નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનની ઘટના બાદ અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર પણ એલર્ટ બન્યું છે. આ કુદરતી આફતમાં અનેક ભારતીય પ્રવાસીઓ ફસાયા અને ગુમ થયા હોવાના અહેવાલો વચ્ચે અમદાવાદ જિલ્લાના કોઈ પ્રવાસી કે નાગરિક અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા હોય તો તેમના માટે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં જણાવાયું છે કે નેપાળ-તિબેટ સરહદે આવેલા રસુવા જિલ્લામાં અચાનક આવેલા વિનાશક પૂર, એટલે કે ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનના કારણે કેટલાક ભારતીય પ્રવાસીઓ ફસાયેલા હોવાના સમાચાર મળ્યા છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લાના પ્રવાસીઓ કે નાગરિકો અંગે કોઈ માહિતી મળે અથવા તેઓ ફસાયેલા હોવાની જાણ થાય તો તાત્કાલિક જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રે મદદ અને માહિતી માટે ટોલ ફ્રી કંટ્રોલ રૂમ નંબર 1077 જાહેર કર્યો છે. આ ઉપરાંત ફોન નંબર 079-27550571 પર પણ સંપર્ક કરી શકાશે. ફસાયેલા વ્યક્તિ અંગે જાણકારી, મદદ અથવા અન્ય જરૂરી સહાય માટે પરિવારજનો અને સંબંધિત લોકો આ નંબરો પર સંપર્ક કરી શકે છે.
નેપાળના રસુવા જિલ્લામાં આવેલા અચાનક પૂરે મોટા પાયે નુકસાન સર્જ્યું છે. પ્રાથમિક અહેવાલોમાં ભારતના 105 નાગરિકો સહિત કુલ 384 પ્રવાસીઓ અને યાત્રિકોનો સંપર્ક તૂટ્યો હોવાની માહિતી સામે આવી હતી. આ આંકડાઓની ચકાસણી અને બચાવ કામગીરી સતત ચાલી રહી હોવાથી સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે.
આ ઘટનાથી ખાસ કરીને કૈલાસ માનસરોવર યાત્રા અને નેપાળ મારફતે તિબેટ તરફ જતાં ભારતીય યાત્રિકોને લઈને ચિંતા વધી છે. ભારે પૂરના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે, જ્યારે સંચાર વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. જેના કારણે ફસાયેલા પ્રવાસીઓનો સંપર્ક કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે જો અમદાવાદ જિલ્લાના કોઈ પ્રવાસી અથવા નાગરિક નેપાળના અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા હોય તો તેમના પરિવારજનો તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરે. સંબંધિત વ્યક્તિનું નામ, સરનામું, સંપર્ક નંબર, પ્રવાસની વિગતો અને છેલ્લે કયા સ્થળે સંપર્ક થયો હતો તેની માહિતી આપવાથી વહીવટીતંત્રને આગળની મદદ અને સંકલનમાં સરળતા રહેશે. નેપાળમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. ભારતીય નાગરિકોની સુરક્ષા અને તેમના સંપર્ક માટે પણ વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જાહેર કરાયેલા નંબરો:
ટોલ ફ્રી કંટ્રોલ રૂમ: 1077
ફોન નંબર: 079-27550571