સુરત શહેરમાં સીએનજી (CNG) ગેસના વધતા ભાવો સામે રિક્ષાચાલકોનો અસંતોષ હવે ખુલ્લેઆમ રસ્તા પર જોવા મળી રહ્યો છે. રવિવારથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનના પગલે ડિંડોલી, સાઈ પોઈન્ટ, મીઠાલાલ ફાટક સહિતના ઔદ્યોગિક અને પરપ્રાંતિય વિસ્તારોમાં ઓટો રિક્ષા સેવા મોટા પાયે ખોરવાઈ ગઈ હતી. સવારથી જ મોટી સંખ્યામાં રિક્ષાચાલકો એકત્ર થતા અનેક સ્થળોએ પરિવહન વ્યવસ્થા અસ્તવ્યસ્ત બની ગઈ હતી.
રિક્ષાચાલકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં સીએનજી, એન્જિન ઓઇલ, ટાયર અને સ્પેરપાર્ટ્સના ખર્ચમાં સતત વધારો થયો છે, જેના કારણે હાલના ભાડા દરે રિક્ષા ચલાવવી આર્થિક રીતે અશક્ય બની રહી છે. તેઓ મુસાફર દીઠ ભાડામાં પાંચ રૂપિયાનો વધારો કરવાની માંગ સાથે મેદાનમાં ઉતર્યા છે.
વિરોધ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હડતાળમાં સામેલ ન થયેલા રિક્ષાચાલકોને પણ રોકવામાં આવ્યા હતા. મુસાફરો ભરેલી રિક્ષાઓ અટકાવાતા વિદ્યાર્થીઓ, મહિલાઓ અને નોકરીયાત વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.જ્યારે કેટલાક કિસ્સાઓમાં શાળાએ જતાં વિદ્યાર્થીઓને અધવચ્ચે જ ઉતારી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે, જેના કારણે વાલીઓમાં નારાજગી ફેલાઈ હતી.
હડતાળની અસર ખાસ કરીને ફેક્ટરી કર્મચારીઓ, દૈનિક મુસાફરો અને વિદ્યાર્થીઓ પર વધુ જોવા મળી હતી. જાહેર પરિવહનના મર્યાદિત વિકલ્પોને કારણે લોકો લાંબા સમય સુધી વાહનની રાહ જોતા નજરે પડ્યા હતા. અનેક સ્થળોએ ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી ગઈ હતી.
આ દરમિયાન કેટલાક રિક્ષાચાલકોએ પોતાની રિક્ષા પર નવા ભાડા દર્શાવતા સ્વનિર્મિત રેટ કાર્ડ લગાવી દીધા હતા. જોકે આ દરોને હજુ સુધી કોઈ સત્તાવાર મંજૂરી મળી નથી. હાલ રિક્ષાચાલકો અને મુસાફરો વચ્ચે ભાડા મુદ્દે મતભેદ વધતા જોવા મળી રહ્યા છે. જો વહીવટી તંત્ર વહેલી તકે મધ્યસ્થતા નહીં કરે તો આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી.