Business

આ પ્રોજેક્ટ સુરત-નવસારી ટ્વીન સિટી માટે ગેમ ચેન્જર સાબિત થશે..

સુરત: કેન્દ્રના ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોશે બુધવારે જાહેરાત કરી હતી કે, પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ (પીએમ મિત્રા મેગા પાર્ક) યોજના માટે 13 રાજ્ય સરકાર તરફથી કુલ 17 દરખાસ્ત મળી છે. પ્રારંભિક પ્રોજેક્ટ દરખાસ્તો પ્રોજેક્ટ મંજૂરી સમિતિને તપાસ માટે મોકલવામાં આવી છે.

  • ગુજરાતમાંથી એકમાત્ર નવસારીના વાસી-બોરસી માટે પ્રપોઝલ મોકલાઈ
  • ગુજરાતમાંથી નવસારીના જલાલપોરના દરિયાકાંઠાના એકમાત્ર વાસી-બોરસી માટે પ્રપોઝલ મોકલાઈ
  • મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને પંજાબ પણ સ્પર્ધામાં
    કેન્દ્રની 7 મેગા ટેક્સટાઇલ પાર્ક યોજના માટે 13 રાજ્યની 17 દરખાસ્ત

કેન્દ્ર સરકારે 7 પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન અને એપેરલ (પીએમ મિત્ર) પાર્કની સ્થાપના માટે ગ્રીનફિલ્ડ/બ્રાઉનફિલ્ડ સાઇટ્સમાં પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી સહિત વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે 4445 કરોડના ખર્ચે મંજૂરી આપી છે. 2027-28 સુધીનાં સાત વર્ષમાં તમામ રાજ્ય સરકારોને પ્રાથમિક પ્રોજેક્ટ રિપોર્ટ સાથેની દરખાસ્ત મંત્રાલયને વિચારણા માટે મોકલવા વિનંતી કરવામાં આવી હતી. દરખાસ્તો સબમિટ કરવાની છેલ્લી તારીખ 15મી માર્ચ-2022 હતી. ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, પંજાબ, તામિલનાડુ, ઓડિશા જેવાં રાજ્યો આ પાર્ક મેળવવા દાવો કરી રહ્યાં છે.
રાજ્ય સરકારો તરફથી કુલ 17 પ્રારંભીક પ્રોજેક્ટ દરખાસ્તો પ્રાપ્ત થઈ છે. દરખાસ્તો પ્રોજેક્ટ મંજૂરી સમિતિ દ્વારા વિચારણા માટે ચકાસણી હેઠળ છે. PM મિત્રા પાર્ક દીઠ 1 લાખ પ્રત્યક્ષ અને 2 લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન કરે તેવી અપેક્ષા છે.

ગુજરાત સરકાર દ્વારા પીએમ મિત્રા પાર્ક સુરત-નવસારી ટ્વીન સિટી પ્રોજેક્ટના ભાગ સ્વરૂપે નવસારીના જલાલપોર તાલુકાના દરિયા કિનારે આવેલા વાસી-બોરસી ખાતે 1000 એકર જમીન ઉપર સ્થાપવા કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલાઈ છે. આ પ્રોજેક્ટ સુરત-નવસારી ટ્વીન સિટી માટે ગેમ ચેન્જર સાબિત થશે. પીએમ મિત્રા પાર્કની સાથે મીંઢોળા નદી પર સુરતના આભવાને ઊભરાટ સાથે જોડતો બ્રિજ બનવા સાથે નવો ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ વિકસાવાશે. 25,000 કરોડનું ભાવિ મૂડીરોકાણ એક લાખ નવી રોજગારીની તકો ઊભી કરશે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતી અને માજી પ્રમુખ તથા ચેમ્બરની મેગા ટેક્સટાઇલ પાર્ક કમિટીના ચેરમેન બીએસ.અગ્રવાલે PM-MITRA પાર્ક માટે સૂચિત જગ્યા વિશે સાંસદ સી.આર.પાટીલને કરાયેલી રજૂઆતને પગલે રાજ્ય સરકારે જીઆઇડીસીને આ સરકારી જમીન એક્વાયર કરવા આદેશ આપ્યો છે. અને એની ઉપર મેગા પાર્ક નિર્માણની મંજૂરીની મહોર મારી છે.

હવે સુરત અને નવસારી ટ્‌વીન સિટી બનવાની ગતિવિધિઓ તેજ બનશે : આશીષ ગુજરાતી
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી કહે છે કે, સુરત ખાતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ દેશનાં અન્ય શહેરો કે રાજ્યો કરતાં વધારે થયું હોવાથી ચેમ્બર દ્વારા દેશના સાત જેટલા પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ (PM-MITRA) પાર્કમાંથી એક પાર્ક દક્ષિણ ગુજરાતમાં ફાળવવામાં આવે એ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સતત રજૂઆતો કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં નવસારીના ઊભરાટને સુરત શહેરના આભવાને જોડતા મીંઢોળા નદી પર સૂચિત બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે રાજ્ય સરકારે રૂ.470 કરોડ ફાળવવાની જોગવાઇ કરી છે. જેથી હવે સુરત અને નવસારી ટ્‌વીન સિટી બનવાની ગતિવિધિઓ તેજ બનશે.

Most Popular

To Top