Dakshin Gujarat

નવસારીમાં 9.9 ડિગ્રી સાથે હાડ થીજવતી ઠંડી, બારડોલીમાં 10 ડિગ્રી તાપમાન

નવસારી: (Navsari)) નવસારીમાં આજે લઘુત્તમ તાપમાનમાં (Temperature) દોઢ ડીગ્રીનો ઘટાડો થયો હતો. જયારે મહત્તમ તાપમાનમાં એક ડીગ્રીનો ઘટાડો થતા નવસારીમાં હદ થીજવતી ઠંડી પડી હતી. જયારે આજે સિઝનનો બીજો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. નવસારીમાં ગત 14મીએ લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાતા સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. પરંતુ ત્યારબાદ ફરી લઘુત્તમ તાપમાનમાં વધારો-ઘટાડો થઇ રહ્યો હતો. ગત રોજ લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી પડી હતી. આજે મંગળવારે લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી અને મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડ્યું હતું.

આજે મંગળવારે લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી ગગડતા 9.9 ડિગ્રી નોંધાતા હાડ થીજવતી ઠંડી પડી હતી. જેથી આજે સિઝનનો બીજો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. સાથે જ મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડતા 25 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 94 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 47 ટકા જેટલું ઓછું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 4.8 કિ.મી. ની ઝડપે ઠંડા પવનો ફૂંકાયા હતા.

બારડોલીમાં તાપમાનનો પારો 10 ડિગ્રી પહોંચ્યો
બારડોલી : છેલ્લા બે દિવસથી બારડોલીના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ગતિએ વાતો ઠંડો પવન લોકોને રીતસર ધ્રુજાવી રહ્યો છે. બારડોલીમાં રાત્રિ દરમ્યાન તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

આખો દિવસ ઠંડા પવનને કારણે લોકોને દિવસના પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સ્વેટર સહિતના ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવાની ફરજ પડી રહી છે. ઉત્તરભારતમાં થઈ રહેલી હિમ વર્ષાની અસર સુરત જિલ્લામાં જોવા મળતા ઠંડીની અસર જોવા મળી રહી છે. બે દિવસથી આકાશમાં વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. સાથે જ ઠંડો પવન પણ વાય રહ્યો છે. બારડોલીની વાત કરવામાં આવે તો રાત્રિ દરમ્યાન અહીંનું તાપમાન 10 ડિગ્રી સુધી નીચું જઇ રહ્યું છે. જેને કારણે લોકો રીતસરના ધ્રુજી રહ્યા છે. ઠંડીથી બચવા માટે લોકો ગરમ પીણાં અને અલગ અલગ પ્રકારના વસાણાંનો સ્વાદ લઈ રહ્યા છે. સાથે જ રાત્રિ દરમ્યાન સોસાયટીઓ અને મહોલ્લાઓમાં લોકો તાપણુંનો સહારો લઈ ઠંડીમાં રાહત મેળવવાનો પ્રયાસ કરતાં નજરે પડે છે. મહત્વની વાત એ છે કે, ઠંડીથી પાકને બચાવવા માટે જિલ્લામાંથી કેટલાક સૂચનો પણ બહાર પાડવામાં આવ્યા છે. જેનો ખેડૂતોને અમલ કરવા જણાવવામાં આવી રહ્યું છે.
ફોટો

Most Popular

To Top