Business

શીઘ્ર સ્ખલન એટલે કે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનની સારવાર માટેના ઉપાયો

પ્રશ્ન: મારી ઉંમર 34 વર્ષની છે. લગ્નને છ વર્ષ પૂરાં થઇ ગયેલ છે. મારે બે બાળકો પણ છે. આમ છતાં હું મારી પત્નીને મોટાભાગે સંતોષ આપી શકતો નથી. સંભોગ કરતી વખતે વીર્ય જલ્દી નીકળી જાય છે. જેથી કરીને પત્ની સાથે સમાગમ ટાળવાનો પ્રયત્ન કરું છું. મારે દરેક વખતે કોઈ ને કોઈ બહાનાં કાઢવાં પડે છે. સમાગમ ખરેખર કેટલો સમય ચાલવું જોઈએ અને તે લાંબો સમય ચાલે તે માટે શું કરવું જોઈએ?

જવાબ: એક સર્વે પ્રમાણે મોટાભાગની સ્ત્રીઓને બે મિનિટમાં યોનિ પ્રવેશ બાદ ચરમ સીમાનો એટલે કે સંતોષ મળ્યાનો અનુભવ થતો હોય છે. અમુક સ્ત્રીઓમાં આ સમયગાળો ત્રણ થી ચાર મિનિટનો પણ હોઈ શકે છે. જ્યારે અમુક સ્ત્રીઓમાં આ સમયગાળો માત્ર એકાદ મિનિટ હોય તો પણ તેમને પૂરતો આનંદ મળી રહેતો હોય છે. સંતોષનો આધાર સમાગમ પૂર્વેની રમતો એટલે કે ફોરપ્લે ઉપર રહેલો હોય છે. જેટલો સમય તમે ફોરપ્લેમાં વધારે આપશો એટલો તમારા સાથીને ચરમ સીમાનો અનુભવ જલદી થશે. ફોરપ્લેમાં ઓછામાં ઓછો પંદર થી વીસ મિનિટનો સમય આપવો જોઈએ અને તમારા સાથીને પૂછવું જોઈએ ક્યાં હાથ લગાડું છું, કેવી રીતે હાથ લગાડું છું તો સારું લાગે છે અને તે જગ્યાએ સ્પર્શમાં થોડો સમય વધારે આપવો જોઈએ. આમ છતાં આપના સાથીને આ સમયગાળો ઓછો પડતો હોય તો તમારો ડિસ્ચાર્જ થવાના સમયમાં વધારો કરવો જોઈએ. શીઘ્રસ્ખલન એટલે કે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનની સારવાર માટેના ઉપાયો આપણે આ કોલમમાં ઘણી બધી વાર બતાવી ચૂકયા છીએ આમ છતાં વીર્ય સ્ખલન લંબાવવાના સામાન્ય અને ઘરેલુ ઉપાયોની ચર્ચા એક વાર આપણે ટૂંકમાં કરી લઈએ.

૧. બે સમાગમ વચ્ચેનો સમયગાળો જેટલો વધારે હશે એટલું તમારે સ્ખલન ત્વરિત થઈ જશે. તમે જે બહાનાં કરીને સમાગમ ટાળો છો તેનાથી તો આ સમસ્યા વધારે વકરી જશે માટે સમાગમ નિયમિત કરવાનું રાખજો. આમ કરવાથી ઘણા બધા પુરુષોને શીઘ્ર સ્ખલનમાં ફાયદો થતો જોવા મળેલ છે.

૨. આપને બે બાળકો પણ છે માટે કદાચ હવે આપને બીજાં બાળકોની જરૂર નહીં હોય. માટે જ્યારે પણ તમે સંબંધ રાખો ત્યારે નિરોધનો પ્રયોગ કરજો. નિરોધનો પ્રયોગ કરવાથી પણ શીઘ્ર સ્ખલનમાં ઘણી બધી રાહત જોવા મળતી હોય છે. બજારમાં મળતાં દવાવાળા, લોંગ લાસ્ટિંગ નિરોધનો પ્રયોગ કરવો જોઇએ. આવા નિરોધની અંદર લોકલ એનેસ્થેટિક દવા લગાવવામાં આવેલી હોય છે જેથી ઇન્દ્રિયનો ભાગ સુન્ન થઈ જાય છે અને સ્ખલન લંબાય છે પરંતુ ઘણી બધી વાર આ દવાની આડઅસર રૂપે ઇન્દ્રિયમાં ઢીલાશ અને નપુંસકતા આવતી જોવા મળેલ છે.

૩. સ્ત્રી ઉપર હોય અને પુરુષ નીચે હોય એવા આસનમાં સંભોગ કરવાથી સ્ખલનનો સમય વધતો જોવા મળેલ છે. આ આસનમાં સ્ત્રીના ક્લિટોરિસને વધારે ઘર્ષણ થતું હોય છે. તેના કારણે પણ સ્ત્રી ચરમ સુખનો અનુભવ જલ્દી કરતી હોય છે.

૪. વ્રજરોલી અને અશ્વિની મુદ્રા નામની બે યોગિક ક્રિયાઓ જો નિયમિત કરવામાં આવે તો તેનાથી પેલ્વિક સ્નાયુઓ મજબૂત બને છે અને તેના કારણે સ્ખલન ઉપર કાબૂ મેળવવામાં  ફાયદો થતો હોય છે.

૫. જો તમને ઉપરના ચારેય ઉપાયો કરવા છતાં ફાયદો ના થાય અથવા તો તમને પરિણામ જલ્દી મેળવવું હોય, સ્ખલનનો સમય ધારો એટલો વધારવો હોય તો આધુનિક એલોપેથિક દવાનો ઉપયોગ તમે કરી શકો છો. આ દવાઓથી મોટા ભાગનાં લોકોને દસેક દિવસમાં પરિણામ જોવા મળતું હોય છે. પરંતુ આ તકલીફને જડમૂળથી દૂર કરવા માટે આ દવાઓ લાંબો સમય લેવી પડતી હોય છે.  આમ તો આ દવાઓની કોઈ જ આડઅસર જોવા મળતી નથી છતાં પણ આ દવા છે,  તેથી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જ લેવી જોઈએ.

સેક્સલાઇફ સારી રહે તે માટેની ટીપ્સ

પ્રશ્ન: મારી ઉંમર આડત્રીસ વર્ષની છે. મારા લગ્નને આઠ વર્ષ થવા આવેલ છે. હું અને મારી પત્ની એકબીજાને ખૂબ જ પસંદ કરીએ છીએ અને અમને સેક્સ લાઇફમાં કોઇ જ તકલીફ નથી. અમે હજી પણ અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર જાતીય જીવન એન્જોય કરીએ છીએ. મારે આપની પાસેથી ભવિષ્યમાં અમારી સેક્સલાઇફ આવી જ સારી રહે તે માટેની ટીપ્સ જોઈએ છે.

જવાબ: આપણા સમાજમાં જોવા મળેલ છે કે જે દિવસે લગ્નજીવન શરૂ થાય તેના પંદર- વીસ વર્ષ પછી પણ પતિ-પત્ની એ જ બેડરૂમમાં, મોટાભાગે એક જ સમયે, એક જ આસનમાં અને એક જ પદ્ધતિથી જાતીય જીવન વર્ષોથી માણતાં હોય છે. બટાકાની સૂકી ભાજી ગમે તેટલી સ્વાદિષ્ટ કેમ ના બનતી હોય પરંતુ જો દરરોજ થાળીમાં એ જ બટાકાની સૂકી ભાજી દરરોજ પીરસવામાં આવે તો ધીરે-ધીરે એ ખાવાની રૂચિ ઓછી થતી જાય છે. જાતીય જીવનમાં પણ આવો જ અનુભવ થતો જોવા મળે છે. જે રીતે બટાકાનું શાક અલગ અલગ રીતે બનાવી શકાતું હોય છે તે જ રીતે જાતીય જીવનમાં પણ વિવિધતા લાવવી જરૂરી છે. હું આપને પાર્ટનર બદલવાની વાત નથી કરતો. તમારે બંને જણે જીવનના છેલ્લા શ્વાસ સુધી જો જાતીય જીવન માણવું હોય તો તેને બીબાંઢાળ થતું રોકવું જોઈએ. જેમાં વેરાયટી, વિવિધતા લાવો. જો શક્ય હોય તો કોઈક વાર બેડરૂમ સિવાય ઘરમાં બીજી જગ્યાએ પણ સેક્સ માણવાનો પ્રયત્ન કરો. જુદાં જુદાં આસનનો પ્રયોગ કરો. કોઈક વાર બેડરૂમમાં પૂરેપૂરું અજવાળું હોય તો ક્યારેક ડીમ લાઈટ કરી વાતાવરણ બદલી શકાય છે. તમને મનમાં જે વિચારો સ્ફુરે તેને સેક્સમાં વિવિધતા લાવવા માટે અમલમાં મૂકો. સેક્સમાં જબરજસ્તી કરવાનું ટાળો. બંને જણની ઈચ્છા હોય ત્યારે સેક્સ માણવાથી બંને જણા મનથી આની અંદર ભાગ લેશે. જો અનુભવ સારો હશે, બંને જણને પૂરો સંતોષ મળ્યો હશે તો તમારા સાથી બે દિવસ પછી સામેથી ફરી સેકસની માગણી કરશે. જરૂરી નથી પતિ-પત્ની બંને એક જ સાથે, એક જ સમયે ચરમ સુખ નો અનુભવ મેળવે. જો એક વ્યક્તિને સંતોષ બહુ જલદી થઈ ગયો હોય તો તેણે તેના સાથીને ચરમ સુખ તરફ લઈ જવામાં મદદ કરવી જોઈએ નહીં કે અધવચ્ચે છોડી દેવા જોઈએ. સેક્સને કોઇ એકસપાયરી ડેટ હોતી નથી. તમે જિંદગીના છેલ્લા દિવસ સુધી પણ સેક્સ માણી શકો છો.

પરંતુ જાતીય જીવન જિંદગીના છેલ્લા શ્વાસ સુધી માણવા માટે તમારે સિગરેટ, બીડી, તમાકુ, દારૂ, ગાંજો, ચરસ જેવાં વ્યસનોથી દૂર રહેવું જોઈએ. આ વ્યસનોથી નપુંસકતા આવતી હોય છે. જો તમને નપુંસકતાની બીમારી થાય તો તમે તમારા સાથીની જોડે કેવી રીતે સેક્સ કરી શકશો અને કેવી રીતે જાતીય સંતોષ આપી શકશો? માટે જો તમારે લાંબા સમય સુધી જાતીય જીવન માણવું હોય તો બધાં વ્યસનોને આજથી જ બંધ કરી દો. શરીર તંદુરસ્ત અને સુડોળ રાખો. આના માટે પૌષ્ટિક આહાર અને વ્યાયામ જરૂરી છે. યાદ રાખો જેના પગ ચાલે છે તેની ઇન્દ્રિય પણ ચાલતી રહેતી હોય છે માટે રોજનું બે માઈલ જેટલું ચાલવાનું રાખો.

એકબીજા માટે પ્રેમ અને લાગણી હોવાં એ માત્ર પૂરતું નથી. પોતાના સાથીને એનો અનુભવ કરાવવો અને કહેવું પણ જરૂરી છે. આના માટે એકબીજા માટે પૂરતો સમય આપો. ઉત્તમ સેક્સ માટે એકબીજા પ્રત્યે પ્રેમ અને સન્માન રાખવું એ પાયાની જરૂરિયાત છે. પતિ-પત્ની વચ્ચે મનદુઃખ થાય, કોઈ વાતની બોલાચાલી થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ લડાઈ, ઝઘડા બેડરૂમમાં આવતા પહેલાં પૂરાં કરી નાખો. યાદ રાખો બેડરૂમ માત્ર સૂવા માટે અને પ્રેમ કરવા માટે છે.

શક્ય હોય તો બેડરૂમમાંથી ટીવી અને લેપટોપ દૂર કરી દો અને શક્ય હોય તો એક વાર બેડરૂમમાં આવ્યા પછી તમારા સ્માર્ટફોન સાથે સમય વિતાવવાનો બંધ કરી દો. જાતીય જીવનમાં કોઈ તકલીફ અનુભવાય તો યોગ્ય સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરવામાં સંકોચ ન કરવો જોઈએ. જે રીતે શરીરની બીજી બીમારીઓના ઈલાજ શક્ય છે તે જ રીતે આજની તારીખમાં વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ કરી છે અને સેક્સની તમામ મુશ્કેલીઓની સચોટ સારવાર હવે શક્ય છે.

ઘણી બધી સ્ત્રીઓ જોડે મારે શારીરિક સંબંધ પણ છે

પ્રશ્ન: મારી ઉંમર 25 વર્ષની છે. હું એક મલ્ટીનેશનલ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકેની જોબ કરું છું. મારે ઘણી બધી સ્ત્રી મિત્રો કોલેજમાં ભણતો હતો તે સમયથી જ છે અને ઘણી બધી સ્ત્રીઓ જોડે મારે શારીરિક સંબંધ પણ છે. મને કોન્ડમ વાપરવાનું બિલકુલ ફાવતું નથી. જેથી આજ સુધી હું તેનો ઉપયોગ કરતો નથી. પરંતુ મનમાં એઈડ્સની બીક પણ રહ્યાું કરતી હોય છે. જેથી તેનો વારંવાર ટેસ્ટ પણ હું કરાવતો રહું છું. મારે શું કરવું જોઈએ?

જવાબ: એચઆઈવી અને એઈડ્સનાં લક્ષણો કોઈના મોં ઉપર લખેલાં હોતાં નથી. એક વાર જો બીમારી લાગુ પડી જાય તો એનો ઈલાજ આજની તારીખમાં દુનિયાના કોઈ પણ છેડામાં ઉપલબ્ધ નથી. માટે આપણા પોતાના હિતમાં એ જરૂરી છે કે આને થતો રોકવો જોઈએ. આને રોકવા માટે આજની તારીખમાં એકમાત્ર સચોટ અને સરળ ઉપાય છે કે લગ્નેતર સંબંધો બંધ કરવા જોઈએ અને જો આવા સંબંધો હોય તો ત્યારે હંમેશાં નિરોધનો પ્રયોગ કરવો જ જોઈએ. નિરોધ માત્ર એઈડ્સની સામે રક્ષણ નથી આપતું પરંતુ બીજા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન સામે પણ પ્રોટેક્શન આપે છે અને બિનજરૂરિયાત પ્રેગનેન્સી પણ ટાળે છે. નિરોધ તમને અને તમારા સાથીને આ બધી મુશ્કેલીઓથી દૂર રાખે છે.

અને નિરોધમાં ના ફાવવા જેવું કશું જ નથી હોતું. જે રીતે આપણે પગમાં મોજાં પહેરીએ છીએ એ જ રીતે ઉત્તેજિત અવસ્થામાં ઇન્દ્રિય ઉપર નિરોધ પહેરવાનું હોય છે. આમાં ના ફાવવા જેવું શું છે? આમ પણ તમારે નિરોધ ક્યાં ચોવીસ કલાક પહેરી રાખવાનું હોય છે? એ તો જ્યારે આપ સમાગમ કરો તે વખતે, પ્રવેશ પહેલાં જ પહેરવાનું હોય છે. પ્રેક્ટિસ માટે જ્યારે તમે એકલા હો, જ્યારે તમે હસ્તમૈથુન કરતા હો તે વખતે નિરોધ લગાવવાની પ્રેક્ટિસ કરો. આમ પાંચસાત વખત કરશો તો એની અંદર ફાવટ આવી જશે. બાકી નિરોધ ફાવતું નથી એમ કરી પોતાની અને પોતાના સાથીની જિંદગી જોખમમાં ના મુકાય. જાગ્યા ત્યારથી સવાર સમજી હવેથી હંમેશાં માટે પ્રોટેક્શન વાપરવાનું નક્કી કરો.

Most Popular

To Top