વચેટિયા-દલાલોને હવે દાદાની ઓફિસમાં પ્રવેશ નહીં મળે

ગાંધીનગરમાં હવે સ્વર્ણિમ સંકુલમાં સીએમ કાર્યાલયમાં ઉદ્યોગો ગૃહો તેમજ બિલ્ડરોની ફાઈલો લઈને ફરતાં વચેટિયા દલાલોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. મહેસુલ વિભાગની જમીનોની ફાઈલો ક્લિયર કરાવવા માટે વચેટિયાઓ મોટી રકમનો તોડ કરતાં હોય છે, જેના કારણે આ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર ઘુસી જાય છે, જેના કારણે હવે દલાલો કે વચેટિયાઓને કોઈ પ્રવેશ નહીં મળે તેવી દિલ્હી દરબામાંથી સ્પષ્ટ સૂચના જ આવી ગઈ છે.

જેમને સરકારનું કામ હોય તે ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિ સીધા જ એપોઈન્ટમેન્ટ લઈને મળી શકશે, તેવી સૂચના અપાઈ છે. કેબીનેટ સભ્યો તથા સિનિયર સચિવોને પણ સૂચના અપાઈ છે કે કોઈ પણ દલાલ કે વચેટિયા ફાઈલો ક્લિયર કરાવવા આવે તો તેઓને સાંભળવા નહીં, સીએમના કાર્યાલયમાં દલાલો કે વચેટિયાઓને પ્રવેશ મળશે નહીં.

સામી દિવાળીએ ફાઈલો ક્લિયર કરાવવા હાટડી ખોલીને બેઠેલા દલાલોમાં ફફડાટ
કેબીનેટ મંત્રીઓએ પણ આવા દલાલ તેમજ ફાઈલો ક્લિયર કરાવવાની હાટડી ખોલીને બસેલા તત્વોને પ્રવેશ નહીં આપવા તથા મંત્રીઓએ પણ મુલાકાત નહીં આપવી તેવી સૂચના આવી ગઈ છે. જેના કારણે સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદથી ગાંધીનગર આવીને વર્ષે દહાડે કરોડોનો કાળો કારોબાર કરતાં દલાલોમાં હવે ફફડાટ વ્યાપી ગયો છે એટલું જ નહીં સામી દિવાળીએ દલાલોએ મોટા ઉપાડે ફાઈલો ક્લિયર કરાવવા માટે ખોલેલી ઓફિસો હવે બંધ કરવાનો વારો આવે તેમ છે.

મહેસુલી ઓફિસ કે ગાંધીનગરમાં કોઈ રૂપિયા માંગે તો મને ફોન કરજો: રાજેન્દ્ર ત્રિવેદી
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે મહેસુલી ઓફિસ કે ગાંધીનગરમાં કોઈ રૂપિયા માંગે તો મને ફોન કરજો, અથવા તો મને વીડિયો રેકોર્ડિગ મોકલજો, હું ગૃહ વિભાગની મદદ વડે એસીબી તથા પોલીસ ફરિયાદ દ્વારા પગલા ભરીશ. બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ બોટાદમાં કહ્યું હતું કે અધિકારીઓ અરજદારોને ધક્કા ખવડાવવાનું બંધ કરે, કારણ કે સરકાર અરજદારોનું કામ એકદમ ગ્રેસફુલ રીતે કરવા કટિબદ્ધ છે.

Related Posts