ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૬ના વોટશેર આંકડાઓ રાજ્યના રાજકારણમાં બદલાતી દિશા દર્શાવે છે. મહાનગરપાલિકાઓમાં ભાજપે ૫૯.૩૬ ટકા મત સાથે મજબૂત પકડ જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસને ૨૬.૪૬ ટકા અને આમ આદમી પાર્ટીને ૧૦.૨૭ ટકા મત મળ્યા છે. નગરપાલિકાઓમાં ભાજપનો વોટશેર ૫૨.૫૧ ટકા રહ્યો છે, જ્યારે કોંગ્રેસે ૩૦.૬૮ ટકા સાથે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે અને અપક્ષ ઉમેદવારોએ ૯.૩૩ ટકા મત મેળવી અસર દર્શાવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ચિત્ર થોડું બદલાતું જોવા મળે છે, જ્યાં જિલ્લા પંચાયતમાં ભાજપને ૫૨.૨૩ ટકા, કોંગ્રેસને ૩૩.૭ ટકા અને AAPને ૧૨.૦૪ ટકા મત મળ્યા છે. તાલુકા પંચાયતમાં પણ ભાજપ ૫૧ ટકા સાથે આગળ છે, પરંતુ કોંગ્રેસ (૩૨.૮૯%) અને AAP (૧૨.૬૭%) વચ્ચે સ્પર્ધા વધી રહી છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે શહેરોમાં ભાજપનું પ્રભુત્વ મજબૂત છે, જ્યારે ગામડાઓમાં બહુ-પક્ષીય સ્પર્ધા વધુ તીવ્ર બની રહી છે. જો કે ભાજપે વર્ષ ૨૦૨૧ના વિજયના તમામ રેકોર્ડ તોડીને રાજ્યભરમાં ‘કેસરીયો’ લહેરાવ્યો છે.
ભાજપે ૧૦૦ ટકા મહાનગરપાલિકાઓ પર કબજો મેળવીને શહેરી વિસ્તારોમાં પોતાનું એકચક્રી શાસન સાબિત કર્યું છે.
ચૂંટણી આયોગના ડેટા મુજબ, મહાનગરપાલિકાઓમાં ભાજપનો વોટશેર વર્ષ 2021ના 52.90% થી વધીને 59.36% થયો છે, જે સાડા છ ટકાનો મોટો ઉછાળો દર્શાવે છે. બીજી તરફ, કોંગ્રેસનો વોટશેર મહાનગરોમાં 26.46% પર સ્થિર રહ્યો છે, પરંતુ આમ આદમી પાર્ટીનો વોટશેર શહેરોમાં ઘટ્યો છે. જોકે, પંચાયત સ્તરે ‘આપ’ માટે સારા સમાચાર છે, કારણ કે જિલ્લા પંચાયતમાં તેમનો વોટશેર વધીને 12.04% અને તાલુકા પંચાયતમાં 12.67% થયો છે. આ વધારો સીધો કોંગ્રેસના પરંપરાગત મતોમાં ગાબડું પાડી રહ્યો હોય તેમ લાગે છે, કારણ કે પંચાયતોમાં કોંગ્રેસના વોટશેરમાં આશરે 5%નો ઘટાડો નોંધાયો છે.
નગરપાલિકાઓમાં સૌથી ચોંકાવનારું પ્રદર્શન અપક્ષોનું રહ્યું છે, જેમનો વોટશેર 1.19% થી વધીને 9.33% થયો છે, જે દર્શાવે છે કે નાના શહેરોમાં મતદારો સ્થાનિક પ્રશ્નો મુદ્દે પક્ષોને બદલે અપક્ષ ઉમેદવારો પર વધુ ભરોસો મૂકી રહ્યા છે. આમ, ભાજપ 50% થી વધુ વોટશેર સાથે સર્વોપરી રહ્યો છે, જ્યારે વિપક્ષો માટે આ આંકડા આત્મમંથન કરવાની લાલબત્તી સમાન છે.

મનપા, નગરપાલિકા, જિ. અને તા. પંચાયતમાં ભાજપનું પ્રભુત્વ
મહાનગરપાલિકામાં ભાજપનો એકતરફી વિજય
રાજ્યની ૧૫ મહાનગરપાલિકાની કુલ ૧૦૪૪ બેઠકોમાંથી ૪૩ બેઠકો બિનહરીફ ભાજપના ખાતામાં ગઈ હતી. બાકીની ૧૦૦૧ બેઠકોમાં ભાજપે ૮૯૪ બેઠકો જીતીને ભવ્ય જીત મેળવી છે. કોંગ્રેસને ૯૫ અને આમ આદમી પાર્ટીને માત્ર ૬ બેઠકો મળી છે.
નગરપાલિકામાં પણ ભાજપ આગળ
૮૪ નગરપાલિકાની કુલ ૨૬૨૪ બેઠકોમાંથી ૩૮૫ બેઠકો બિનહરીફ જાહેર થઈ, જેમાંથી ૩૭૦ બેઠકો ભાજપને મળી. ચૂંટણી થયેલી ૨૨૩૯ બેઠકોમાં ભાજપે ૧૬૧૮ બેઠકો જીતી, જ્યારે કોંગ્રેસે ૪૪૭ અને અપક્ષોએ ૧૨૬ બેઠકો મેળવી છે. નગરપાલિકામાં ભાજપનો વોટશેર ૫૨.૫૧ ટકા રહ્યો છે, જ્યારે કોંગ્રેસે ૩૦.૬૮ ટકા મત મેળવી સારો દેખાવ કર્યો છે.
જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનું પ્રભુત્વ
જિલ્લા પંચાયતની ૧૦૯૦ બેઠકોમાંથી ભાજપે કુલ ૮૮૦ (ચૂંટણી દ્વારા) અને ૫૨ બિનહરીફ બેઠકો મેળવી દબદબો જાળવ્યો છે. કોંગ્રેસે ૧૩૬ અને AAPએ ૫૮ બેઠકો મેળવી છે.
તાલુકા પંચાયતમાં ૫૨૩૪ બેઠકોમાંથી ભાજપે ૩૪૨૨ બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસે ૧૦૫૦ અને AAPએ ૪૦૭ બેઠકો મેળવી છે.
પેટાચૂંટણીમાં પણ ભાજપ આગળ
૧૧ નગરપાલિકાની ૧૩ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે ૧૦ બેઠકો જીતીને પોતાનું પ્રભુત્વ યથાવત રાખ્યું છે.
ચાર ઝોનવાર રાજકીય ચિત્ર
મધ્ય ગુજરાત: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના ગઢમાં જ કોંગ્રેસનો સફાયો થયો છે. ૧૧ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ શૂન્ય પર સમેટાઈ છે, જ્યારે નર્મદા જિલ્લામાં ચૈતર વસાવાએ ‘આપ’ની લાજ રાખી છે.
દક્ષિણ ગુજરાત: ભાજપે અહીં ‘ક્લીન સ્વીપ’ કર્યું છે. સુરત, નવસારી અને વાપી મનપામાં એકતરફી જીત સાથે આદિવાસી પટ્ટામાં પણ ભાજપે વર્ચસ્વ જમાવ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છ: ૧૨ જિલ્લાની ૨,૭૭૩ બેઠકોમાંથી ૨,૨૧૪ બેઠકો જીતી ભાજપે દબદબો જાળવ્યો છે. મોરબી અને ગોંડલમાં વિપક્ષો ગાયબ થયા છે.
ઉત્તર ગુજરાત: મહેસાણા મનપામાં ભાજપે જીતનો નવો રેકોર્ડ બનાવ્યો છે, જોકે વડાલી નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા મેળવી છે.
ભાજપના વોટશેરમાં 6.46 ટકાનો મોટો ઉછાળો
વર્ષ 2021ની સરખામણીએ ભાજપના વોટશેરમાં 6.46 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે, જે 52.90 ટકાથી વધીને હવે 59.36 ટકા પર પહોંચી ગયો છે. આ પ્રચંડ વધારો રાજ્યભરમાં ભાજપના સ્વીકાર્ય પ્રભુત્વને મજબૂત રીતે સ્થાપિત કરે છે. બીજી તરફ, મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ હજુ પણ ટકી રહી છે, જોકે તેનો વોટશેર 26.75 ટકાથી આંશિક ઘટીને 26.46 ટકા થયો છે, જે બતાવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો પાયો હજુ પણ સંગીન છે. આ ચૂંટણીમાં સૌથી મોટો ફટકો આમ આદમી પાર્ટીને પડ્યો છે; મહાનગરોમાં AAPનો વોટશેર 13.91 ટકાથી ઘટીને 10.27 ટકા થઈ ગયો છે. આમ છતાં, AAP હવે શહેરોની મર્યાદા છોડીને ગામડાઓમાં પોતાનો વ્યાપ વધારી રહી છે, જે આગામી સમયમાં ગુજરાતના રાજકારણને ત્રિપાંખિયા જંગ તરફ લઈ જઈ શકે છે.