Comments

નફરત ભારતની માટીની પેદાશ નથી, એ આયાત કરેલી છે

કન્યાકુમારીથી કાશ્મીર સુધીની રાહુલ ગાંધીની પદયાત્રાને કેટલાક લોકો કોંગ્રેસને બચાવી લેવાના અને એ દ્વારા પોતાનું નેતૃત્વ ટકાવી રાખવાના છેલ્લા પ્રયાસ તરીકે જુએ છે. પદયાત્રાને કારણે કોંગ્રેસની સ્થિતિ સુધરશે કે કેમ અને રાહુલ ગાંધીના રાજકીય કદમાં વધારો થશે કે કેમ એ તો સમય કહેશે. મારી દૃષ્ટિએ અને મારા જેવા બીજા અનેક લોકોની દૃષ્ટિએ આ પદયાત્રા દેશને બચાવી લેવા માટેની છે. એવો દેશ જે વેદોના ઋષિઓથી લઈને વિનોબા સુધીનાં લોકોએ કેળવેલી ભારતની માટીની સુગંધમાં છે. એવો દેશ જ્યાં અસ્મિતાનો મહિમા નથી કરવામાં આવ્યો પણ તેને ત્યાજ્ય માનવામાં આવી છે, કારણ કે અસ્મિતા માત્ર માનવીને વિકાસમાં અવરોધરૂપ છે અને તેને વાડામાં બાંધીને રાખે છે. એવો દેશ જ્યાં નફરતનો મહિમા નથી કરવામાં આવતો.

કોઈ સામે નફરત કરવા માટે પ્રમાણો શોધવાનાં, નફરત માટેનો મસાલો પેદા કરવાનો, નફરતોને પાઠ્યપુસ્તકોમાં સ્થાન આપીને બાળકોનાં મનમસ્તિષ્ક પર કબજો જમાવવો, નફરતોને સડક છાપ બાવા-બાપુઓ દ્વારા ધાર્મિક રંગ ચડાવવો, નફરતોનું રાજકારણ કરવું, નફરતોને રાજ્યકારણનો હિસ્સો બનાવવો અને સ્વાયત્ત લોકતાંત્રિક સંસ્થાઓને કચડી નાખીને નફરતોને માન્યતા અપાવવી વગેરે ભારતની માટીની પેદાશ ન હોઈ શકે! આવું ભારતમાં ક્યારેય બની જ ન શકે, ચિંતા કરવાની જરૂર નથી એમ માનીને તો સંઘપરિવારના નફરતના ઉદ્યોગ તરફ આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. લોકશાહીએ બક્ષેલી સ્વતંત્રતાનો ઉપયોગ કરીને તેઓ સત્તા સુધી પહોંચ્યા છે અને હવે એ જ સ્વતંત્રતાની બાંયધરી આપતી લોકશાહીને તેઓ ખતમ કરવા માગે છે.

દેશમાં આજે જે નફરત જોવા મળી રહી છે એ આયાત કરેલી છે. ન ગમતી પ્રજાને કચડી નાખનારો માથાભારે બહુમતી રાષ્ટ્રવાદ એ પશ્ચિમમાં વિકસેલી કલ્પના છે, જેને વિનાયક દામોદર સાવરકર ભારત લઈ આવ્યા હતા. દેખીતી રીતે જે પ્રજા ન ગમતી હોય તેની સામે ન ગમવા માટેનાં કારણો શોધવાં પડે. થોડાં સાચાં અને વધુ ઉપજાવી કાઢેલાં. સો વરસથી તેઓ વિદેશથી આયાત કરેલો નફરતનો છોડ ભારતની માટીમાં ઉગાડવાનો પ્રયાસ કરતા હતા અને સો વરસથી ભારતની માટી તેનો પ્રતિકાર કરતી હતી.

આ છોડને ઉગવા દેવો એનો અર્થ એ થાય કે આપણે આપણા બાળકને અને આવનારી પેઢીઓને નફરતની વેદી ઉપર હોમી દેવાની. નફરત અશાંતિ નોતરે છે, નફરત હિંસા નોતરે છે, નફરત વિકાસ સાધનારી સર્જનાત્મક ઊર્જાને અવરોધે છે અને સરવાળે નફરત નફરત કરનારાને જ ભરખી જાય છે. વીતેલી સદીમાં જ્યાં બહુમતી રાષ્ટ્રવાદ વિકસ્યો હતો એ જર્મની અને ઇટલીને આનો અનુભવ થઈ ચૂક્યો છે અને અત્યારે મુસ્લિમ દેશોને એનો અનુભવ થઈ રહ્યો છે. આ ધરતી ઉપર એવો એક દેશ બતાવો, જેણે નફરત દ્વારા સુખસમૃદ્ધિ મેળવી હોય. એક દેશ બતાવો. દેશ છોડો એવો એક પરિવાર બતાવો જે નફરત દ્વારા સુખ ભોગવતો હોય. નફરત નફરત કરનારાને જ ભરખી જનારી બીમારી છે.

આમ નફરત એ ભારતની માટીની પેદાશ નથી એ આયાત કરેલી છે અને માટે આપણને માફક નથી આવતી. નફરત આધારિત બહુમતી રાષ્ટ્રવાદમાં હિંદુઓને અન્ય પ્રજા સામે સરસાઈ મળતી હોવા છતાં ૬૦ થી ૬૫ ટકા હિંદુઓ તેનો પ્રતિકાર કરે છે. નફરતને અપનાવનારાઓએ વિચારવું જોઈએ કે આટલી મોટી સંખ્યામાં હિંદુઓ શા માટે હિંદુઓની રાજકીય-સામાજિક-સાંસ્કૃતિક સરસાઈનો વિરોધ કરે છે? વળી જે હિંદુઓ બહુમતી રાષ્ટ્રવાદનો વિરોધ કરી રહ્યા છે એ તમે જોશો કે તેઓ વધારે બુદ્ધિશાળી છે, વધારે ઊંડી સમજ ધરાવે છે, વધારે ઊર્જાવાન છે, વધારે વ્યાપક નિસ્બત ધરાવે છે અને જીવનમાં વધારે સફળ છે. તમારી આજુબાજુ નજર કરી જુઓ તો ૬0 થી ૬૫ ટકા હિંદુઓ ભારતની માટીમાં નફરતનાં ઝેર ઉગાડવાના પ્રયોગ કરવામાં આવી રહ્યા છે અને ભારતની માટીને એ રીતે કેળવવામાં આવી રહી છે એનાથી અસ્વસ્થ છે. પ્રચંડ માત્રામાં અસ્વસ્થ છે.

રાહુલ ગાંધીની પદયાત્રા ભારતની માટીને બચાવી લેવા માગતા ૬૦ ટકા અસ્વસ્થ હિંદુનું અને ૬૫ ટકા ભારતીયનું પ્રતિનિધિત્વ કરે છે. તે બધા કોંગ્રેસી નથી. ઘણા તો કોંગ્રેસવિરોધી પણ હશે. ઘણાએ રાહુલ ગાંધીમાં કોઈ આવડત નથી એમ માનીને તેમના નામનું નાહી પણ નાખ્યું હશે. પણ એ છતાંય તેઓ રાહુલની પદયાત્રાને આશાથી જોઈ રહ્યા છે. ભારતનો શાણો સમાજ (જાણીતા મનોવૈજ્ઞાનિક ઍરિક ફ્રોમની ભાષામાં સેન સોસાયટી) સંગઠિત થઈ રહ્યો છે. ભાન ભૂલેલા સમાજ સામે શાણા સમાજનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે. સહિયારા ભારત માટેની આ સુખદ ઘડી છે. રાહુલ ગાંધી આમાં નિમિત્ત બન્યા છે.

આવું માત્ર ભારતમાં બની શકે. ૬૦ થી ૬૫ ટકા જર્મનોએ જર્મન નાઝીવાદ સામે પ્રતિકાર નહોતો કર્યો. ૬૦ થી ૬૫ ટકા ઇટાલિયનોએ ઇટાલિયન ફાસીવાદનો પ્રતિકાર નહોતો કર્યો. મુસ્લિમ દેશોમાં તો આવો પ્રતિકાર બહુ દૂરની વાત છે. જગતના કોઈ દેશમાં આવું બન્યું નથી, જેમાં બહુમતી પ્રજા બહુમતી રાષ્ટ્રવાદનો આટલા મોટા પ્રમાણમાં અને આટલી સક્રિયતા સાથે વિરોધ કરતી હોય. બહુમતી રાષ્ટ્રવાદ નુકસાનકર્તા છે એ વાત તેનો વિરોધ કરનારાઓએ નાગરિકશાસ્ત્ર ભણીને આત્મસાત નથી કરી. સરખી રીતે નાગરિકશાસ્ત્ર ભણાવવામાં ન આવ્યું હોવા છતાંય ભારતીય નાગરિકે તેને આત્મસાત કર્યું છે એ જગતની અનોખી ઘટના છે.

(પાંચ દાયકા પહેલાં શૈક્ષિણક સુધારાઓ માટે રચવામાં આવેલા કોઠારી કમિશનને એમ લાગ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીને નાગરિકતાનું શિક્ષણ આપવું જોઈએ. સારો ડૉક્ટર સારો ડૉક્ટર હોય એટલું પૂરતું નથી, તે સારો નાગરિક પણ બનવો જોઈએ. માટે જુનિયર કોલેજમાં ફાઉન્ડેશન કોર્સ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને મહાવિદ્યાલયોના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થી સંગઠનોએ મળીને નિષ્ફળ બનાવ્યો હતો.) ભારતની પ્રજાએ સહિયારા ભારતની કલ્પના ભારતની માટીમાંથી આત્મસાત કરી છે. માટે આજથી બે દાયકા પહેલાં અમેરિકાના એ સમયના પ્રમુખ જ્યોર્જ બુશે મલ્ટીકલ્ચરલિઝમના સંદર્ભમાં કહ્યું હતું કે અભિગમભેદ છતાં સાથે કેમ જીવવું એ શીખવું હોય તો ભારત જાવ.

સહિયારાપણું, સહિષ્ણુતા, ઉદારતા, વિવેક, મર્યાદા ભારતની માટીમાં છે. ભારતની સુગંધ છે. ભારતની ઓળખ છે. આ હકીકત ભારતના વર્તમાન શાસકો જાણે છે. તેઓ એ પણ જાણે છે કે આ ધરતી પરના બીજા કોઈ પણ દેશથી ઉલટું ભારતની બહુમતી પ્રજા બહુમતી રાષ્ટ્રવાદનો માત્ર વિરોધ નથી કરતી સક્રિય વિરોધ કરે છે.

તેઓ એ પણ જાણે છે કે તેમના વિરોધમાં પ્રચંડ અસ્વસ્થતા છે જે નિમિત્ત મળતાંની સાથે ઊર્જામાં ફેરવાઈ શકે એમ છે. રાહુલ ગાંધી એ અસ્વસ્થતાને ઊર્જામાં ફેરવવામાં નિમિત્ત બની શકે એમ છે. માટે જેટલો ભારતનો શાણો સમાજ અસ્વસ્થ છે એટલા જ વર્તમાન શાસકો પણ અસ્વસ્થ છે. તેઓ જાણે છે કે શાણા સમાજનો સભ્ય ક્યારેય કદાપિ તેમનો મતદાતા બનવાનો નથી. તેમનો મદાર નફરતના ઝેર અપનાવી લીધેલા વાડે પૂરેલા ૩૫ ટકા હિંદુઓ ઉપર છે, જેમને મોંઘવારી અને બેરોજગારીના ખીલા સતાવે તો છે પણ નફરતના સુખ સામે તેને સહન કરી લે છે. આવતી કાલે નફરતના સુખ કરતાં મોંઘવારી અને બેકારીનું દુઃખ વસમું લાગવા માંડે તો? પડોશમાં શ્રીલંકામાં સિંહાલાહ્રદયસમ્રાટના શા હાલ થયા એ તમે જાણો છો. વળી વાડે પૂરેલા હિંદુઓ ભારતના મર્યાદિત પ્રદેશોમાં જ સૌથી વધુ માત્રામાં છે.

હવે પછી કસોટી રાહુલ ગાંધીની નહીં, નરેન્દ્ર મોદી-અમિત શાહની થવાની છે. બહુમતી હિંદુઓની અસ્વસ્થતા રખે ઊર્જામાં ફેરવાય એ વાતનો તેમને ડર છે. આવું થશે કે નહીં એ અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ થવાની સંભાવના પૂરી છે. શાણા સમાજની અસ્વસ્થતા કરતાં તેમની અસ્વસ્થતા ઘણી વધુ છે કારણ કે સો વરસની નફરતની ખેતી હજુ રાષ્ટ્રીય ખેતીમાં તો નથી જ પરિણમી! તેમનો આખો મદાર ભારતના મર્યાદિત પ્રદેશમાં ખીલે બાંધેલા મર્યાદિત સમર્થકો ઉપર છે અને તેમને મોંઘવારી અને બેકારીનો ડંખ સતાવી રહ્યો છે. એમાં વળી રાહુલ ગાંધી સક્રિય શાણા સમાજને સંગઠિત કરવામાં નિમિત્ત બને તો? શાણા સમાજનું ધ્રુવીકરણ તેમને ક્યારેય ન પરવડે. કદાચ તેઓ હજુ વધુ આક્રમક બનશે. કદાચ તેઓ અંજીરનું પાન પણ ફગાવી દે. હવે પછીના દિવસો નિર્ણાયક હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top