Editorial

ફુગાવો ફુંફાડા મારવા માંડ્યો: દેશની સામાન્ય પ્રજાની સ્થિતિ ઓર બગડશે

ગયા વર્ષે દેશવ્યાપી લૉકડાઉન પુરું થયું અને અનલોકની પ્રક્રિયા શરૂ થઇ પછીના સમયમાં ફુગાવો એકંદરે કાબૂમાં રહ્યો હતો, તે સમયે લોકોની ખર્ચ શક્તિ પણ ઓછી હતી, બજારમાં વસ્તુઓના પુરવઠા સામે માગ ઓછી હતી, ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવો તો ખૂબ નીચા હતા અને ફુગાવાને ઉત્તેજન આપે તેવા બહુ સંજોગો ન હતા. તે સમયે ભય વ્યક્ત કરવામાં આવતો હતો કે જો ફુગાવો વધવા માંડશે, ચીજવસ્તુઓની કિંમતોમાં મોટો વધારો થશે તો આર્થિક તંગીનો માર વેઠી રહેલી પ્રજાને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને આ ભય હવે સાચો પડવા માંડ્યો હોય તેમ લાગે છે. ભારત સહિત વિશ્વભરમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ પછી ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવો ઉછળવા માંડ્યા અને તેમાં પણ ભારતમાં તો પેટ્રોલ અને ડીઝલ પરના ઉંચા વેરાઓએ સ્થિતિ વધુ બગાડી. આજે તો દેશમાં અનેક સ્થળે પેટ્રોલના ભાવ લિટરે ૧૦૦ રૂ.ને પાર જતા રહ્યા છે તો કેટલાક સ્થળે ડીઝલના ભાવે પણ સોનો આંકડો વટાવવા માંડ્યો છે.

અન્ય ચીજવસ્તુઓના ભાવો પણ વધવા માંડ્યા છે અને તેની સામે બેરોજગારી અને ઘટેલી આવકની મુશ્કેલીઓ તો ઘણા અંશે યથાવત જ છે. સોમવારે બહાર પડેલા આંકડાઓ મુજબ જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો મે મહિનામાં વધીને વિક્રમી ૧૨.૯૪ ટકાની સપાટી પર પહોંચ્યો હતો, જે ક્રૂડ ઓઇલ, મેન્યુફેકચર્ડ સામાન અને ગયા વર્ષના લો બેઝના કારણે થયું હતું. જ્યારે ખાદ્ય તેલોની અને પ્રોટિન સમૃદ્ધ ખોરાકી વસ્તુઓની વધતી કિંમતોને કારણે મે મહિનામાં છૂટક ફુગાવો છ મહિનાની ઉંચી ૬.૩ ટકાની સપાટીએ પહોંચ્યો છે. ગયા વર્ષમાં મે મહિનામાં જથ્થાબંધ ભાવસૂચક આંક આધારિત ફુગાવો (-) ૩.૩૭ ટકા હતો અને એપ્રિલ ૨૦૨૧માં આ ફુગાવો ૧૦.૪૯ ટકાના ડબલ ડિજિટમાં પહોંચ્યો હતો. આ સતત પાંચમો મહિનો છે કે જ્યારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ(ડબલ્યુપીએ) આધારિત ફુગાવો ઉપર તરફ જતો દેખાયો છે.

મે ૨૦૨૧માં ફુગાવાનો ઉંચો દર લો બેઝની અસર અને ક્રૂડ પેટ્રોલિયમ, મેન્યુફેકચર્ડ ઉત્પાદનોના ભાવમાં ગયા વર્ષના આ જ મહિનાના ભાવોની સરખામણીમાં વધારાને કારણે પ્રાથમિકપણે દેખાયો છે એ મુજબ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે. લો બેઝની અસરને કારણે ફુગાવો વધુ દેખાતો હોવાની તેની વાત સાચી છે પરંતુ સાથે એ પણ વાસ્તવિકતા છે કે સામાન્ય લોકોને પોતાની આવકના પ્રમાણમાં ચીજવસ્તુઓના ભાવો ઉંચા લાગી રહ્યા છે અને દેખીતી રીતે દેશની સામાન્ય પ્રજા મોંધવારીનો માર વેઠી રહી છે. મેમાં ફ્યુઅલ અને પાવર બાસ્કેટમાં ફુગાવો વધીને ૩૭.૬૧ ટકા થયો છે, જે એપ્રિલમાં ૨૦.૯૪ ટકા હતો. મેન્યુફેકચર્ડ ઉત્પાદનોની બાબતમાં મેમાં ફુગાવો ૧૦.૮૩ ટકા પર ઉભો હતો જે તેની અગાઉના મહિનામાં ૯.૦૧ ટકા હતો. અલબત્ત, ખોરાકી ચીજવસ્તુઓમાં ફુગાવો થોડો હળવો થઇને ૪.૩૧ ટકા થયો હતો. જો કે કાંદાના ભાવો વધ્યા હતા અને કાંદાની બાબતમાં ફુગાવો મે મહિનામાં ૨૩.૨૪ ટકા પર હતો.

સરકારે છૂટક ફુગાવાનો દર ઉપર નીચે બે ટકાની વધઘટ સાથે ૪ ટકા પર રાખવાનું કામ રિઝર્વ બેન્કને સોંપ્યુ છે, પરંતુ નવરચિત મોનેટરી પોલિસી કમિટી(એમપીસી)ની પ્રથમ બેઠક ઓકટોબર ૨૦૧૬માં મળી ત્યારથી અત્યાર સુધીમાં છૂટક ફુગાવાએ ફુગાવાના ટાર્ગેટની ઉપલી સપાટી દસ વખત તોડી છે. આના પરથી એ પણ સાબિત થાય છે કે ફક્ત લૉકડાઉન પછીની મુશ્કેલીઓ જ ઉંચા ફુગાવા માટે જવાબદાર નથી. કોરોનાના રોગચાળા પહેલા પણ અનેક વખતે ફુગાવાના દરે નિયત ટોચની સપાટી તોડી છે. હાલ એપ્રિલમાં આ છૂટક ફુગાવો ૪.૨૩ ટકા હતો તે વધીને મે મહિનામાં ૬.૩ ટકાની છ મહિનાની ઉંચી સપાટી પર પહોંચી ગયો છે. મે મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવાનો દર ૧.૯૬ ટકા પરથી વધીને પ.૦૧ ટકા થઇ ગયો હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ મુજબ મે મહિનામં માંસ અને માછલી, ઇંડા, ફળો, કઠોળ અને તેના ઉત્પાદનોમાં ફુગાવો અનુક્રમે ૯.૦૩, ૧૫.૧૬, ૧૧.૯૮ અને ૯.૩૯ ટકા હતો. જ્યારે ઇંધણ અને લાઇટ કેટેગરીમાં આ છૂટક ફુગાવો ૧૧.૫૮ ટકા હતો. આપણે જોઇ શકીએ છીએ કે મોટા ભાગની કેટેગરીઓમાં ઉંચો ફુગાવો પ્રવર્તી રહ્યો છે.

ગયા વર્ષે દેશવ્યાપી લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું અને તેના પછી અનલોકની પ્રક્રિયા શરૂ થઇ પછી દેશમાં આર્થિક ક્ષેત્રે સ્થિતિ કંઇક સુધરી રહી હતી. અર્થતંત્ર ઝડપભેર રિકવરી હાંસલ કરી લે તેવી આશાઓ પણ જાગી હતી. પરંતુ આ વર્ષના માર્ચના અંતભાગેથી કોરોનાની બીજી અને વધુ કાતિલ લહેર દેશમાં શરૂ થઇ, તેને કારણે અનેક રાજ્યો અને અનેક વિસ્તારોમાં સ્થાનિક લૉકડાઉન કે પછી બીજા નિયંત્રણો લાદવા પડ્યા અને તેથી અર્થતંત્રની ગાડી ફરીથી પાટા પરથી ઉતરી ગઇ. ખાસ કરીને ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના લોકો ભયંકર આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે, લોકોની આવક ઓછી છે અને તેવ સંજોગોમાં હવે ફુગાવો ફૂંફાડા મારવા માંડ્યો છે તે જોતા લાગે છે કે આગામી દિવસોમાં સામાન્ય પ્રજાએ વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

Most Popular

To Top