Gujarat

કાલે ગુજરાત સ્થાપના દિન ઉજવણી સાથે બે દિવસ ‘વાઇબ્રન્ટ કોન્ફરન્સ’

ગાંધીનગર: ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે દક્ષિણ ગુજરાતના આર્થિક પરિવર્તન માટે સુરત સજ્જ બન્યું છે. આગામી ૧ અને ૨ મે, ૨૦૨૬ દરમિયાન સુરતની ઑરો યુનિવર્સિટી ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)ની ત્રીજી આવૃત્તિ યોજાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વિદેશી રાજદ્વારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ સહભાગી થશે.

આ કોન્ફરન્સમાં ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ-પેટ્રોકેમિકલ્સ, ગ્રીન એનર્જી, સ્ટાર્ટઅપ્સ, MSME, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ અને ઇકોટુરિઝમ જેવા ક્ષેત્રો પર વિશેષ સેમિનાર અને પેનલ ચર્ચાઓ યોજાશે. સાથે જ આંતરરાષ્ટ્રીય ભાગીદારીને મજબૂત બનાવવા જાપાન, સિંગાપોર, યુક્રેન અને રવાન્ડા જેવા દેશોની સક્રિય હાજરી રહેશે, જ્યારે JETRO, AMCHAM અને KOTRA જેવી વૈશ્વિક સંસ્થાઓ પણ જોડાશે.આ સાથે જ ૧ મેે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સુરતમાં ભવ્ય ઉજવણી યોજાશે, જેમાં Y-જંકશનથી ડુમસ સી-ફ્રન્ટ સુધી પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણ બનશે. આ વર્ષે VGRCમાં જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો તરીકે જોડાયા છે. આ કોન્ફરન્સ દ્વારા દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ ૧૬ જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક મંચ પૂરો પાડવામાં આવશે.

વાઈબ્રન્ટ કોન્ફરન્સમાં કઈ કઈ મુખ્ય હાઈલાઈટ્સ રહેશે?

  • સુરત કટ ડાયમંડ – GI ટેગ પર ખાસ કવરનું પ્રકાશન.
  • દક્ષિણ ગુજરાતમાં નવી અને સ્માર્ટ GIDC એસ્ટેટની જાહેરાત.
  • જાપાન અને યુક્રેન જેવા દેશો દ્વારા ખાસ સેમિનારનું આયોજન.

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ગિફ્ટ સિટી પર વિશેષ સત્ર થશે

ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ‘બેસ્ટ પર્ફોર્મર’ રહ્યું છે ત્યારે આ કોન્ફરન્સમાં સ્ટાર્ટઅપ્સ માટે ખાસ સેમિનાર યોજાશે. જેમાં ડ્રોન ટેક્નોલોજી, ઈવી ચાર્જિંગ અને ગ્રીન એનર્જી ક્ષેત્રના નિષ્ણાતો માર્ગદર્શન આપશે. આ ઉપરાંત, ગિફ્ટ સિટી (GIFT City) ને ગ્લોબલ ફાઇનાન્સ અને ફિનટેક હબ તરીકે રજૂ કરવા માટે ખાસ ‘ગુજરાત GCC કોન્ક્લેવ’નું આયોજન પણ કરવામાં આવશે.

મગદલ્લાના વાય જંકશનથી ડુમસ સી ફેસ સુથી ભવ્ય પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો થશે

કોન્ફરન્સની સાથે જ ૧ થી ૫ મે દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) યોજાશે, જેમાં MSME અને સ્ટાર્ટઅપ્સને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે જોડવામાં આવશે. ટેક્સ્ટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ, અને ગ્રીન હાઇડ્રોજન જેવા ક્ષેત્રો પર વિવિધ ટેકનિકલ સત્રો યોજાશે.

આ વાઈબ્રન્ટ કોન્ફરન્સ દ.ગુ. માટે વિકાસના દ્વાર ખોલશે: જીતુ વાઘાણી

સીએમ ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં આ આયોજનની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, VGRC માત્ર રોકાણ માટે જ નહીં, પરંતુ પ્રાદેશિક અર્થતંત્રને સશક્ત બનાવી ‘વિકસિત ભારત@2047’ના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કેબીનેટ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહયું હતું કે, આ કોન્ફરન્સ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે વિકાસના નવા દ્વાર ખોલશે.

Most Popular

To Top