Sports

વન ડે સિરીઝની પહેલી મેચમાં ભારતના અભેદ લક્ષ્ય સામે શ્રીલંકા ઘુંટણિયે, 67 રનથી હાર્યું

ગુવાહાટી: શ્રીલંકા (sri lanka) સામેની વનડે સિરીઝની (ODI Series) પહેલી મેચમાં ભારતની (India) જીત થઈ છે. ટીમે શાનદાર દેખાવ કરી શ્રીલંકાને ધૂળ ચટાડી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણીની પ્રથમ મેચ 67 રને જીતી લીધી છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 373 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ આઠ વિકેટ ગુમાવીને 306 રન જ બનાવી શકી અને 67 રનથી મેચ હારી ગઈ. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

374 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે બેટિંગ શરૂ કરી હતી. પથુમ નિશંકા અને અવિષ્કા ફર્નાન્ડો ક્રિઝ પર ઉતર્યા હતા. શ્રીલંકાની પ્રથમ વિકેટ 19 રનના સ્કોર પર પડી હતી. મોહમ્મદ સિરાજે આવિષ્કા ફર્નાન્ડોને હાર્દિક પંડ્યાના હાથે કેચ કરાવ્યો હતો. ત્યારબાદ કુસલ મેન્ડિસે પથુમ નિંશાકા સાથે ક્રિઝ જોડી જમાવી હતી. પાંચ ઓવર પછી શ્રીલંકાનો સ્કોર એક વિકેટે 23 રન પર હતો. પાવરપ્લે પૂરો થયા બાદ શ્રીલંકાનો સ્કોર બે વિકેટે 38 રન હતો. ત્યારબાદ પથુમ નિંશાકા અને ચરિથ અસલંકાએ રમતને આગળ વધારી હતી.

શ્રીલંકાની સાતમી વિકેટ 179 રનના સ્કોર પર પડી હતી. ઉમરાન મલિકે દુનિથ વેલાલ્ગેને શુભમન ગિલના હાથે કેચ કરાવ્યો હતો. વેલાલ્ગે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ચમિકા કરુણારત્ને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા સાથે ક્રિઝ રમત આગળ વધારી હતી. શ્રીલંકાનો સ્કોર 34 ઓવર બાદ સાત વિકેટે 194 રન હતો. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા અને ચમિકા કરુણારત્નાએ શ્રીલંકા માટે ટાર્ગેટનો પીછો કર્યો હતો. શ્રીલંકાની આઠમી વિકેટ 206 રનના સ્કોર પર પડી હતી. હાર્દિક પંડ્યાએ ચમિકા કરુણારત્નેને કેપ્ટન રોહિતના હાથે કેચ કરાવ્યો હતો.

શ્રીલંકા સામેની 3 મેચની વન-ડે સિરીઝની (INDvsSrilanka) પહેલી મેચ ગુવાહાટી ખાતે આજે મંગળવારે તા. 10 જાન્યુઆરીના રોજ બપોરે 1.30 વાગ્યે શરૂ થઈ હતી. શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા સાથે શુભમન ગિલ ઓપનિંગ માટે મેદાને ઉતર્યો હતો. બંને બેટ્સમેનોએ ફટકાબાજી કરી ભારતને સારી શરૂઆત અપાવી હતી. કેપ્ટન રોહિત શર્મા અને ગિલ વચ્ચે 100થી વધુ રનની ભાગીદારી થઈ હતી. જોકે મેચનું મુખ્ય આકર્ષણ વિરાટ કોહલીની ઈનિંગ રહી હતી. વિરાટ કોહલીએ કારકિર્દીની 45મી સદી ફટકારી હતી. બાંગ્લાદેશ સામે સદી બાદ શ્રીલંકા વિરુદ્ધ ક્લાસિક સદી ફટકારીને વિરાટ કોહલીએ પોતાનો કલાસ બતાવ્યો હતો. કોહલી 87 બોલમાં 113 રન બનાવી 49મી ઓવરમાં આઉટ થયો હતો. ભારતે પહેલી વન ડે મેચમાં 7 વિકેટ ગુમાવી 50 ઓવરમાં 373 રન બનાવ્યા હતા. શ્રીલંકાને જીતવા માટે ભારતે 374 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારતના ટોપ થ્રી બેટ્સમેન રોહિત, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ આજે શ્રીલંકાના તમામ બોલરોની ધૂળધાણી કરી નાંખી હતી. શ્રીલંકાના કેપ્ટને આજે 7 બોલર્સને અજમાવ્યા હતા, પણ કોઈને ખાસ સફળતા મળી નહોતી. ભારતીય બેટ્સમેનોએ શ્રીલંકાના મેઈન બોલર કસુન રજીથાને સૌથી વધુ ફટકાર્યો હતો. રજીથાની 10 ઓવરમાં ભારતીય બેટ્સમેનોએ 88 રન બનાવ્યા હતા. જોકે, સૌથી વધુ 3 વિકેટ પણ રજીથાને જ મળી હતી. આ ઉપરાંત હસરંગાને 67, દુનિથને 65, ચામિકા કરૂણારત્નેની ઓવરમાં 54 રન બનાવ્યા હતા.

Most Popular

To Top