સુરતના પૉશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી લક્ઝુરિયસ વેકેન્જા સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આભવા રોડ પર આવેલા આઈ બિલ્ડિંગના 11મા માળે રહેતું અગ્રવાલ દંપતી સાવનમલ અને ગીતાદેવી લિફ્ટમાં નીચે જવા માટે બેઠા હતા. જોકે, લિફ્ટ અચાનક ટેકનિકલ ખામીના કારણે વચ્ચે જ બંધ પડી ગઈ અને બંને અંદર ફસાઈ ગયા.
ઘટનાને વધુ ગંભીર બનાવતી બાબત એ હતી કે લિફ્ટની અંદર મોબાઈલ નેટવર્ક પણ મળતું ન હતું. દંપતીએ મદદ માટે અનેકવાર ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો નહીં. લિફ્ટમાં બંધ થઈ જતાં અને લાંબા સમય સુધી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતા બંને ભારે ગભરાઈ ગયા હતા.
સમય પસાર થતો જતા પરિસ્થિતિ વધુ કઠિન બનતી ગઈ. અંદરથી સતત બૂમાબૂમ કરવા છતાં શરૂઆતમાં કોઈને જાણ થઈ નહોતી. આશરે એક કલાક સુધી મદદ માટે પોકાર કર્યા બાદ બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડનું ધ્યાન આ તરફ ગયું.જે બાદ સિક્યોરિટીએ તાત્કાલિક સુરત ફાયર વિભાગને જાણ કરી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરાવવામાં આવી.
ફાયર વિભાગ પાસે થી મળતી માહિતી મુજબ વેસુ ફાયર સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ સ્થિતિનું નિરીક્ષણ કરીને આધુનિક સાધનોની મદદથી લિફ્ટનો દરવાજો ખોલવાની કામગીરી હાથ ધરી. માત્ર 15 મિનિટની જહેમત બાદ લિફ્ટનો દરવાજો ખોલી દંપતીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.
એક કલાક સુધી લિફ્ટમાં કેદ રહેલા દંપતીને બહાર કાઢતા પરિવારે અને સોસાયટીના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લિફ્ટની નિયમિત સુરક્ષા તપાસ અને ઇમરજન્સી વ્યવસ્થાની જરૂરિયાત પર ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.