સુરત: શહેરીજનો જે પ્રોજેક્ટની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ હવે જૂન-2026માં શરૂ થઈ જશે તેમ જાણવામાં આવી રહ્યું છે. સુરતના લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો નહીં કરવો પડે એ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 12 હજાર કરોડથી વધુ રકમના ખર્ચે સુરત શહેરમાં મેટ્રો રેલ દોડાવવાનું આયોજન કરાયું છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અગાઉ માર્ચ-2025 સુધીમાં મેટ્રોનો એક ફેઝ શરૂ થઈ જશે તેમ જણાવાયું હતું. પરંતુ હજી પણ સ્થળ પર જે રીતે કામગીરી ચાલી રહી છે તે જોતાં માર્ચ માસના અંતમાં કોઈપણ ફેઝ ચાલુ થાય તેમ જણાઈ રહ્યું નથી. હવે જૂન-2026માં સમગ્ર શહેરમાં મેટ્રો ફૂલફ્લેજમાં એટલે કે, મેટ્રોના બંને ફેઝ કાર્યરત થઈ જશે તેમ જાણવામાં આવ્યું છે. તે પહેલાં બંને કોરિડોરમાં કોઈ ફેઝની કામગીરી પૂર્ણ થઈ જશે તો તે ખુલ્લો મુકાશે તેમ જણાવવામાં આવ્યું છે.
તા.18 જાન્યુઆરી-2021થી મેટ્રો રેલની કામગીરીનાં શ્રીગણેશ થયાં હતાં. 40.45 કિલોમીટરના બે રૂટ ઉપર તબક્કાવાર મેટ્રો રેલ દોડશે, જેમાં ડ્રીમ સિટીથી સરથાણા (ડાયમંડ કોરિડોર) અને સારોલીથી ભેંસાણ (ટેક્સટાઈલ કોરિડોર) છે. શહેરમાં હાલમાં બંને ફેઝની કામગીરી ચાલી રહી છે. 5 વર્ષથી મેટ્રોની ચાલી રહેલી કામગીરીને કારણે શહેરીજનો હવે હાય તોબા પોકારી ઊઠ્યા છે.
ટ્રાફિકની પરેશાનીની સાથે સાથે લોકોના ધંધા-રોજગાર પર પણ મોટી અસર પડી છે ત્યારે હવે આ પ્રોજેક્ટ શરૂ થાય તેની શહેરીજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જેથી આ સમસ્યાનો કોઈ અંત આવે. પરંતુ મેટ્રોના સત્તાધીશોના જણાવ્યા અનુસાર જૂન-2026 સુધીમાં મેટ્રો ફુલફ્લેજમાં શરૂ થઈ જશે તેમ જણાવાયું છે. આ તારીખ બાદ મેટ્રોના શુભારંભ માટે નવી કોઈ તારીખ ના આવે તેવી આશા શહેરીજનો રાખશે.
કયા ફેઝમાં કેટલી કામગીરી પૂર્ણ થઈ?
ડાયમંડ કોરિડોર (સરથાણાથી ડ્રીમ સિટી, કુલ લંબાઈ 22.77 કિ.મી.)
- ડાયમંડ કોરિડોરમાં આજદિન સુધીમાં 91 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો કરાયો છે.
- જેમાં એલિવેટેડ રૂટમાં કુલ 534 પીલર પૈકીના 488 પીલરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
- અંડરગ્રાઉન્ડ ટનલ (કાપોદ્રાથી ચોકબજાર)માં યુજી-1ની ટનલ તૈયાર છે અને યુજી-2માં 50 ટકા ટનલ બનાવી દેવાઈ છે.
ટેક્સટાઈલ કોરિડોર (સારોલીથી ભેંસાણ, કુલ લંબાઈ 19.26 કિ.મી)
- ટેક્સટાઈલ કોરિડોરમાં આજદિન સુધીમાં કુલ 86 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો કરાયો છે.
- જેમાં સમગ્ર એલિવેટેડ રૂટ છે. કુલ 600 પીલર પૈકી 515 પીલરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
એલિવેટેડ રૂટમાં હાલમાં શું કામગીરી ચાલી રહી છે?
મેટ્રોના બંને કોરિડોરમાં એલિવેટેડ રૂટ છે, જેમાં હાલ બાકીના પીલર તૈયાર કરવામાં આવી રહ્યા છે. પીલર બની ગયા બાદ પછી સ્પાન ઊભા કરવા, ટ્રેક નાંખવા, પાવર સપ્લાય, સિગ્નલિંગ, ટેલિકોમ્યુનિકેશન વગેરેની કામગીરી શરૂ કરવામાં આવશે.
અંડરગ્રાઉન્ડ રૂટમાં શું કામગીરી ચાલી રહી છે?
અંડરગ્રાઉન્ડ રૂટ કે જે કુલ 7 કિ.મી.નો છે, જેમાં પ્રથમ ફેઝ સરથાણાથી ડ્રીમ સિટીના રૂટમાં કાપોદ્રાથી ચોકબજાર સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે. તેમાં 2 તબક્કામાં ટનલ બનાવવામાં આવી રહી છે. યુજી-1 કે જેમાં કાપોદ્રાથી સેન્ટ્રલ વેરહાઉસની ટનલ સંપૂર્ણ બની ચૂકી છે. એટલે કે, ટનલનું કામ 100 ટકા પૂર્ણ કરી દેવાયું છે, જેમાં હવે અપ અને ડાઉન એમ બે લાઈન વચ્ચે ક્રોસ પેસેજ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
યુજી-1માં ટીબીએમ (ટનલ બોરિંગ મશીન)ની કામગીરી સંપૂર્ણ થઈ ચૂકી છે. તેમજ યુજી-2 એટલે કે, સુરત રેલવે સ્ટેશનથી ચોકબજારમાં ટનલની કામગીરી 50 ટકા બાકી છે. આ ટનલની કામગીરી બાદમાં શરૂ થઈ હતી એટલે તેની કામગીરી હજી બાકી છે.
મેટ્રોની કામગીરીમાં વિલંબનાં કારણો શું છે?
- જમીનનો કબજા લેવામાં વિલંબ
- ભૂગર્ભની લાઈનોમાં નકશા ઉપલબ્ધ ન હોય, લાઈન શિફ્ટિંગમાં વિલંબ
- રાત્રિ શિફ્ટનાં કામો પર પ્રતિબંધ
- ગીચ વસતીવાળા વિસ્તારોમાં દિવસના સમયે ટ્રાફિકની ભીડ
- ઘણી જગ્યાઓ રૂટમાં પોલાણો અને ટ્યુબવેલો આવતાં તે હટાવવામાં વિલંબ
