સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 11 દિવસ સુધી ચાલેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન રવિવારે થયું. આ સમારોહ દરમિયાન ભારત માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી, જ્યારે 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના યજમાન દેશ તરીકે ભારતને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન સોંપવામાં આવ્યા. આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રમુખ ડો. ડોનાલ્ડ રુકાએ સમાપન સમારોહ દરમિયાન ભારતને ફ્લેગ-બેટન સોંપીને 2030ની શતાબ્દી આવૃત્તિની યજમાનીનો પ્રતીકાત્મક હસ્તાંતરણ કર્યું. વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થવાનું છે, જેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ માત્ર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ છે. તેમણે કહ્યું કે આગામી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત વિશ્વ સમક્ષ પોતાની સંસ્કૃતિ, આયોજન ક્ષમતા અને રમતગમતની શક્તિ રજૂ કરશે. ગુજરાત સરકાર વિશ્વસ્તરીય રમતગમતની સુવિધાઓ અને સફળ આયોજન માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
સમાપન સમારોહમાં ભારતીય સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી. જાણીતા ગાયક શંકર મહાદેવને દેશભક્તિના ગીતોથી માહોલ દેશપ્રેમના રંગમાં રંગી દીધો હતો. તેમની સાથે તેમના પુત્રો અને ગુજરાતી ગાયિકા ભૂમિ ત્રિવેદીએ પણ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે ‘વંદે માતરમ્’ પર રજૂઆત કરીને દર્શકોનું દિલ જીતી લીધું હતું. સિતારવાદક ઋષભ રિખીરામ અને સ્કોટિશ બેગપાઇપર રોસ એન્સલીએ ભારતીય અને સ્કોટિશ સંગીતનું અનોખું સંયોજન રજૂ કર્યું હતું. આ ઐતિહાસિક સમારોહના સાક્ષી તરીકે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા અને ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પી.ટી. ઉષા પણ હાજર રહ્યા હતા.
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે કુલ 39 મેડલ જીત્યા, જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનના આધારે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું હતું. 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ભારત માટે રમતગમતના ક્ષેત્રમાં એક ઐતિહાસિક તક માનવામાં આવી રહી છે. વિશ્વભરના ખેલાડીઓ અને લાખો પ્રવાસીઓ ગુજરાતમાં આવશે, જેના કારણે રમતગમત ઉપરાંત પ્રવાસન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થતંત્રને પણ મોટો ફાયદો થવાની અપેક્ષા છે.