Gujarat

રાજ્યમાં હીટવેવથી જનજીવન પ્રભાવિત, રાજકોટમાં 44 ડિગ્રી

અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ગરમીમાં શેકાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં રાજ્યનું સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ યથાવત રહેતા અનેક શહેરોમાં તાપમાન 40 ડિ.સે. પાર પહોંચી ગયું છે. સૌથી વધુ ગરમી રાજકોટમાં 44 ડિ.સે. નોંધાઈ છે, જેના કારણે લોકોને ભારે ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. બપોરના 12 સાંજના છ વાગ્યા સુધી મહાનગરનો રાજમાર્ગો પર કામ વિના લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના વિવિધ શહેરોમાં કાળઝાળ ગરમી નોંધાઈ હતી, જેમાં રાજકોટ ૪૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચ્યો હતો, જ્યારે વડોદરા અને ડીસામાં ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અન્ય શહેરોની વાત કરીએ તો કંડલા એરપોર્ટ અને વલ્લભ વિદ્યાનગરમાં ૪૧ ડિગ્રી, ભૂજ, ભાવનગર તથા કેશોદમાં ૪૦ ડિગ્રી અને કંડલા પોર્ટ પર ૩૯ ડિગ્રી તાપમાન રહ્યું હતું. નલિયામાં ૩૮ ડિગ્રી અને દમણમાં ૩૭ ડિગ્રી સામે સુરત, પોરબંદર અને મહુવામાં પારો ૩૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. આમ, રાજ્યના મોટાભાગના આંતરિક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો હતો.

હવામાન વિભાગની નવી આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી નાગરિકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. હાલમાં ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના જમ્મુ-કાશ્મીર ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જે સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે સક્રિય છે. આ સિસ્ટમની અસર અને નીચલા સ્તરે ફૂંકાતા પશ્ચિમી પવનને કારણે તાપમાનમાં આ ફેરફાર જોવા મળશે. આગામી દિવસોમાં ગુજરાતના આંતરિક વિસ્તારોમાં પારો ૪૦ થી ૪૩ ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ૩૫થી ૩૯ ડિગ્રીની રેન્જમાં રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

Most Popular

To Top