Entertainment

રિશી કપૂરની અંતિમ ફિલ્મ ‘શર્માજી નમકીન’ ચાહકોને ભાવુક બનાવી દેશે

રિશી કપૂરને ફરી જોવા જેઓ ઉત્સુક છે તેમના માટે ‘શર્માજી નમકીન’ 31મી માર્ચે આવશે. લાંબો સમય સુધી રોમેન્ટિક ભૂમિકાઓ ભજવનારા રિશી કપૂર પાછલા થોડા વર્ષમાં એવી ફિલ્મોમાં કામ કરતા હતા જેમાં તેમની ભૂમિકા ખૂબ મહત્વની હોય. ‘શર્માજી નમકીન’માં પણ મુખ્ય ભૂમિકા રિશી કપૂર અને પરેશ રાવલની જ છે. સામાન્ય માણસની જિંદગીની વાત આ ફિલ્મમાં છે કે જે જિંદગીમાં નવા અર્થો શોધી શકે છે. આ ફિલ્મમાં રિશી કપૂર અને પરેશ રાવલ પહેલી જ વાર સાથે દેખાશે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે એટલે પણ ઇન્તેજારી વધી ગઇ છે. રિશી સાથે જુહી ચાવલા, સતીશ કૌશિક, શીબા ચઢ્ઢા, ઇશા તલવાર વગેરે કામ કરી રહ્યા છે.

રિશી કપૂરની વિદાયને આવતા મહિનાની ત્રીસમી તારીખે બે વર્ષ પૂરા થશે. ‘મેરા નામ જોકર’ 1970માં આવેલી એ જોતાં 67 વર્ષની જિંદગીમાં 51 વર્ષ સુધી રિશી કપૂરે કામ કર્યું છે. 1973માં ‘બોબી’ આવી પછી તેઓ રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન જેવા બબ્બે મોટા સ્ટાર્સ સામે પણ વટથી ટકી ગયા હતા. અમિતાભ સાથે છેલ્લે ‘102 નોટાઉટ’માં કામ કર્યું ત્યારે બંને જોરાવર લાગ્યા હતા. અમિતાભની જ ‘અગ્નિપથ’ જયારે ઋતિક રોશનના અભિનયમાં બની ત્યારે રિશી ખતરનાક વિલન બન્યા હતા. રિશી કયારેય ન હારનારા અભિનેતા હતા અને પરદા પર તેઓ હોય તો પ્રેક્ષકો તેને જોઇ રહેતા. પિતા રાજકપૂરના અભિનયનો વારસો રિશીને જ મળ્યો હતો. અનેક વાર પ્રેમીની જ ભૂમિકા ભજવી છતાં પ્રેક્ષકો તેનાથી થાકયા ન હતા. કારણ કે તે મૂળભૂત રીતે જ રોમેન્ટિક હતા. તમે તેને ‘બોબી’માં જુઓ ‘રફુચક્કર’માં જુઓ ‘ખેલ ખેલ મેં’ જુઓ, ‘લયલા મજનુ’માં જુઓ, ‘કભી કભી’માં જુઓ , ‘દૂસરા આદમી’માં જુઓ કે ‘પ્રેમરોગ’, ‘હીના’માં જુઓ. રિશી ફ્રેશ જ લાગશે. ‘અમર અકબર એન્થની’માં અમિતાભ, વિનોદ ખન્ના સામે તે એ પ્રભાવી રહે છે. કોમેડીમાં પણ તે ઉત્તમ હતા તે પણ તેમાં અનુભવાશે. મ્યુઝિકલ ફિલ્મોમાં તો તેઓ એકદમ છવાઇ જતાં. ‘હમ કિસીસે કમ નહીં’, ‘કભી કભી’ યા ‘કર્ઝ’ની લાઇફ રિશી કપૂરને કારણે જ છે. ડાન્સમાં તેઓ જબરદસ્ત હતા. ‘સાગર’ ફિલ્મના પ્રેમી યા ‘ચાંદની’ના પ્રેમી એક નથી. ‘સરગમ’માં તેમણે જયા પ્રદા સાથે જાણે જાદુ કરેલો.

પાછલા વર્ષોમાં ‘હમ તુમ’, ‘ફના’, ‘નમસ્તે લંડન’, ‘લવ આજકલ’માં સહાયક ભૂમિકા ય ભજવી અને ‘અગ્નિપત’, ‘ઔરંગઝેબ’, ‘કાંચી’ અને ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’માં પોતાની ઇમેજથી જૂદી ભૂમિકાઓ કરી. ‘ડી-ડે’માં તેમણે દાઉદ ઇબ્રાહીમનું પાત્ર ભજવેલું. તેમની છેલ્લી છેલ્લી ફિલ્મોમાં ‘કપૂર એન્ડ સન્સ’, ‘બેશર્મ’, ‘રાજમા ચાવલ’, ‘ધ બોડી’, ‘દો દૂની ચાર’ છે અને તેમાં એક જરા નોખી ‘મુલ્ક’ છે. હવે ‘શર્માજી નમકીન’ આવી છે જે આ બધી ફિલ્મો યાદ કરતાં જોશો તો ભાવુક બનાવી દેશે આ ફિલ્મનું ચાર જ દિવસનું શૂટિંગ બાકી હતું ને રિશી કપૂરે વિદાય લીધેલી. પરેશ રાવલે એ બાકી રહેલા દૃશ્યોને પૂરા કર્યા છે. આ ફિલ્મ વિદાય પામેલા રિશીજીની અંતિમ વિદાય જેવી બની રહી.

Most Popular

To Top