SURAT

રાજગ્રીન ગ્રુપે એક જ દિવસમાં ચાર બેંકોના 170 કરોડ ચૂકવી દેતાં હવે અમેઝિયાને સીલ નહિં લાગે

સુરતઃ (Surat) સીબીઆઈએ (CBI) રાજગ્રીન ગ્રુપના માલિક સંજય મોવલિયા સામે બીઓબી સાથે ૭૬ કરોડ રુપિયાની લોનના (Loan) પૈસાની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધી હતી. કલેક્ટરે તેમની મિલકતો ટાંચમાં લઈને બેંકોના (Bank) પૈસા ચુકવવાની કાર્યવાહી માટે રાજગ્રીન ગ્રુપને (Rajgreen Group) નોટિસ ફટકારી હતી. જેને પગલે દોડતા થઈ ગયેલા સંજય મોવલિયા અને તેમના ભાગીદારોએ બીઓબીના ૭૬ કરોડ સહિત ચાર બેંકો પાસેથી લીધેલા ૧૭૦ કરોડ રૂપિયા ચુકવી દીધા હતા.

  • રાજગ્રીન ગ્રુપના સંજય મોવલિયાએ એક જ દિવસમાં ચાર બેંકોના ૧૭૦ કરોડ ચૂકવી દેતાં હવે અમેઝિયાને સીલ નહિં લાગે
  • બીઓબીએ ૭૬ કરોડની વસૂલી માટે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી, કલેક્ટર દ્વારા રાજગ્રીન ગ્રુપને નોટિસ ફટકારવામાં આવી હતી

સુરત શહેરના જાણીતા બિલ્ડર સંજય મોવલિયા સામે કરોડો રુપિયાની ઉચાપત કરવા મામલે સીબીઆઇને ફરિયાદ મળી હતી. સંજય મોવલિયા સહિત ૩ વ્યક્તિ સામે બેંક સાથે ૭૬.૦૩ કરોડ રૂપિયાની માતબર રકમની ઉચાપત કરવાની ફરીયાદ દાખલ થઇ હતી. સીબીઆઈ દ્વારા ગુનો નોંધી આરોપીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. લોનના પૈસાની ઉચાપત કરાતા સંજય મોવલિયા, મનોજ, મિતેશ, સોહિલ સહિતનાઓ સામે ગુનો નોંધાયો હતો. રાજગ્રીન બિઝનેસ માટે સંજય મોવલિયાએ બેંક ઓફ બરોડા પાસેથી લોન લીધી હતી.

આ લોનના પૈસાની ઉચાપત કરતા સીબીઆઇએ સરફેસી એક્ટ હેઠળ રાજગ્રીન ગ્રુપના માલિક સામે કાર્યવાહી હાથ ધરી હતી. લોન ખાતું ૧૧ જાન્યુઆરી ૨૦૨૦માં એનપીએ જાહેર કર્યું હતું. આવી રીતે રાજગ્રીન એમ્યુઝમેન્ટ પાર્ક પ્રાઈવેટ લિમિટેડ, રાજગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ, રાજહંસ એન્ટરટેઈનમેન્ટ દ્વારા સંજય મોવલિયાએ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, સાઉથ ઇન્ડિયન બેંક અને બેન્ક ઓફ ઇન્ડિયામાંથી પણ લોન લીધી હતી. સંજય મોવલિયા અને તેમના ગ્રુપ દ્વારા આ તમામ બેંકોને કુલ 170 કરોડ રૂપિયા એટલે કે બેંકનું પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી દેવાયું છે. આ બેન્કોએ તેમને એનઓસી પણ આપી દીધી છે.

કલેક્ટર દ્વારા મિલકત જપ્તીની કાર્યવાહી સ્થગિત કરાશે
બેન્કો દ્વારા રાજગ્રીન ગ્રુપને અનેક વખત નોટિસ આપવામાં આવી હતી પરંતુ રાજગ્રીન ગ્રુપ કોરોના બાદ આ રૂપિયા ચુકવી શક્યું નહોતું. જેના કારણે કલેક્ટરે આખરે તેમની મિલકતોને ટાંચમાં લઇ બેન્કોના રૂપિયા ચૂકવી આપવાની કાર્યવાહી હાથ ધરવા મામલતદારને સૂચના આપી હતી. જેના પગલે સંજય મોવલિયા દ્વારા બેંકોને પૂરાં નાણાં ચુકતે કરી દેવાતા કલેકટર દ્વારા તેમના એમ્યુઝમેન્ટ પાર્કને સીલ કરવા માટે જે નોટિસ આપવામાં આવી હતી તે કામગીરી હવે સ્થગિત કરી દેવાશે.

રાજગ્રીન ગ્રુપના આ ભાગીદારો લોન લીધી હતી
રાજગ્રીન એન્ટરટેઈનમેન્ટના ભાગીદારોમાં સંજયકુમાર પરષોત્તમભાઈ મોવાલિયા, અલ્પેશકુમાર જી કોટડિયા, મનોજકુમાર પરશોત્તમભાઈ મોવલિયા, મિતેશ રણછોડભાઈ મોવલિયા, અતુલકુમાર ધીરુભાઈ કોટડિયા, અલ્પેશકુમાર અરવિંદભાઈ પટેલ અને ભરતકુમાર જયંતિલાલ પટેલએ મળીને બેંકો પાસેથી લોન લીધી હતી.

આવનાર દિવસોમાં પણ સુરતની પ્રજાને મનોરંજન આપતા રહીશું: સંજય મોવલીયા
સંજયભાઈ મોવલીયાએ જણાવ્યું હતું કે, અમેઝિયા સીલ થવાની વાત છે તે બધી ખોટી છે. જે પૈસા બેંકના બાકી હતા તે અઠવાડિયા પહેલાં ભરી દેવાયા છે. એટલે હવે કોઈ સીલ નહી લાગશે. વર્ષ 2020થી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં લોકડાઉન બાદથી ઘણુ નુકશાન થયું છે. જેના કારણે બેંકના ઇસ્યુ ઊભા થયા હતા. પરંતુ તે પૂરા કરી દેવાયા છે. આવનાર દિવસોમાં પણ રાજગ્રીન ગ્રુપ સુરતની પ્રજાને એન્ટરટેનમેન્ટ આપતું રહેશે.

Most Popular

To Top