Gujarat

૩૪ વર્ષ બાદ પ્રેતાત્માના ડરે ખુલ્યું હત્યાનું રહસ્ય, કૂવામાંથી મળ્યો સ્ત્રીનો કંકાલ

અમદાવાદ: અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ૩૪ વર્ષ પહેલાં આચરવામાં આવેલા એક સનસનાટીભર્યા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો છે. ૧૯૯૨માં થયેલી આ હત્યાનો પર્દાફાશ કોઈ ફિલ્મી વાર્તાથી ઓછો નથી. વટવાના કુટુંબ નગર ચોક પાસે આવેલા એક મકાનના કૂવાને ખોદીને ક્રાઈમ બ્રાન્ચે મહિલાના અવશેષો બહાર કાઢતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
​વર્ષ ૧૯૯૨માં ફરઝાના ઉર્ફે શબનમ નામની મહિલાની હત્યા કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા ‘ક્રાઈમ ઓફ પેશન’ એટલે કે લગ્નેતર સંબંધોની શંકા અથવા વિવાદને કારણે કરવામાં આવી હતી. મુખ્ય આરોપી શમશુદ્દીને પોતાની પત્નીની હત્યા કર્યા બાદ લાશને બહાર ક્યાંય ફેંકવાને બદલે ઘરના જ કૂવામાં દાટી દીધી હતી અને ઉપરથી કૂવો પૂરી દીધો હતો. આ ગુપ્ત ગુનો છેલ્લા ત્રણ દાયકાથી તે જ ઘરની નીચે દબાયેલો રહ્યો હતો. મુખ્ય આરોપી શમશુદ્દીનનું અત્યારે કુદરતી રીતે અવસાન થઈ ચૂક્યું છે.• જોકે, આ ગુનામાં તેને મદદ કરનાર અન્ય સહ આરોપીઓ અને સાક્ષીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે અને તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે. ​૩૪ વર્ષ જૂના આ કેસના પર્દાફાશે સાબિત કરી દીધું છે કે ‘પાપ ક્યારેય છુપાયેલું રહેતું નથી’. અંધશ્રદ્ધા કે પ્રેતાત્મા- આત્માના ડરે કે ભ્રમે આખરે એક જઘન્ય અપરાધનું સત્ય બહાર લાવી દીધું છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલા વર્ષો સુધી પરિવારના અન્ય કયા સભ્યોને આ વાતની જાણ હતી.

‘પ્રેતાત્મા’નો ડર અને તાંત્રિક વિધિએ ખોલ્યું રહસ્ય
​આટલા વર્ષો સુધી આ રહસ્ય અકબંધ રહેવા પાછળનું કારણ આરોપીનો ડર હતો, પરંતુ કુદરતનો ન્યાય અનોખો હોય છે. મળતી માહિતી મુજબ, આરોપી શમશુદ્દીનના પરિવારના સભ્યોને છેલ્લા કેટલાક સમયથી ઘરમાં કોઈ ‘ પ્રેતાત્માનો આભાસ’ થવા લાગ્યો હતો. પરિવારને સતત એવું લાગતું હતું કે મૃતક ફરઝાનાનો આત્મા ત્યાં જ ઘરમાં જ છે અને તેમને હેરાન કરી રહ્યો છે. ​આ માનસિક તણાવ અને ડરમાંથી મુક્તિ મેળવવા માટે પરિવારે ભુવા અને તાંત્રિક વિધિઓનો સહારો લીધો હતો. આ વિધિઓ દરમિયાન જ હત્યાની વાત ભૂલેચૂકે બહાર આવી ગઈ અને આ કડીઓ ક્રાઈમ બ્રાન્ચના કાને પહોચી ગઈ હતી.

​ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક્શન અને તપાસ
​મહિલાની હત્યા કરાઈ છે અને તેણીના પ્રેતાત્માથી રક્ષણ મેળવવા ઘરમાં વિધિ ચાલી રહી છે તેવી ચોક્કસ બાતમી મળતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે મેજિસ્ટ્રેટ અને એફએસએલ (FSL) ની ટીમને સાથે રાખી વટવાના કુટુંબ નગર ચોક સ્થિત મકાનમાં ખોદકામ શરૂ કર્યું હતું. કૂવામાંથી નરકંકાલના અવશેષો અને અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે.

DNA રિપોર્ટ પર સૌની નજર

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે દાયકાઓ જૂના વણઉકેલાયેલા ગુનાઓને ઉકેલવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કર્યું છે. ૩૪ વર્ષ પહેલા બનેલી એક હત્યાની ઘટનામાં પોલીસ હવે હત્યારાઓની અત્યંત નજીક પહોંચી ગઈ છે. આ કેસમાં વૈજ્ઞાનિક પુરાવાઓ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.

​હાડકાંના પૃથક્કરણ માટે FSLની મદદ

​તપાસ દરમિયાન મળી આવેલા મૃતકના અસ્થિઓ (હાડકાં) ને હાલમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં મોકલવામાં આવ્યા છે. નિષ્ણાતો દ્વારા આ અવશેષોનું ગહન પૃથક્કરણ કરવામાં આવી રહ્યું છે, જેથી મૃત્યુનું ચોક્કસ કારણ અને સમય જાણી શકાય.
​સંબંધીઓની ભાળ મળી, DNA ટેસ્ટ નિર્ણાયક બનશે
​ક્રાઈમ બ્રાન્ચની ટીમને લાંબી શોધખોળ બાદ મૃતકના સંબંધીઓ શોધી કાઢવામાં સફળતા મળી છે.

ક્રાઇમ બ્રાન્ચના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર,
​મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તેમના સંબંધીઓ અને અસ્થિઓના નમૂના મેળવી DNA રિપોર્ટ કરાવવામાં આવશે. જેવો આ રિપોર્ટ પોઝિટિવ આવશે, તેની સાથે જ પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી અને ધરપકડનો દોર શરૂ કરશે.

​શંકાસ્પદોની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

​આ કેસમાં રાઉન્ડઅપ કરવામાં આવેલા શંકાસ્પદ વ્યક્તિઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. તપાસનીશ અધિકારીઓના જણાવ્યા મુજબ, શંકાસ્પદો અત્યંત મહત્વની અને સંવેદનશીલ માહિતી આપી રહ્યા છે. જોકે, તપાસ હજુ ચાલુ હોવાથી અને કાયદાકીય મર્યાદાઓને કારણે અત્યારે તમામ વિગતો જાહેર કરવામાં આવી નથી.

​”અમે વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રિત કરી રહ્યા છીએ. DNA રિપોર્ટ આ કેસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે અને ૩૪ વર્ષ બાદ પીડિત પરિવારને ન્યાય મળશે.” — તપાસ અધિકારી, ક્રાઈમ બ્રાન્ચ

​આ કેસના ઉકેલથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે કે ગુનો ભલે ગમે તેટલો જૂનો હોય, કાયદાના હાથ તેના સુધી પહોંચી જ શકે છે.

Most Popular

To Top