અમદાવાદ,
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યના શહેરો માટે પક્ષનું મહત્વકાંક્ષી ‘વિઝન ડોક્યુમેન્ટ’ અને ચૂંટણીલક્ષી ‘થીમ સોંગ’ લોન્ચ કર્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર જેવા મહાનગરોની ઓળખને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલા આ વિઝન ડોક્યુમેન્ટમાં કોંગ્રેસે ૨૦ વર્ષથી વધુ સમયના ભાજપના શાસન સામે સવાલો ઉઠાવ્યા છે અને ‘સર્વસમાવેશી વિકાસ’નું વચન આપ્યું છે. અમિત ચાવડાએ શાસકો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે , શહેરી નાગરિકો પાસેથી બેફામ ટેક્સ વસૂલાયા છે પરંતુ તેનો કોઈ હિસાબ આપવામાં આવ્યો નથી. આ વિઝન ડોક્યુમેન્ટ દ્વારા કોંગ્રેસે મુખ્ય પાંચ સ્તંભો પર ભાર મૂક્યો છે, જેમાં દરેક મજૂર, રેંકડીવાળા અને મધ્યમ વર્ગના ગૌરવની રક્ષા સાથે ‘સર્વસમાવેશિતા’ને પ્રાધાન્ય આપ્યું છે.
ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતના શહેરો માત્ર વિકાસ નથી કરી રહ્યા, પરંતુ મોટા સપનાઓ પણ જોઈ રહ્યા છે. જોકે, તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આ વિકાસનો લાભ દરેક નાગરિક સુધી પહોંચી રહ્યો છે? છેલ્લા ૨૦ વર્ષથી શાસનમાં રહેલા તંત્ર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે શહેરોમાં વસૂલાતા ટેક્ષનો હિસાબ લોકો સુધી પારદર્શક રીતે પહોંચતો નથી.વિઝન ડોક્યુમેન્ટમાં “કોઈપણ પાછળ નહીં રહી જાય” એ મુખ્ય સૂત્ર રાખવામાં આવ્યું છે. કોંગ્રેસે દરેક વર્ગ—મજૂર, રેંકડીવાળા, યુવાનો અને મહિલાઓને વિકાસમાં સમાન હિસ્સેદારી આપવાનું વચન આપ્યું છે. સાથે જ દરેક બાળકને શિક્ષણ અને દરેક પરિવારે ગૌરવપૂર્ણ જીવન મળે તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
મૂળભૂત સુવિધાઓ પર ભાર
કોંગ્રેસે શહેરોના વિકાસ માટે મૂળભૂત સુવિધાઓને કેન્દ્રસ્થાને રાખી છે. જેમાં દરેક ઘરમાં શુદ્ધ પાણી, સસ્તી અને સુલભ જાહેર પરિવહન વ્યવસ્થા, સ્વચ્છ રસ્તાઓ અને આધુનિક કચરા વ્યવસ્થાપન સાથે મજબૂત સરકારી આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ પૂરી પાડવાનું વચન આપવામાં આવ્યું છે.
પારદર્શક અને જવાબદાર શાસન
વિઝન ડોક્યુમેન્ટમાં પારદર્શિતા અને જવાબદારીને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. કોંગ્રેસે ખુલ્લા બજેટ, ડિજિટલ પ્રોજેક્ટ ટ્રેકિંગ અને નાગરિકોની સીધી ભાગીદારી જેવા પગલાં લાવવાની વાત કરી છે. સાથે જ સમયબદ્ધ સેવાઓ, ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી અને અસરકારક ફરિયાદ નિરાકરણ વ્યવસ્થા ઉભી કરવાની જાહેરાત કરી છે.
પરવડે તેવું શહેર અને મધ્યમ વર્ગને સહાય
શહેરોમાં વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સસ્તું રહેણાંક, વાજબી દરે સુવિધાઓ અને નાના વેપારીઓ તથા મધ્યમ વર્ગને સહાય કરવાનો વાયદો કર્યો છે. “શહેર માત્ર અમીર માટે નહીં, પરંતુ દરેક માટે હોવું જોઈએ” એવો સંદેશ આપવામાં આવ્યો છે. કોંગ્રેસે પોતાના વિઝનમાં એવા શહેરોની કલ્પના રજૂ કરી છે, જે માત્ર સ્માર્ટ નહીં પરંતુ માનવીય અને ખુશહાલ હોય. હરિયાળી, શુદ્ધ હવા, મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત રસ્તાઓ અને સંસ્કૃતિ માટે ખુલ્લી જગ્યાઓ જેવી સુવિધાઓ પર ભાર મૂકાયો છે.
ચાવડાએ જણાવ્યું હતું કે આ માત્ર મેનિફેસ્ટો નહીં પરંતુ જનકેન્દ્રિત વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે. “કોંગ્રેસ બધા માટે, વિકાસ બધા માટે અને ન્યાય બધા માટે”ના સૂત્ર સાથે તેમણે રાજ્યમાં “બધા માટે શહેરો, બધાના સપનાઓ”વાળું ગુજરાત બનાવવા અપીલ કરી હતી.આ પ્રસંગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસનું થીમ સોંગ પણ લૉન્ચ કરવામાં આવ્યું, જેનાથી ચૂંટણી પ્રચારને વધુ ગતિ મળશે.