Dakshin Gujarat

ઓલપાડમાં બે મહિલાઓના ઝઘડામાં એક મહિલાના પતિએ બીજી મહિલાના પતિને ચપ્પુ હુલાવી દીધું

સાયણ: (Sayan) ઓલપાડ તાલુકાના દિહેણ ગામે આંબાવાડી હળપતિવાસમાં રહેતી કાજલ વિનોદ રાઠોડ(ઉ.વ.૨૮) ઘરકામ કરે છે. તેનો પતિ આજુબાજુના ગામડાઓમાં (Village) મચ્છી વેચવાનો ધંધો કરે છે. ગત મંગળવાર તા.૧૮મીના રોજ સાંજના સુમારે તેમના ફળીયામાં પીવાનું પાણી (Drinking Water) ઓછું આવતું હોવાથી કાજલ રાઠોડે તેના ફળીયામાં રહેતી રોશની ઉર્ફે જીનુ રમેશ રાઠોડ તથા તેની માતા કાંતાબેનને કહ્યું હતું કે અમારે હજુ પાણી (Water) ભરવાનું બાકી છે, તમે ભરી લીધું હોય તો અમને ભરવા દો. તેમ કહેતા આ માં-દીકરી બંને સાથે કાજલને સામાન્ય ઝઘડો થયો હતો.

  • ઓલપાડના દિહેણ ગામે પાણી ભરવા મુદ્દે મહિલાઓ વચ્ચેનો ઝઘડો વકર્યો: યુવક ઉપર ચપ્પુ વડે હુમલો
  • આંબાવાડી હળપતિવાસના બે પરિવારોની મહિલાઓના ઝઘડા બાદ એક મહિલાના પતિએ બીજી મહિલાના પતિને ચપ્પુ હુલાવી દીધું

આ ઝઘડો બીજા દિવસે સાંજે ફરી વિફરતા આ બંન્ને માં-દીકરીઓ સાથે તેનો જમાઈ હિતેશ નાયકા (મુળ રહે.તાસવાડી,એ.કે.રોડ, વરાછા-સુરત શહેર) પણ જોડાયો હતો અને કાજલ રાઠોડને નાલાયક ગાળો આપી ઢીક્કા-મુક્કીનો માર માર્યો હતો. જયારે હિતેશ નાયકાએ તેને ધમકી આપી કહ્યું હતું કે, તેં ગઇકાલે મારી પત્ની રોશની સાથે ઝગડો કેમ કર્યો હતો? જો તારો પતિ આજે રસ્તામાં મળે તો તેને પતાવી દઇશ.

જેથી કાજલે તેના પતિને હિતેશ નાયકાની ધમકીથી વાકેફ કર્યો હતો. તે દિવસે સાંજે-૪:૧૫ કલાકના સુમારે તેનો પતિ વિનોદ રાઠોડ તેના ઘરે આવી રહ્યો હતો, ત્યારે ગામના સ્વામિનારાયણ મંદિર પાસે એક્ટીવા બાઈક ઉપર આવેલા હિતેશ નાયકાને તેણે ધમકી બાબતે પુછતાં હિતેશ નાયકાએ કંઈપણ કહ્યા વિના વિનોદના પેટમાં ચપ્પુથી જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.

જેથી વિનોદ લોહી-લુહાણ થઈ જતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સુરત ખાતેની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા બાદ ફરજ પરના તબીબે ઓપરેશન કર્યુ હતું. હાલમાં પણ વિનોદ રાઠોડ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર લઈ રહ્યો છે. આ બાબતે ઈજાગ્રસ્તની પત્ની કાજલ રાઠોડે આ ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ઓલપાડ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ઇપીકો કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top