અમદાવાદ,
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને કારકિર્દી પસંદગીમાં માર્ગદર્શન પૂરું પાડતું ‘કારકિર્દીનાં ઉંબરે – ધોરણ 12 પછી શું?’ પુસ્તકની 21મી આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોંગ્રેસના કેન્દ્ર તથા ગુજરાતના સીનીયર અગ્રણીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ મનીષ દોશી અને તેમના સહયોગીઓ દ્વારા સતત 21મા વર્ષે આ કારકિર્દી માર્ગદર્શન પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. છેલ્લા 30 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય ડૉ. મનીષ દોશી વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવા માટે કાર્યરત છે.
વિમોચન પ્રસંગે મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે શિક્ષણ સમાજના સશક્તિકરણનું સૌથી અસરકારક સાધન છે. ‘કારકિર્દીનાં ઉંબરે’ માત્ર એક પુસ્તક નહીં પરંતુ ગુજરાતના લાખો યુવાનોને ભવિષ્ય માટે યોગ્ય દિશા બતાવતો પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે ધોરણ-10 અને ધોરણ-12 પછી વિદ્યાર્થીઓ સામે અનેક કારકિર્દી વિકલ્પો ઉપલબ્ધ હોય છે, ત્યારે યોગ્ય માર્ગદર્શન અત્યંત જરૂરી બની જાય છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકાથી કોંગ્રેસ પક્ષ આ પુસ્તક મારફતે ખાસ કરીને સરહદી અને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. મોંઘી કેરિયર કાઉન્સેલિંગ ફી ચૂકવી શકતા ન હોય તેવા પરિવારો માટે આ પુસ્તક માર્ગદર્શક સાબિત થઈ રહ્યું છે.
સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ધોરણ-10 અને 12 પછી વિદ્યાર્થીઓ માટે અનેક વિકલ્પો ખુલ્લા હોય છે, પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે ઘણી પ્રતિભાઓ પાછળ રહી જાય છે. શિક્ષણ ક્ષેત્રે ડૉ. મનીષ દોશીના ત્રણ દાયકાના અનુભવનો નિચોડ આ પુસ્તકમાં જોવા મળે છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં માત્ર અભ્યાસક્રમોની માહિતી જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં મૂલ્યનિષ્ઠા અને વ્યક્તિત્વ વિકાસ માટેની માહિતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
300થી વધુ કોર્સ અને કારકિર્દી વિકલ્પોની માહિતી
ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે પુસ્તકમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ધોરણ-10 અને 12 પછી ઉપલબ્ધ 300થી વધુ અભ્યાસક્રમોની વિગતવાર માહિતી આપવામાં આવી છે. ઉપરાંત રાજ્ય અને દેશની વિવિધ કોલેજો, કોર્સ, પ્રવેશ પરીક્ષાઓ, સ્કોલરશિપ, એજ્યુકેશન લોન અને બેઠકોની સંખ્યા જેવી મહત્વપૂર્ણ માહિતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પુસ્તકમાં 40થી વધુ પ્રવેશ પરીક્ષાઓ, રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ભવિષ્યમાં રોજગારીની વધુ તકો ધરાવતા ક્ષેત્રો વિશેની માહિતી પણ સમાવાઈ છે. વિદ્યાર્થીઓને કારકિર્દી પસંદગી માટે જરૂરી કૌશલ્ય, યોગ્ય ક્ષેત્રની પસંદગી અને કારકિર્દી પાથ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.