અપાવી હતી. પાવરપ્લે પછી ગુજરાતના બોલરોએ અંકુશિંત બોલિંગ કરતાં 87 રને પહેલી વિકેટ ગુમાવનાર સીએસકેનું મિડલ ઓર્ડર લથડ્યું હતું અને તે પછી 38 રનના ઉમેરામાં વધુ ત્રણ વિકેટ ગુમાવતા 10.1 ઓવરમાં તેમનો સ્કોર 4 વિકેટે 125 રન થયો હતો અને 20 ઓવરના અંતે તેઓ 7 વિકેટે 172 રન સુધી જ પહોંચી શક્યા હતા. ગુજરાત ટાઇટન્સ વતી મહંમદ શમી અને મોહિત શર્માએ 2-2 જ્યારે દર્શન નલકંડે, રાશિદ ખાન અને નૂર અહેમદે 1-1 વિકેટ લીધી હતી.

દરેક ડોટ બોલ માટે 500 વૃક્ષો વાવવાની બીસીસીઆઈની પહેલ
ચેન્નાઇ : મંગળવારે ચેપોક ખાતે પહેલી ક્વોલિફાયરમાં વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન ફેંકવામાં આવેલા ડોટ બોલ માટે ખાસ ગ્રાફિક જોવા મળ્યું હતું. બ્રોડકાસ્ટર્સે ડોટ બોલને વૃક્ષના પ્રતીક સાથે બદલ્યા હતા અને તેના કારણે લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું. આમ કરવા પાછળનું કારણ એ હતું કે બીસીસીઆઇએ આઇપીએલની હાલની સિઝનની પ્લેઓફ દરમિયાન ફેંકવામાં આવતા દરેક ડોટ બોલ માટે 500 વૃક્ષો વાવવાનું વચન આપ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની હાઈ-પ્રોફાઈલ મેચનું પ્રસારણ જોઈ રહેલા લોકો સ્ક્રીનની નીચે જમણી બાજુએ ઓવરની કૉલમમાં ડોટ બૉલ્સ સમયે વૃક્ષનું ગ્રાફિકે દેખાતા નવાઇ લાગતી હતી. આ અંગે એવું જાણવા મળ્યું છે કે ડોટ બોલના સ્થાને જોવા મળતું નાનું લીલું વૃક્ષનું પ્રતીકને આ વર્ષની ટુર્નામેન્ટના નોકઆઉટ તબક્કામાં દરેક ડોટ બોલ માટે 500 વૃક્ષો વાવવાની બીસીસીઆઈની પહેલને દર્શાવતું હતું.

ધોનીને નફરત કરવા માટે તમારે શેતાન બનવું પડશે : હાર્દિક પંડ્યા
ચેન્નાઈ : ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા કહે છે કે કદાચ તેની છેલ્લી ઈન્ડિયન પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ રમી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીને નફરત કરવા માટે તમારે શેતાન બનવું પડશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ મંગળવારે અહીંના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ ક્વોલિફાયર રમશે. આ દરમિયાન પંડ્યાએ એ માન્યતાને પણ દૂર કરી કે ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક ધોની ગંભીર વ્યક્તિ છે.

પંડ્યાએ સોશિયલ મીડિયા પર ગુજરાત ટાઇટન્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે, હું હંમેશા મહેન્દ્ર સિંહ ધોનીનો પ્રશંસક રહીશ. મહેન્દ્ર સિંહ ધોનીને નફરત કરવા માટે તમારે શેતાન બનવાની જરૂર છે. ગત સિઝનની સરખામણીમાં ધોનીએ ટીમમાં જે ફેરફારો કર્યા છે તે ફરી એકવાર સુપરકિંગ્સને ચર્ચામાં લાવી દીધા છે. ગત સિઝનમાં 10 ટીમોમાંથી નવમું સ્થાન મેળવ્યા બાદ, આ વખતે ટીમ પ્લે-ઓફમાં પહોંચી ગઈ છે અને તેનું પાંચમું IPL ટાઈટલ જીતવાની દાવેદારીમાં છે.

Most Popular

To Top