Gujarat

ગાંધીનગરમાં ANTFની કાર્યવાહી: ઠલજ ગામની સીમમાંથી 4.68 કિલો ગાંજા સાથે ત્રણ ઝડપાયા, બે આરોપી ફરાર

ગાંધીનગર,

ગાંધીનગર ઝોનની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ નશીલા પદાર્થોના વેપાર સામે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. કલોલ તાલુકાના ઠલજ ગામની સીમ વિસ્તારમાંથી પોલીસે 4 કિલો 680 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને ઝડપી પાડ્યા છે. જ્યારે આ કેસના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ANTF ગાંધીનગર ઝોનની ટીમે 30 મે, 2026ના રોજ ઠલજ-ખાજ રોડ પર રેલ્વે નાળા પાસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે ગાંજાના જથ્થા સાથે આરોપીઓને ઝડપી લીધા હતા.પોલીસે આરોપીઓ પાસેથી 4.680 કિલો ગાંજો, બે મોબાઈલ ફોન, એક મોટરસાયકલ અને રોકડ રકમ સહિત કુલ રૂ. 3.47 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓમાં (૧) ચંન્દ્રપ્રસાદ ઉર્ફે ચંદન બિહારી યોગેન્દ્ર મહતો (ઉ.વ. ૪૨), (૨) શુભમભાઈ દેવાભાઈ સેનવા (ઉ.વ. ૨૫) અને 16 વર્ષીય એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનો સમાવેશ થાય છે.પોલીસે આ કેસમાં ૧) વાસુદેવભાઈ વાસણભાઈ, (૨) ઠાકોર બળદેવ નાગોજીને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની શોધખોળ શરૂ કરી છે.

આ મામલે સાંતેજ પોલીસ મથક ખાતે નશીલા દ્રવ્યો ધારાની 8(સી), 20(બી)(2)(બી) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર કાર્યવાહી ANTF ગુજરાતના પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ જે બલોચના માર્ગદર્શન હેઠળ ડિટેક્ટિવ પોલીસ ઇન્સ્પેક્ટર એન આર પટેલ તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.પોલીસ હવે ફરાર આરોપીઓની ધરપકડ અને નશીલા પદાર્થોના સપ્લાય નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.

Most Popular

To Top