Gujarat

1200થી વધુ પરિવારો મુશ્કેલીમાં, ટ્રેઝરી વિભાગની મંજૂરી બાદ પણ પગાર ન મળતા કર્મચારીઓમાં રોષ

શૈક્ષણિક સત્ર પૂર્વે આર્થિક સંકટ વધુ ઘેરાયું: સુરત મહાનગરપાલિકા (SMC) હેઠળ નેશનલ રૂરલ હેલ્થ મિશન (NRHM) અંતર્ગત કરાર આધારિત ફરજ બજાવતા આશરે 1200 કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગાર વિના કામ કરી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. પગાર નહીં મળતા કર્મચારીઓ અને તેમના પરિવારોની આર્થિક સ્થિતિ દયનીય બની ગઈ હોવાનું જાણવા મળે છે.માહિતી મુજબ, રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટના આધારે કર્મચારીઓના પગારનું ચુકવણું કરવામાં આવે છે. જોકે સરકાર તરફથી ગ્રાન્ટ મળવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગાર ચૂકવવામાં વિલંબ થતો હોવાનો કર્મચારીઓનો આક્ષેપ છે.

ટ્રેઝરી વિભાગમાંથી મંજૂરી મળી હોવાનો દાવો
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરત જિલ્લા ટ્રેઝરી વિભાગમાંથી જરૂરી એપ્રુવલ મળી ચૂક્યું છે. આ મંજૂરી મળ્યા બાદ સામાન્ય રીતે બે દિવસની અંદર કર્મચારીઓના ખાતામાં પગાર જમા થઈ જતો હોય છે. છતાં અત્યાર સુધી પગાર ન મળતા તમામ કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.કર્મચારીઓનું કહેવું છે કે છેલ્લા બે મહિનાથી પગાર ન મળવાને કારણે ઘરખર્ચ ચલાવવો મુશ્કેલ બની ગયો છે. દૈનિક જરૂરિયાતો ઉપરાંત બાળકોની સ્કૂલ ફી, નોટબુક-ટેક્સ્ટબુક અને શૈક્ષણિક ખર્ચ માટે પણ કર્મચારીઓએ ઉધાર લેવાની ફરજ પડી રહી છે.

શૈક્ષણિક સત્ર શરૂ થતાં ચિંતા વધી
આગામી દિવસોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો હોવાથી કર્મચારીઓની મુશ્કેલી વધુ વધી છે. સ્કૂલ ફી, યુનિફોર્મ, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે મોટી રકમની જરૂરિયાત ઉભી થઈ છે. પગાર ન મળવાને કારણે અનેક પરિવારો આ ખર્ચ ઉઠાવવામાં અસમર્થ બન્યા હોવાનું જાણવા મળે છે.કર્મચારીઓએ જણાવ્યું છે કે સતત બે મહિનાથી પગાર અટકતા બેન્કની EMI, ઘરભાડું, વીજળીના બિલ અને અન્ય આવશ્યક ખર્ચ પણ અસરગ્રસ્ત બન્યા છે. જેના કારણે અનેક પરિવારો આર્થિક અને માનસિક દબાણનો સામનો કરી રહ્યા છે.

મનપાનો જવાબ શું?
બીજી તરફ સુરત મહાનગરપાલિકા તરફથી કર્મચારીઓને જાણ કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે કે સરકારી ગ્રાન્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી બે-ત્રણ દિવસમાં તમામ કર્મચારીઓના પગારનું ચુકવણું કરી દેવામાં આવશે. મનપાના જણાવ્યા મુજબ જિલ્લા ટ્રેઝરીમાંથી મંજૂરી મળી ગઈ છે અને જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ પગાર જમા કરવામાં આવશે.

કર્મચારીઓમાં હજુ પણ અનિશ્ચિતતા
મનપા તરફથી ટૂંક સમયમાં પગાર ચુકવવાની ખાતરી આપવામાં આવી છે, તેમ છતાં છેલ્લા બે મહિનાથી રાહ જોતા કર્મચારીઓમાં હજુ પણ અનિશ્ચિતતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે સમયસર પગાર મળવો તેમનો મૂળભૂત અધિકાર છે અને આવા વિલંબથી તેમના પરિવારના જીવનનિર્વાહ પર સીધી અસર પડે છે.

સમયસર પગાર ન મળતા 1200થી વધુ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે હાલની સ્થિતિ ગંભીર બની છે. હવે આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકા પોતાના વચન મુજબ પગાર ચુકવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

Most Popular

To Top