Gujarat

PM મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે – સુરતમાં પણ આગમન

ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત થાય તે પહેલા પીએમ (PM) નરેન્દ્ર મોદીએ હવે ગુજરાતનો (Gujarat) મોરચો સંભાળ્યો હોય તેમ આવતીકાલે તા.29મી સપ્ટેમ્બરથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે. જેમાં તેઓ સુરત, અમદાવાદ, અંબાજી તથા ભાવનગરની મુલાકાતે જશે. તેની સાથોસાથ ગુજરાતમાં 29000 કરોડથી વધુના વિકાસ પ્રોજેકટનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવાના છે. પીએમ મોદીની ગુજરાત મુલાકાતના પગલે સુરત, અમદાવાદ, અંબાજી તથા ભાવનગરમાં સલામતીના સઘન પગલા લેવાયા છે. ત્રણ શહેરોમાં મોદીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી અમદાવાદમાં મેટ્રોરેલ અને સુરતમાં ડ્રીમસિટી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જ્યારે ઉત્તર ગુજરાતના અંબાજી, અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગરમાં જાહેરસભાને સંબોધન કરશે.

ભારતના ચૂંટણી પંચની મુલાકાત બાદ મોદીની આ મુલાકાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને મહત્વની બની જાય છે. બે દિવસમાં તેઓ ત્રણ જાહેરસભાને સંબોધીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. વડાપ્રધાન સુરતમાં 3732 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે જેમાં ડ્રીમસિટી પ્રોજેક્ટ અતિ મહત્વનો છે. પીએમ મોદી ભાવનગરમાં વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરશે. ભાવનગરમાં તેમનો રોડ-શો આયોજિત કરવામાં આવ્યો છે. આ શહેરમાં તેઓ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અને એલીલીએલ કન્ટેનરનું ઉદ્દઘાટન કરશે. પ્રથમ દિવસે તેઓ સાંજના સમયે અમદાવાદ આવશે.

અમદાવાદમાં તેઓ મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેઇમ્સનો પ્રારંભ કરાવશે, ત્યારબાદ રાજય સરકાર આયોજિત વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં તેઓ હાજરી આપશે. રાત્રે તેઓ ગાંધીનગર રાજભવનમાં રોકાણ કરશે. બીજા દિવસે તેઓ અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી વંદે ભારત સેમી હાઇસ્પીડ એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગઓફ કરશે. તેઓ અમદાવાદમાં મેટ્રોરેલના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરી એઇસી ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરશે.

આ કાર્યક્રમો પૂર્ણ થયા પછી મોદી બનાસકાંઠામાં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ 7908 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ 2798 કરોડના ખર્ચે નિર્માણ થનારી તારંગા હિલ- આબુ બ્રોડગેડ રેલવે લાઇનનું ભૂમિપૂજન કરવાના છે. એ ઉપરાંત ડીસા એરફોર્સ સ્ટેશનમાં 1000 કરોડના ખર્ચે રનવે અને સબંધિત માળખાકીય પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરશે. 62.15 કિલોમીટરની પાલનપુર-મહેસાણા રેલવે લાઇનનું તેઓ લોકાર્પણ પણ કરવાના છે. અંબાજીના દર્શન કરી ગબ્બરની મહાઆરતીમાં ભાગ લેશે. અંબાજીમાં તેમની જાહેરસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

પીએમ મોદીના બે દિવસના કાર્યક્રમો વિગતો
29મી સપ્ટેમ્બર

11.00 – સુરતમાં 3772.54 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત.
12.00 – સુરતમાં ડ્રીમસિટી પ્રોજેકટનું લોકાર્પણ.
2.00 – ભાવનગરમાં રોડ-શો અને જાહેર સભા.
3.00 – સીએનજી ટર્મિનલ અને બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ.
7.00 – મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેઇમ્સનું ઉદ્દઘાટન
9.00 – જીએમડીસી ગ્રાઉન્ડ પર વાયબ્રન્ટ નવરાત્રિ ઉત્સવમાં ભાગ લેશે.

30મી સપ્ટેમ્બર
10.30 – વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગઓફ ગાંધીગનર કેપિટલ રેલ્વે સ્ટેશન
11.30 – મેટ્રોરેલના પ્રથમ તબક્કાનું લોકાર્પણ.
12.00 – એઇસી ગ્રાઉન્ડમાં જાહેર સભા.
5.45 – બનાસકાંઠામાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ
7.00 – અંબાજી મંદિરના દર્શન
7.45 – ગબ્બર તિર્થ ખાતે મહાઆરતીમાં ભાગ લેશે.

Most Popular

To Top