Sports

IPLનો ક્રેઝ: 52 હજાર લોકોએ ઓનલાઇન પાર્કિંગ બુક કરાવ્યું, કાફેમાં મૂકાઇ સ્ક્રીનો

અમદાવાદ: IPLની 15મા સિઝનની સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ બાકી છે. આ બંને મેચો અમદાવાદમાં (Ahemdabad) આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાવવાની છે. પ્રથમ વાર ગુજરાતનું નેતૃત્વ કરનારી ટીમ ‘ગુજરાત ટાઈટન્સ’ ગુજરાતના અમદાવાદમાં IPLની ફાઇનલ મેચ રમશે. આ વખતે 1.32 લાખની ક્ષમતા સાથે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં (Narendra Modi Cricket Stadium) પ્રક્ષકો આવી શકે છે. તેથી મેચો માટે લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં IPLની બંને મેચ માટે 52 હજાર લોકોએ ઓનલાઈન પાર્કિંગ (Online parking booking) બુક કરાવ્યું છે તેમજ સ્ટેડિયમની આસપાસની સોસાયટીઓ અને ચાલીઓમાં પણ ચાર્જ આપીને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. શનિવારે ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટકરાશે, જ્યારે રવિવારે ફાઇનલ મેચ રમાશે.

શો માય પાર્કિંગ એપની મદદથી અગાઉથી જ પાર્કિંગની વ્યવસ્થા
મેચનો આનંદ માણવા આવનારા લોકોમાં પાર્કિંગ એક મોટી સમસ્યા બની જતી હોય છે. તેથી જેમ સ્ટેડિયમમાં સીટ માટે બુકિંગ કરવામાં આવે છે તેવી રીતે આ વખતે શો માય પાર્કિંગ એપની મદદથી મેચ જોવા આવનારા લોકો વાહનના પાર્કિંગનું સ્થળ અગાઉ નક્કી કરે શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જે લોકોએ આ એપ દ્વારા બુકિંગ ન કરી હોય તેમને પાર્કિંગને લઇને કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે સ્ટેડિયમની આસપાસની સોસાયટી, દુકાનો અને ચાલીઓમાં ટૂ-વ્હીલ પાર્કિંગ માટે 100 અને ફોર-વ્હીલ પાર્કિંગ માટે 200 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. આ વખતે તો લોકોમાં એટસો ક્રેઝ છે કે અત્યાર સુધીમાં બંને મેચ માટે 52 હજાર લોકોએ ઓનલાઈન પાર્કિંગ બુક કરાવ્યું છે. આ સિવાય ટૂ-વ્હીલર માટે 8 અને ફોર-વ્હીલર માટે 23 પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા છે.

બે દિવસના પાર્કિંગ માટે પ્રેક્ષકો પાસેથી 27 લાખ રૂપિયા જેટલી રકમ વસૂલાશે
શો માય પાર્કિંગ એપની મદદથી મેચ જોવા આવનારા લોકો વાહનના પાર્કિંગ માટે અગાઉથી જ સ્થળ બુક કરાવી રહ્યા છે. જેમાં પાર્કિગ સ્લોટ બુક કરતા સમયે જ લોકોએ પેમેન્ટ કરી દેવાનું રહેશે. જે માટે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં વાહન પાર્ક કરવા માટે પ્રેક્ષકોએ પાર્કિંગના પૈસા ઓનલાઇન ચૂકવવા પડશે. આ માટે પ્રેક્ષકોને ટૂ-વ્હીલર્સ પાર્કિંગ માટે 50 રૂપિયા અને કાર માટે 150 રૂપિયા ચૂકવવા પડશે. જો કે માત્ર શુક્રવાર અને રવિવારના બે દિવસના પાર્કિંગ માટે 27 લાખ રૂપિયા જેટલી રકમ વસૂલાશે. તેમજ ટ્રાફિક વ્યવસ્થાનાને ધ્યાનમાં લેતાં 14 જેટલી ક્રેન પણ સ્ટેડિયમની આસપાસ રહેશે. આ સાથે સ્ટેડિયમમાં આવેલા તમામ પાર્કિંગ પ્લોટમાં CCTV કેમેરા અને એક ટ્રાફિક કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી ટ્રાફિક વ્યવસ્થામાં મુશ્કેલીઓ ન પડે.

શહેરના હાઈવે પર આવેલા કાફેમાં સ્ક્રીન ગોઠવવામાં આવી
IPLની ફાઈનલ મેચ રવિવારે અમદાવાદમાં યોજાનારી છે અને એમાં પણ ફાઇનલ્સમાં ગુજરાત ટાઇટન્સ છે, તેથી ગુજ્જુવાસીઓનો ઉત્સાહ વધી ગયો છે. આ વચ્ચે શહેરની પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની મોટી સોસાયટીઓમાં તો મેમ્બર્સ ભેગા મળીને મોટી સ્ક્રીન ગોઠવીને એકસાથે બેસીને ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચનો આનંદ લેશે. તેમજ શહેરના હાઈવે પર આવેલા નાના-મોટા કાફેમાં પણ સ્ક્રીનો ગોઠવવામાં આવી રહી છે. અમદાવાદમાં વીકેન્ડ પર 7 જેટલી એક્સપરિમેન્ટલ સ્પેસ પર 21 જેટલાં વિવિધ પર્ફોર્મન્સ થાય છે, પરંતુ આ વખતે IPLને કારણે તેમાં પણ ઘટાડો થયો છે.

Most Popular

To Top